રામલલા માટે 500 વર્ષથી સૂર્યવંશી રાજપૂતોએ પાઘડી અને જૂતા નથી પહેર્યા, જાણો શું છે એ પ્રતિજ્ઞાનો ઈતિહાસ
500 વર્ષ પહેલા 90 હજાર સૂર્યવંશી રાજપૂતોએ બાબરની સેના સામે યુદ્ધ છેડ્યું હતું
Ayodhya Ram Mandir: અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, 22મી જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો માહોલ છે, મોટી સંખ્યામાં લોકોએ રામ મંદિરને લઈને વિવિધ પ્રતિજ્ઞા લીધી હતી. જે લાંબા સમય બાદ પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે આવો જ એક સમાજ અયોધ્યામાં રહે છે, જેની 500 વર્ષ જૂની પ્રતિજ્ઞા મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પૂર્ણ થશે.
સૂર્યવંશી રાજપૂતોની પ્રતિજ્ઞા
અયોધ્યાથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલા સરયરાસી ગામમાં સૂર્યવંશી રાજપૂતોની સૌથી વધુ વસ્તી છે, ગ્રામજનોનું કહેવું છે કે 'અહીં રહેતા રાજપૂતો ન તો પગમાં ચામડાના જૂતા પહેરે છે, ન તો માથે પાઘડી બાંધે છે, ન તો છત્રી રાખે છે. ઉપરાંત દીકરીના લગ્નમાં માંડવો પણ રોપતા નથી.' 115 ગામોના સૂર્યવંશી રાજપૂતો આ પ્રતિજ્ઞાનું પાલન કરી રહ્યા છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પૂર્વજોની પ્રતિજ્ઞા પૂર્ણ થશે.
મીર બાંકીએ 90 હજાર સૂર્યવંશી રાજપૂતોની હત્યા કર્યા બાદ મસ્જિદ બનાવી
ઇતિહાસ અનુસાર, લગભગ 500 વર્ષ પહેલા બાબરનો સેનાપતિ મીર બાંકી શાહી સેના સાથે અયોધ્યા પહોંચ્યો હતો અને રામ મંદિરને તોડી પાડ્યું હતું. ત્યારે રાજા ઠાકુર ગજરાજ સિંહને આ વાતની જાણ થઈ હતી. ત્યારે રાજા ઠાકુર ગજરાજ સિંહે 90 હજાર સૂર્યવંશી રાજપૂતો ભેગા કર્યા. સૂર્યદેવના મંદિરે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી અમે રામ મંદિરને મુઘલો પાસેથી મૂક્ત નહીં કરાવીએ ત્યાં સુધી માથા પર પાઘડી નહીં બાધીએ, પગમાં ચામડાના જૂતા નહીં પહેરીએ, છત્રીનો ઉપયોગ નહીં કરીએ અને દીકરીના લગ્નમાં માંડવો પણ નહીં રોપીએ.ત્યારબાદ સૂર્યવંશી રાજપૂતો મુઘલો સામે લડવા ગયા અને લગભગ છ દિવસ સુધી ઘમાસાણ યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધમાં 90 હજાર સૈનિકોએ બલિદાન આપ્યું હતું અને પછી મીર બાંકીએ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.
હવે ગ્રામજનોનું કહેવું છે કે,'અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. 500 વર્ષ જૂની આ પ્રતિજ્ઞા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પૂર્ણ થશે. 22મી જાન્યુઆરી બાદ દરેક વ્યક્તિ પાઘડી પહેરીને ભગવાન રામના દર્શન કરવા જશે.