Get The App

દિલ્હીમાં રાજ્ય સરકારની ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં રાજ્ય સરકારની ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે 1 - image


- ખાનગી કંપનીઓને પણ આવી જ વ્યવસ્થા કરવાનો આગ્રહ

- દિલ્હીમાં એક્યુઆઇ 426 રહેતા પ્રદૂષણ હજુ પણ ગંભીર શ્રેણીમાં : દિલ્હીમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ

- દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસના પ્રમાણમાં વધારો : આસામ, તમિલનાડુમાં વરસાદની સંભાવના

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણના ચિંતાજનક સ્તરને ધ્યાનમાં દિલ્હી સરકારની ઓફિસોમાં ૫૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ (વર્ક ફ્રોમ હોમ) કરશે. જ્યારે ખાનગી કંપનીઓમાં આવી જ વ્યવસ્થા કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

જો કે આરોગ્ય સેવા, સ્વચ્છતા, જાહેર પરિવહન, ફાયર સર્વિસીસ, લો એનફોર્સમેન્ટ, વીજળી પુરવઠો, પાણી પુરવઠો અને ઇમરજન્સી સેવાઓ પૂર્ણ ક્ષમતાથી કામ કરશે જેથી જાહેર સેવાઓને કોઇ અસર ન થાય.

દિલ્હી નગર નિગમ સહિત દિલ્હી સરકારના લગભગ ૮૦ વિભાગો અને વિભિન્ન એજન્સીઓમાં લગભગ ૧.૪ લાખ લોકો કાર્યરત છે. દિલ્હીમાં બુધવારે પણ ઝેરી હવા અને પ્રદૂષણ મહત્તમ સ્તરે રહ્યું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક્યુઆઇ ૪૨૬ નોંધવામાં આવ્યો છે જે ગંભીર શ્રેણીમાં છે. આ ઉપરાંત દિલ્હીમાં ગત રાત્રિ સિઝનની સૌથી ઠંડી રાત હતી. 

દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે બુધવારે સોશિયલા મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારની ઓફિસોના ૫૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે.

દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન ૧૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ઠંડીની સાથે ધુમ્મસનું પ્રમાણ વધી જતાં સવારે ૮.૩૦ વાગ્યે દ્રશ્યતા ઘટીને ૫૦૦ મીટર  સુધી પહોંચી ગઇ હતી. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 

હવામાન વિભાગે ૨૦ અને ૨૩ નવેમ્બર સુધી પંજાબ-હરિયાણાની સાથે ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. પૂર્વંમાં આસામ, દક્ષિણમાં તમિલનાડુ અને પશ્ચિમ ઉત્તરમાં સેન્ટ્રલ પાકિસ્તાન ઉપર સાયકલોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. 


Google NewsGoogle News