55 લાખ ખર્ચ્યા છતાં ભાગ્યએ સાથ ન આપ્યો, 8 મહિનામાં 2 વખત ડિપોર્ટ, પંજાબના નવદીપની આપવીતી
America Deported Navdeep Twice in 8 Months: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં કુલ 332 લોકોને અમેરિકાથી ભારતમાં મોકલી દેવામાં આવ્યા છે.
'ડ્રીમ અમેરિકા'ના ઘણા સમાચાર સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે
લાખો રૂપિયા ખર્ચીને લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા. પરંતુ હવે તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે. 'ડ્રીમ અમેરિકા'ના ઘણા સમાચાર સોશિયલ મીડિયા પર હાલ ફરી રહ્યા છે. આવી જ કહાની પંજાબના ફિરોઝપુર જિલ્લાના રહેવાસી નવદીપની છે, જેણે અમેરિકા જવા માટે બે વખત મોટી રકમ ખર્ચી હતી પરંતુ બંને વખત નસીબ તેની સાથે નહોતું.
8 મહિનામાં 55 લાખ રૂપિયા ખર્ચ્યા, પરંતુ...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવદીપના પિતા કાશ્મીર સિંહે જણાવ્યું કે, 'છેલ્લા 8 મહિનામાં બે વખત અમે નવદીપને અમેરિકા મોકલવા માટે લગભગ 55 લાખ રૂપિયા ખર્ચ્યા. પરંતુ નસીબે બંને વખતે સાથ ન આપ્યો. નવદીપને ગેરકાયદેસર વસાહતીઓની બીજી બેચમાંથી ભારત આવવાનું હતું. પરંતુ તે બીમાર પડ્યો, જેના કારણે તેને ત્રીજા બેચમાં દેશનિકાલ કરવામાં આવ્યો.
પિતા ચલાવે છે મીઠાઈની દુકાન
નવદીપના પિતા એક મીઠાઈની દુકાન ચલાવે છે. તેમણે જણાવ્યું કે, 'મારો નાનો પુત્ર એટલે કે નવદીપ ગ્રેજ્યુએટ છે. ક્યારેક તે મને મારા કામમાં મદદ પણ કરતો. પરંતુ તેને મીઠાઈની દુકાનમાં કામ કરવામાં શરમ આવતી હતી. અમે ઈચ્છતા હતા કે તે કોઈ નોકરી કરે. પરંતુ નવદીપ અમેરિકા જવા માંગતો હતો. આથી ગયા વર્ષે અમે જમીન વેચીને 40 લાખ રૂપિયા ભેગા કર્યા અને થોડા પૈસા સંબંધીઓ પાસેથી પણ ઉધાર લીધા. પરંતુ પુત્રની પનામા શહેરમાં જ ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો પછી તેને ભારત મોકલી દેવામાં આવ્યો.'
અમેરિકા જવાનું સપનું ફરી જાગ્યું...
પનામાથી દેશનિકાલ થયા બાદ નવદીપ લગભગ બે મહિના સુધી ઘરે જ રહ્યો હતો. પણ તેનું અમેરિકા જવાનું સપનું યથાવત હતું. આખરે તેણે ફરીથી તે જ એજન્ટનો સંપર્ક કર્યો જેણે અગાઉ પૈસા લીધા હતા. આ વખતે એજન્ટે 15 લાખની રકમ માંગી હતી. આ વખતે જુગાડ પણ સારું ચાલ્યું અને નવદીપ અમેરિકા પહોંચી ગયો. પરંતુ માત્ર 2 મહિના પછી પરિસ્થિતિ ફરી બદલાઈ ગઈ.
નવદીપની 27 જાન્યુઆરીએ જ અમેરિકામાં અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આ માહિતી તેના પરિવારના સભ્યોને બે દિવસ પહેલા આપવામાં આવી હતી. જોકે, માત્ર નવદીપ જ નહિ પરંતુ ઘણા લોકોએ પોતાના ઘર વેચીને અને પૈસા ઉધાર લઈને અમેરિકા જવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભાગ્ય થોડા મહિનામાં તેમણે ભારત પાછું આવવું પડ્યું.