કટોકટીના 49 વર્ષ પૂરા: ઈન્દિરા ગાંધી રાજીનામું આપવા તૈયાર હતા, વાંચો ઈમરજન્સીના રોચક કિસ્સા

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
કટોકટીના 49 વર્ષ પૂરા: ઈન્દિરા ગાંધી રાજીનામું આપવા તૈયાર હતા, વાંચો ઈમરજન્સીના રોચક કિસ્સા 1 - image

Image : Socialmedia

Indira Gandhi Emergency 1975 : ભારતના લોકશાહીના ઈતિહાસના એક ઐતિહાસિક, અવિસ્મરણીય અને કાળા દિવસે તરીકે ઉલ્લેખિત ઈમરજન્સીની આજે 50મી વર્ષગાંઠ છે. તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ આજના દિવસે એટલે કે 25 જૂન 1975ના રોજ દેશમાં ઈમરજન્સી લાદી હતી. 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. 25-26 જૂનની મધ્યરાત્રિએ તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદના હસ્તાક્ષર સાથે આઝાદ ભારતની પ્રથમ કટોકટી લાદવામાં આવી હતી. આ નિર્ણય બાદ પીએમ ઈન્દિરા ગાંધીએ રેડિયો દ્વારા સમગ્ર રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું હતુ કે ભાઈઓ અને બહેનો, રાષ્ટ્રપતિએ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ અંગે ગભરાવાનું કોઈ કારણ નથી.

ઈમરજન્સી દરમિયાન ઈન્દિરા ગાંધીના પ્રાઈવેટ સેક્રેટરી રહેલા આર.કે ધવને એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઈન્દિરા ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ તેઓ રાજીનામું આપવા તૈયાર હતા, પરંતુ કોઈના આગ્રહ પર તેમણે રાજીનામું મોકૂફ રાખ્યું હતું. 

આજના આ ઐતિહાસિક દિવસ પર આવો જાણીએ ઈમરજન્સી સાથે જોડાયેલી અનેક પ્રખ્યાત વાર્તાઓ પરંતુ તે પહેલા ઈમરજન્સીની પૃષ્ઠભૂમિ પર એક નજર કરીએ.

કટોકટીના 49 વર્ષ પૂરા: ઈન્દિરા ગાંધી રાજીનામું આપવા તૈયાર હતા, વાંચો ઈમરજન્સીના રોચક કિસ્સા 2 - image(PC : Indian History)

આર.કે ધવને શેર કરેલ સ્ટોરી....

પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના પ્રાઈવેટ સેક્રેટરી રહેલા આર.કે ધવને કહ્યું કે પીએમ લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને સાઈડલાઈન કરીને પીએમ પદ સંભાળ્યું હતું. ઈન્દિરા ગાંધી પીએમ બન્યા પછી કેટલાક કારણોસર ન્યાયતંત્ર સાથે તેમનો સંઘર્ષ વધતો ગયો અને આ સંઘર્ષ આખરે ઈમરજન્સીમાં ફેરવાયો. 

આ ઘટનાક્રમમાં 27 ફેબ્રુઆરી 1967ના રોજ સુપ્રીમ કોર્ટનો નિર્ણય પણ ઈમરજન્સીનું એક મોટું કારણ હતું. તત્કાલીન CJI જસ્ટિસ સુબ્બારાવની આગેવાની હેઠળની ડિવિઝન બેચે એક મોટો નિર્ણય આપતાં કહ્યું કે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી સાથે કોઈ બંધારણીય સુધારો કરી શકાય નહીં. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે નાગરિકોના મૂળભૂત અધિકારોની જોગવાઈઓને ન તો નાબૂદ કરી શકાય છે અને ન તો મર્યાદિત કરી શકાય છે.

કટોકટીનું કારણ ?

ઈમરજન્સી લાદવાનું સૌથી મોટું કારણ પીએમ ઈન્દિરા ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ થવાનું હતું. 1971ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ મોટા માર્જિનથી ચૂંટણી જીત્યા હતા. ઇન્દિરા ગાંધીની જીત પર સવાલ ઉઠાવતા, તેમની સામે ચૂંટણી લડનાર રાજનારાયણે 1971માં કોર્ટનો સંપર્ક કર્યો અને કહ્યું કે ઇન્દિરાએ ચૂંટણી જીતવા માટે અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કર્યો હતો. સુનાવણી બાદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ઈન્દિરા અને રાજનારાયણની ચૂંટણી રદ કરી હતી. આ નિર્ણય બાદ જ ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી જાહેર કરી હતી. 

