તમારા બાળકોને પણ સાચવજો, બિહારમાં પ્રચંડ ગરમીના કારણે 50 વિદ્યાર્થિની બેહોશ, આઠમી જૂન સુધી સ્કૂલો બંધ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
તમારા બાળકોને પણ સાચવજો, બિહારમાં પ્રચંડ ગરમીના કારણે 50 વિદ્યાર્થિની બેહોશ, આઠમી જૂન સુધી સ્કૂલો બંધ 1 - image


Image Source: Twittter

Heatwave: દેશભરમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ યથાવત છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ રેકોર્ડ થઈ રહ્યું છે. દિલ્હીમાં 50 ડિગ્રીની નજીક (49.9 ડિગ્રી) પહોંચેલા મહત્તમ તાપમાને છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની લપેટમાં છે. અનેક રાજ્યોની સ્કૂલોમાં ગરમીની રજા છે પરંતુ બિહારમાં હજુ પણ સ્કૂલો ચાલું છે. આજે બિહારના બેગૂસરાય અને શેખપુરામાં 50 વિદ્યાર્થિનીઓ બેહોશ થઈને ક્લાસરૂમમાં ઢળી પડી હતી. આ કારણસર રાજ્ય સરકારે આઠમી જૂન સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો છે. 

ગરમીના કારણે શેખપુરાની સ્કૂલમાં 24 વિદ્યાર્થિની બેહોશ

શેખપુરાની એક સ્કૂલમાં પ્રચંડ ગરમીના કારણે વિદ્યાર્થિનીઓની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી. આકરી ગરમીના કારણે શેખપુરા જિલ્લાના અરિયરી બ્લોક હેઠળ મનકૌલ અપગ્રેડેડ મિડલ સ્કૂલ સહિત ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ ગઈ હતી. પ્રચંડ ગરમીના કારણે કેટલીક વિદ્યાર્થિનીઓ પ્રાર્થના દરમિયાન અને કેટલીક વિદ્યાર્થિનીઓ ક્લાસરૂમમાં બેહોશ થઈ હતી. 

વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ જવાથી શિક્ષકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓના પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓ પણ સ્કૂલમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 

બેગૂસરાયની સ્કૂલમાં 18 વિદ્યાર્થિનીની તબિયત લથડી

મટિહાની બ્લોકની મટિહાની મિડલ સ્કૂલમાં આકરી ગરમીના કારણે 18 વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ હતી. આ વિદ્યાર્થિનીઓને સારવાર માટે મટિહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં તમામ વિદ્યાર્થિનીઓની સારવાર કરવામાં આવી રહી છે. બેગૂસરાયમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે. પ્રચંડ ગરમી હોવા છતાં તમામ સ્કૂલો ચાલુ છે.

વિદ્યાર્થિનીઓ બેહોશ થઈને ઢળી પડી

મિડલ સ્કૂલ મટિહાનીમાં અચાનક 10:00 વાગ્યાની આસપાસ સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેહોશ થઈને ઢળી પડવા લાગી.ત્યારબાદ શાળામાં જ પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહ દ્વારા પ્રથમ ORSનું સોલ્યુશન આપવામાં આવ્યું  પરંતુ તેમ છતાં બેહોશ થવાનો સિલસિલો ચાલું રહ્યો. ત્યારબાદ તમામ વિદ્યાર્થીનીઓને સારવાર માટે મટિહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

હાલમાં 14 વિદ્યાર્થીનીઓની મટિહાની રેફરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શાળાના પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહે જણાવ્યું કે, ભીષણ ગરમી છે. સ્કૂલમાં પંખા પણ છે અને વીજળીની સાથે-સાથે જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ બેહોશ થવા લાગી છે. સ્કૂલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમની તબિયત વધુ લથડતા તમામ છોકરીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.


Google NewsGoogle News