ગરમી સામે સૌ કોઈ લાચાર, બિહારમાં સ્કૂલની 48 વિદ્યાર્થિનીઓ બેભાન થતાં 10 દિવસ રજા જાહેર
Bihar heatwave News | બિહારમાં પણ ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. જેનો ભોગ વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે. બેગુસરાય અને શેખપુરામાં શાળામાં ૪૮ વિદ્યાર્થીનિઓ ગરમીને કારણે બેભાન થઇ ગઇ હતી. સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને બિહારમાં તમામ શાળાઓ, આંગણવાડી અને કોચિંગ સંસ્થાઓને ૩૦મી મેથી આઠ જૂન સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
બિહારના બેગુસરાય અને શેખપુરામાં ૪૮ જેટલી વિદ્યાર્થિનીઓ ચાલુ શાળાએ બેભાન થઇ ગઇ હતી, જેને કારણે અન્ય વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોની મદદથી તેમને બેન્ચ પર સુવાડી દેવામાં આવી હતી અને પાણીનો છંટકાવ કરાયો હતો. બાદમાં તમામ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બેગુસરાયમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું હતું, અન્ય રાજ્યોમાં હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે જ્યારે બિહારમાં શાળાઓ ચાલુ હતી, આ સ્થિતિ વચ્ચે ૮૦થી વધુ વિદ્યાર્થિનીઓ બિમાર પડી ગઇ હતી, જે વિસ્તારોમાં વિદ્યાર્થિનીઓના બેભાન થવાની ઘટનાઓ સામે આવી છે ત્યાં તમામ વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ઔરંગાબાદ અને કૈમૂરમાં તાપમાન ૪૬ ડિગ્રીથી વધુ નોંધાયું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આઠ જૂન સુધી બિહારના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી યથાવત રહેશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૩૦મી મેથી આઠ જૂન સુધી તમામ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને કોચિંગ સેન્ટરો બંધ રાખવાનો આદેશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વિપક્ષે પણ આટલી ગરમીમાં શાળાઓ ચાલુ રાખવા બદલ નિતિશ કુમાર સરકારની ટિકા કરી હતી. તેજસ્વી યાદવે કહ્યું હતું કે બાળકોને ૪૮ ડિગ્રી તાપમાનમાં પણ શાળાએ આવવા મજબૂર કરાઇ રહ્યા છે. મુખ્યમંત્રી નિતિશ કુમાર આટલા નબળા કેમ બની રહ્યા છે.