દેશમાં સ્તન કેન્સર પીડિત મહિલા કેટલા વર્ષ જીવે છે? જાણો નિષ્ણાતોનો અહેવાલ
મેડિકલ જર્નલ અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા સ્તન કેન્સર અંગે રિપોર્ટ બહાર પડાયો
સ્તન કેન્સર થયા બાદ 5 વર્ષ સુધી જીવિત રહેવાનો દર અમદાવાદ સહિત 4 શહેરોમાં સૌથી ઓછો
સ્તન કેન્સરનું નિદાન થયા બાદ દસમાંથી છ મહિલાઓ માત્ર પાંચ વર્ષ જ જીવે છે. જોકે સમગ્ર દેશમાં આવી સ્થિતિ નથી. દરેક રાજ્યમાં કેન્સર પીડિત મહિલાઓની જીવતા રહેવાની સરેરાશ ઊંમર અલગ અલગ છે, જેને લઇને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. વર્ષ 2012થી લઈને 2015 વચ્ચે નોંધાયેલા દર્દી પર જુન 2021 સુધી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં માહિતી મળી હતી કે, દેશમાં સ્તન કેન્સરની બીમારીની જાણ થયાના પાંચ વર્ષની અંદર મહિલાઓનો જીવતા રહેવાનો સરેરાશ દર 66.40 ટકા છે, જે અલગ અલગ રાજ્યોમાં એકબીજાથી અલગ અલગ છે.
કેન્સર બાદ 5 વર્ષ જીવિત રહેવાનો દર સૌથી ઓછો દેશના 4 શહેરોમાં
મેડિકલ જર્નલ અમેરિકન કેન્સર સોસાયટીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ સ્તન કેન્સર થયા બાદ 5 વર્ષ સુધી જીવિત રહેવાનો દર મણિપુરમાં 74.9%, અમદાવાદમાં 72.7%, કોલ્લમમાં 71.5% અને તિરુવનંતપુરમમાં 69.1% છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. અરુણાચલ પ્રદેશના પાસીઘાટમાં માત્ર 41.9% મહિલાઓ જ પાંચ વર્ષ સુધી જીવિત રહી શકે છે જે સમગ્ર દેશમાં સૌથી નીચો દર છે.
સ્તન કેન્સરના તબક્કા
સ્તન કેન્સરની સારવાર સરળ છે. જોકે વહેલી સારવાર કરવામાં આવે તો તે સફળ નીવડી શકે છે. સ્ટેજ એકમાં સ્તન કેન્સરમાં ગાંઠ 2 સેમીથી ઓછી હોય છે. તેની જાણકારી મેમોગ્રાફી અથવા સોનોગ્રાફીથી મળે છે. તેની સારવાર માટે સર્જરી, કીમોથેરેપી, રેડિયેશન અને હાર્મોનલ થેરેપી આપવામાં આવે છે. પ્રથમ સતેજમાં સર્જરી અને કીમોથેરેપી 95 ટકા મહિલાઓને સ્તન કેન્સરને ફરી થતા રોકવામાં મદદ કરે છે. બીજા સ્ટેજમાં ગાંઠ 2 સેમીથી મોટી હોય છે અને તે બગલ સુધી જાય છે. એંશી ટકા દર્દીઓમાં તેની સારવાર કરી શકાય છે. તેમાં દવા અથવા કીમો દ્વારા ગાંઠને નાની કરી રેડિયેશન અપાય છે.ત્રીજા સ્ટેજમાં પાંચ સેમી કરતા મોટી ગાંઠ હોય છે. 60 ટકા દર્દીઓની સારવાર કરી શકાય છે. તેમાં પણ સર્જરી, કીમો, રેડીએશન,હાર્મોનલ થેરેપી અને ટાર્ગેટેડ થેરેપીથી સારવાર કરી શકાય છે.
સ્તન કેન્સર અંગે ભારતના નિષ્ણાતોનો મત
એઈમ્સના વરિષ્ઠ ડો. નીરજા ભાટલાએ કહ્યું કે કેટલીકવાર દર્દીને કેન્સરનું નિદાન ખૂબ મોડું થાય છે અથવા નિદાન પછી સારવારમાં વિલંબ થવો તે એક ગંભીર સમસ્યા છે. NCDIR દિલ્હીના ડાયરેક્ટર ડૉ. પ્રશાંત માથુરે કહ્યું હતું કે સ્તન કેન્સરથી બચવા માટે, કેન્સરને નિયંત્રિત કરવા માટે ઘણી નીતિઓ પર કામ કરવું જરૂરી છે. આ સાથે સમયસર તપાસ અને સારવારને પ્રાથમિકતા આપવી જોઈએ.