કોર્ટે 24 જૂને ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પોતાનો ચુકાદો આપ્યો હતો અને 25 જૂને ઈન્દિરા ગાંધીએ કેબિનેટની બેઠક બોલાવીને ઈમરજન્સીના નિર્ણયની જાણકારી આપી હતી અને ત્યારબાદ 25 અને 26 જૂનની મધ્યરાત્રિએ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કટોકટીનો વટહુકમ બહાર પાડ્યો અને સમગ્ર દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. 

તો હવે સવાલ થવો વ્યાજબી છે કે રાજીનામું આપવા તૈયાર થયેલા ઈન્દિરા ગાંધી ઈમરજન્સી માટે કેવી રીતે સંમત થયા ?

આર.કે ધવને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ઈન્દિરા ગાંધીએ પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે ઈમરજન્સી જાહેર કરી ન હતી. હકીકતમાં તે પોતે રાજીનામું આપવા તૈયાર હતા. ઈન્દિરાએ અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય સાંભળ્યો ત્યારે તેઓ રાજીનામું આપવા તૈયાર થઈ ગયા હતા. તેમણે રાજીનામું પણ લખી દીધું હતું અને તેના પર હસ્તાક્ષર જ માત્ર નહોતા કર્યા કારણકે તે સમયે કેબિનેટના વરિષ્ઠ સાથીઓએ તેમને રાજીનામું ન આપવા માટે સમજાવ્યા હતા. બધાએ આગ્રહ કર્યો કે તેમણે કોઈપણ ભોગે રાજીનામું આપવું જોઈએ નહીં.

ઈન્દિરાને બંગાળના CMએ લખેલા પત્રમાં શું હતુ ?

આર.કે ધવનના મતે બંગાળના તત્કાલીન સીએમ સિદ્ધાર્થ શંકર રે ઈમરજન્સીના આર્કિટેક્ટ/સૂત્રધાર હતા. ધવને જણાવ્યું કે 8 જાન્યુઆરી, 1975ના રોજ એસએસ રેએ એક પત્ર લખીને ઈમરજન્સી લાદવાની સલાહ આપી હતી. ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ થયા બાદ તેમણે ઈમરજન્સીની જોરદાર હિમાયત કરી હતી. ધવને વધુમાં જણાવ્યું હતું કે ધરપકડને લઈને તમામ તૈયારી ઈમરજન્સી લાદવાના 5 દિવસ પહેલા કરવામાં આવી હતી. ધવને ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું કે તે સમયે ઘણા રાજ્યોના કોંગ્રેસી મુખ્યમંત્રીઓએ સંજય ગાંધીને ખાતરી આપી હતી કે તેઓ તેમની માતા ઈન્દિરા ગાંધી કરતા પણ વધુ લોકપ્રિય છે.

સંજયના નિર્ણયોમાં પત્ની મેનકાની ભૂમિકા ?

હવે આપણે ઈમરજન્સીના બીજા મોટા પાત્ર પર આવીએ તો તેમનું નામ છે સંજય ગાંધી. કહેવાય છે કે ઈન્દિરા ગાંધી જ્યારે પીએમ હતા ત્યારે મોટાભાગના નિર્ણયો પર સંજય ગાંધી જ નિર્ણય લેતા હતા. સંજય અને તેમની પત્ની મેનકા ગાંધી ઈમરજન્સી સાથે જોડાયેલી તમામ બાબતો જાણતા હતા. તેઓ દરેક પગલે પતિ સંજય ગાંધીની સાથે હતા. 

ધવને ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું કે ઈન્દિરા ગાંધી બળજબરીથી નસબંધી અને તુર્કમાન ગેટ પર બુલડોઝર ચલાવવા જેવા નિર્ણયોથી સંપૂર્ણપણે અજાણ હતા. ઈન્દિરા ગાંધીને એ પણ ખબર નહોતી કે સંજય પોતાના મારુતિ પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ કરવા જઈ રહ્યો છે. ધવને કહ્યું કે સંજય ગાંધીના આ તમામ નિર્ણયો પાછળ તેમની પત્ની મેનકા ગાંધીનો હાથ હતો. સંજય ગાંધી અને તેમની યુવા ટીમે શું કરવું જોઈએ? મેનકા ગાંધી જ આ બધું સંભાળતા હતા અને દિશા-નિર્દેશ કરતા હતા.

સંજય ગાંધીના મૃત્યુ પછી પત્ની મેનકાએ સંજયના સહયોગી અકબર અહેમદ ડમ્પી સાથે મળીને રાષ્ટ્રીય સંજય મંચની રચના કરી હતી. ત્યારબાદ મેનકા 1988માં જનતા દળમાં જોડાયા અને 1989માં પીલીભીતથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. 1999માં અટલ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા મેનકા 2004માં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા.


Google NewsGoogle News