ડુંગળીના ભાવમાં 57 ટકા વધારોઃ કેન્દ્ર મેદાનમાં ઉતરશે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
ડુંગળીના ભાવમાં 57 ટકા વધારોઃ કેન્દ્ર મેદાનમાં ઉતરશે 1 - image


- બજારમાં એક કિલો ડુંગળીનો ભાવ રૂ. 50 નજીક

- કેન્દ્રએ રિટેલ માર્કેટમાં પ્રતિ કિલો 25 રૂપિયાના ભાવે ડુંગળી વેચવાનું શરૂ કર્યું

નવી દિલ્હી : ડુંગળીનો અખિલ ભારતીય સરેરાશ છૂટક ભાવ ૫૭ ટકા જેટલો વધીને પ્રતિ કિલો ૪૭ રુપિયા થઈ જતાં કેન્દ્ર મેદાનમાં ઉતર્યુ છે. કેન્દ્રએ ગ્રાહકોને રાહત આપવા માટે બધા રિટેલ માર્કેટમાં ડુંગળી પ્રતિ કિલો ૨૫ રુપિયાના ભાવે વેચવાનો નિર્ણય કર્યો છે. 

ડુંગળીનો પ્રતિ કિલો ભાવ વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન ૩૦ રુપિયા હતો, જે હાલમાં વધીને પ્રતિ કિલો ૪૭ રુપિયા થઈ ગયો હોવાનું ગ્રાહક મંત્રાલયના આંકડા જણાવે છે. દિલ્હીમાં શુક્રવારે પ્રતિ કિલો ૪૦ રુપિયા હતો, જે વર્ષ અગાઉ ૩૦ રુપિયા હતો. 

ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમારસિંહે જણાવ્યું હતું કે અમે ઓગસ્ટના મધ્યાંતરથી ડુંગળીનો બફર સ્ટોક વેચી રહ્યા છીએ અને હવે અમે ભાવને અંકુશમાં લાવવા માટે રિટેલ વેચાણમાં પણ ઝંપલાવીશું, જેથી ગ્રાહકોને રાહત રહે. 

મંત્રાલયના જણાવ્યા મુજબ જથ્થાબંધ અને છૂટક માર્કેટ બંનેમાં ડુંગળીનો બફર સ્ટોક ઠાલવામાં આવી રહ્યો છે. ઓગસ્ટના મધ્યાંતરથી દેશના ૨૨ રાજ્યોમાં વિવિધ સ્થળોએ ૧.૭ લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક ઠાલવવામાં આવ્યો છે. 

રિટેલ માર્કેટમાં જોઈએ તો ડુંગળીનો બફર સ્ટોક કેટલીક કોઓપરેટિવ બોડી જેવી કે એનસીસીએફ અને નાફેડના આઉટલેટ્સ દ્વારા અને વાહનો દ્વારા પ્રતિ કિલો ૨૫ રુપિયાના ભાવે ડુંગળીનો બફર સ્ટોક ઠાલવવામાં આવી રહ્યો છે. 

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ખરાબ વાતાવરણના લીધે ડુંગળીની વાવણીમાં વિલંબ થયો હતો અને તેના લીધે તેનો પાક આવવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. 

ખરેખર તો ખરીફ સીઝનની ડુંગળી અત્યારે આવવા માંડી હોય છે પરંતુ હજી સુધી આવી નથી. 


Google NewsGoogle News