5 વ્યાજબી કારણો જ્યારે તમે PF ઉપાડી શકશો, અરજી કરતાં પહેલાં જાણી લો
EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આ રકમ કર્મચારીઓને નાણાકીય મુશ્કેલીઓ અને કટોકટીમાં મદદરૂપ સાબિત થાય છે. આજે અહીં આપણે પીએફ ઉપાડવા માટેની મુખ્ય જોગવાઈઓ અને પરિસ્થિતિઓ વિશે ચર્ચા કરીશું.
નોકરીથી દૂર હોવ ત્યારે
જો કોઈ કર્મચારી એક મહિનાથી વધુ સમય માટે નોકરી નથી કરી રહ્યા તો, તે તેના પીએફ ખાતામાં જમા રકમના 75% ઉપાડી શકે છે. આ જોગવાઈ કર્મચારીને નવી નોકરી મળે ત્યાં સુધી નાણાકીય સહાય પૂરી પાડવા માટે છે.
જ્યારે કંપની બંધ થઈ ગઈ હોય
જો કોઈ કંપની કે ફેક્ટરીનું કામકાજ છ મહિના કે તેથી વધુ સમય માટે બંધ રહે છે, તો કર્મચારી તેની સંપૂર્ણ પીએફ રકમ ઉપાડી શકે છે. જોકે, જ્યારે કંપની ફરી શરૂ થાય છે, ત્યારે ઉપાડેલી રકમ 36 હપ્તામાં પરત કરવાની હોય છે.
છટણીના કિસ્સામાં
જો કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, તો તે તેના પીએફ ખાતામાંથી 50% રકમ ઉપાડી શકે છે. અરજી કરતી વખતે બેરોજગારીનો પુરાવો આપવો ફરજિયાત છે.
કટોકટીની સ્થિતિમાં
જ્યારે કોઈ કટોકટીની સ્થિતિ સર્જાય. જેમ કે જો કંપનીનું કામકાજ 15 દિવસથી વધુ સમય માટે બંધ રહે, તો કર્મચારી તેના પીએફ ખાતામાંથી સંપૂર્ણ રકમના 100% સુધી ઉપાડી શકે છે. આ જોગવાઈ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે છે, જેમની આજીવિકા કંપનીના કામકાજ પર નિર્ભર છે.
રિટાયરમેન્ટ પછી
નિવૃત્તિ પછી પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં તમે નિવૃત્ત કર્મચારી તમારા પીએફની સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડી શકો છો. આ સાથે 75 ટકા રકમ એકસાથે ઉપાડી શકે છે અને 25 ટકા માસિક પેન્શન તરીકે લઈ શકે છે.
પીએફ ઉપાડની પ્રક્રિયા હવે ડિજિટલ માધ્યમથી પણ પૂર્ણ કરી શકાય છે. જેમાં UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) અને બેંક ખાતાની વિગતો અપડેટ કરવી જરૂર છે. પીએફ ખાતામાંથી ઉપાડ માટેની જોગવાઈઓ કર્મચારીઓની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવાથી મુશ્કેલ પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ મળે છે.