55 લાખ સિમ કાર્ડ કેન્દ્ર સરકારે કર્યા બ્લોક, તમારી પાસે પણ નકલી કાર્ડ હોય તો ચેતી જજો
નવી મુંબઇ,તા. 16 ડિસેમ્બર 2023, શનિવાર
જો તમે નકલી સિમ અને નંબર ખરીદીની વાપરી રહ્યાં હોવ તો ચેતી જજો. આનાથી તમને ચોક્કસપણે મોટું નુકસાન થાય છે. કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. આ જ કારણ છે કે સરકારે આવા નંબરો સામે કડક કાર્યવાહી કરી છે.
હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે 55 લાખથી વધુ મોબાઈલ કનેક્શન બંધ કરી દીધા છે. સરકાર દ્વારા વેરિફિકેશન અભિયાન ચાલી રહ્યું હતું અને વેરિફિકેશનમાં આ નંબરો શંકાસ્પદ જણાયા હતા, ત્યાર પછી આ પગલું ભરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા લોકસભામાં આ માહિતી આપવામાં આવી હતી કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ફેશિયલ રેકગ્નિશન પાવર્ડ સોલ્યુશન (ASTR) દ્વારા 67 લાખ શંકાસ્પદ મોબાઈલ કનેક્શન્સની ઓળખ કરવામાં આવી હતી. તેમાંથી 55.52 લાખ નંબરો રિ-વેરિફિકેશન માટે સબસ્ક્રાઇબ કરવામાં નિષ્ફળ ગયા હતા.
સરકારે કહ્યું કે, 'આ મોબાઈલ કનેક્શનના વેચાણમાં 70 હજારથી વધુ સિમ એજન્ટ સામેલ હતા. તેમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને 1890 પોઈન્ટ ઓફ સેલ (POS) સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. 1,31,961 મોબાઈલ હેન્ડસેટ પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ગુનાઓ/નાણાકીય છેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને, આ તમામ મોબાઈલ હેન્ડસેટને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે.
ASTR એક એવી સિસ્ટમ છે જે TSPs પાસેથી મળેલી માહિતીના આધારે ડુપ્લિકેટ સિમ કાર્ડ રજિસ્ટ્રેશનને ઓળખ કરાવે છે. તે એ પણ શોધી કાઢે છે કે, વ્યક્તિગત ધોરણે કેટલા સિમ કાર્ડ આપવામાં આવ્યા છે. જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 'સંચાર સાથી' પોર્ટલ નાગરિકોને શંકાસ્પદ મોબાઈલ ગતિવિધિની જાણ કરવાની સત્તા પણ આપે છે. દરેક યુઝરની માહિતી અહીં ઉપલબ્ધ છે. તેની મદદથી સુરક્ષા અને ગોપનીયતા પણ નિયંત્રિત થાય છે.