સ્ટંટ કરતાં યુવકને બચાવવાના ચક્કરમાં SUVનો અકસ્માત: મહાકુંભથી પરત આવતા 5 નેપાળીઓના મોત
Bihar Accident Five Nepali Died On The Spot: પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા નેપાળના પાંચ લોકોને કાર અકસ્માત નડતાં મોત નીપજ્યા હતા. બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મધુબની ફોર-લેન બાયપાસ પર આ ઘટના બની હતી. જેમાં સ્ટંડ કરી રહેલા બાઈક સવારને બચાવવા જતાં એસયુવી ડિવાઈડર સાથે અથડાઈ હતી.
આ પણ વાંચો: મહાકુંભમાં સાધુ અને પોલીસ વચ્ચે ચકમક, 4 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં વાહનો એન્ટ્રી બંધ
કારમાં સવાર પાંચ જણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા
આ અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારમાં સવાર પાંચ જણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. એસયુવી પણ સ્પીડમાં હોવાથી તે ડિવાઈડર સાથે ભટકાયા બાદ હવામાં પાંચ વખત ફંગોળાઈ હતી. હવામાં ફંગોળાતી વખતે કારનું એક ટાયર ફાટ્યું હતું અને તે છૂટ્ટુ પડી કારની અંદર જતુ રહ્યું હતું. એસયુવીનો કચ્ચરઘાણ થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કારમાં કુલ નવ જણ હતાં. જેમાં પાંચના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અન્ય ચારને ગંભીર ઈજા થઈ હતી. મૃતકમાં અર્ચના ઠાકુર, ઈન્દુ દેવી, મંતરાની દેવી, બાલ ક્રિષ્ના જ્હાં અને ડ્રાઈવર હતાં.જ્યારે મનોહર ઠાકુર, સૃષ્ટી ઠાકુર, કામિની જ્હાં, અને દેવતરણ દેવીને ગંભીર ઈજાઓ થઈ હતી. તમામ શ્રદ્ધાળુઓ નેપાળના હતાં.
ઘટનાસ્થળે ચીસાચીસ થઈ
પ્રત્યક્ષદર્શીઓએ આ અકસ્માત વિશે જણાવ્યું કે, અકસ્માત સ્થળ પર ભયાનક ચીસાચીસ થઈ હતી. કેટલાક યુવકો ચાર રસ્તા પર બાઈક પર સ્ટંટ કરી રહ્યા હતા. તે સમયે સ્પીડમાં આવતી કારે બાઈક સવારને બચાવવા જતાં ઓવરટર્ન લીધો હતો. જેથી કાર ડિવાઈડર સાથે અથડાઈ ગુલાંટી મારી હતી. બાઈક સવારો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતાં.
પોલીસે જણાવ્યું હતું કે વાહનના એરબેગ ખુલ્યા ન હતા, જેના કારણે પીડિતો અને કારને વધુ નુકસાન થયું હતું. પાંચ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા જ્યારે અમે ચાર અન્ય લોકોને ગંભીર ઈજા થઈ હતી. સ્થાનિક લોકોએ ઘાયલોને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. તેમને સારવાર માટે શ્રી કૃષ્ણ મેમોરિયલ મેડિકલ કોલેજ (SKMCH) લઈ જવામાં આવ્યા હતા. નેપાળી સત્તાવાળાઓને અકસ્માત વિશે જાણ કરી છે. અમે પીડિતોના પરિવારના સભ્યોનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.