બેફામ ટિકિટ વેચાણ, રેલવેની અચાનક જાહેરાત... નાસભાગ અંગેની તપાસમાં 5 કારણ સામે આવ્યાં
New Delhi Stampede | શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 9 મહિલાઓ, 4 પુરુષો અને 5 બાળકોનો સમાવેશ થાય છે. આમાંથી, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના અને એક હરિયાણાના છે.
તપાસ અહેવાલમાં નાસભાગ થવાનું કારણ શું?
આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે પ્લેટફોર્મ 13 અને 14 પર બની હતી. ઘટના સમયે, પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે હજારો શ્રદ્ધાળુઓ સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તપાસ અહેવાલ અને કેસ સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર, રેલવેએ કુંભ માટે એક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે રેલવેએ ટિકિટ વેચાણમાં ભારે ધસારો જોયો તો એક વિશેષ ટ્રેન દોડાવવાનો અચાનક નિર્ણય કરી લીધો, પરંતુ ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી.
અચાનક પ્લેટફોર્મ ચેન્જની જાહેરાત કરી અને...
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ જતી ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 પર આવવાની હતી. આ સમયે, ત્યાં પહેલેથી જ મોટી ભીડ હાજર હતી અને અન્ય મુસાફરો પણ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન, રેલ્વેએ અચાનક પ્લેટફોર્મ નંબર 16 પરથી એક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી દીધી. જે મુસાફરો પહેલાથી જ પ્લેટફોર્મ 14 પર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ હવે પ્લેટફોર્મ 16 તરફ પણ દોડવા લાગ્યા, જેના કારણે અંધાધૂંધી સર્જાઈ. ભીડ બેકાબૂ થઈ ગઈ, અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. જેના લીધે નાસભાગ થઇ.
નાસભાગના 5 કારણ...
તપાસ રિપોર્ટ અનુસાર રેલવે સુરક્ષા દળના જવાનોની તહેનાતીમાં કોઈ સંતુલન દેખાયું નહોતું જેના કારણે ભીડને કાબૂમાં લેવી મુશ્કેલ બની ગયું હતું અને સ્થિતિ બેકાબૂ થઇ ગઇ. તપાસ રિપોર્ટમાં નાસભાગના 5 કારણ સામે આવ્યા છે જે નીચે મુજબ છે...
1. શનિવારે સાંજે અચાનક ભીડ વધી, ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું
2. બેફામ ટિકિટોનું વેચાણ, કલાકમાં 1500 ટિકિટો વેચી કાઢી
3. આરપીએફના જવાનોની તહેનાતીમાં ગરબડ
4. અચાનક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી દીધી
5. પછી પ્લેટફોર્મ બદલી નાખતાં અફરાતફરી સર્જાઈ