નવું વર્ષ પેન્શનર્સથી લઈને ખેડૂતોને કરશે ખુશખુશાલ, LPG ભાવમાં પણ થશે ફેરફાર, બદલાશે આ 5 નિયમ
Rule Change on New Year : વર્ષ 2024 સમાપ્ત થવામાં માત્ર થોડાક જ દિવસ બાકી છે અને નવા વર્ષ 2025ના આગમનને લઇને સમગ્ર દેશમાં ઉત્સાહ વ્યાપેલો છે. આ દરમિયાન નવા વર્ષની શરૂઆતથી એટલે કે પહેલી જાન્યુઆરી 2025થી દેશમાં કેટલાક મોટા ફેરફાર થવા જઇ રહ્યા છે. આ ફેરફારોમાં LPG સિલિન્ડરની કિંમતથી લઇને UPI પેમેન્ટ સુધીના નિયમ સામેલ છે.
નવા વર્ષમાં થશે પાંચ મોટા ફેરફાર
ભારતમાં દર મહિનાની શરૂઆતમાં કેટલાક નાણાકીય ફેરફાર જોવા મળે છે. આ દરમિયાન નવા વર્ષના પહેલા દિવસથી જ દેશમાં પાંચ મોટા ફેરફાર થવાના છે. જેમાં સૌપ્રથમ ફેરફાર LPG સિલિન્ડરથી લઇને ATFની કિંમતમાં ફેરફાર છે. કારણ કે દર મહિનાની પહેલી તારીકે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ કિંમતોમાં ફેરફાર કરતી હોય છે. આ સાથે જ પહેલી જાન્યુઆરીથી UPI 123Pay પેમેન્ટના નિયમ પણ લાગુ થવાના છે. તો EPFO ના પેન્શનર્સ માટે પણ નવો નિયમ લાગુ થવાનો છે. આ ઉપરાંત ખેડૂતો માટે વગર ગેરંટીએ લોનની સુવિધા પણ આ યાદીમાં સામેલ છે.
પ્રથમ ફેરફાર- LPGની કિંમત
દર મહિનાની પહેલી તારીખની જેમ જ પહેલી જાન્યુઆરી 2025 એ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી ગેસની કિંમતોમાં ફેરફાર કરશે અને નવા રેટ જાહેર કરશે. જોકે, પાછલા કેટલાક સમયથી કંપનીઓ માત્ર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં જ ફેરફાર કરી રહી છે અને ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર રાખી છે. આવી સ્થિતિમાં આ વખતે લોકોને ઘરેલુ ગેસની કિંમતમાં પણ ઘટાડો થવાની આશા છે. આ ઉપરાંત એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કિંમતમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.
બીજો ફેરફાર- EPFOનો નવો નિયમ
નવા વર્ષના પહેલા દિવસથી કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન (EPFO) દ્વારા પેન્શનર્સ માટે નવો નિયમ લાગુ કરવામાં આવશે. જે તેમના માટે એક મોટી ભેટ છે. ઇપીએફઓના નવા નિયમ મુજબ પેન્શનર્સ તેમની પેન્શનની રકમ દેશના કોઇ પણ બેન્કમાંથી નીકાળી શકશે અને આ માટે તેમને કોઇ પણ પ્રકારના વેરિફિકેશનની જરૂર પણ પડશે નહીં.
ત્રીજો ફેરફાર- UPI નો નિયમ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ફોનથી સરળ ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવા માટે UPI 123Pay ની શરૂઆત કરી હતી. હવે પહેલી જાન્યુઆરીથી આની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનું નિર્ણય લેવામાં આવ્યું છે. જે પછી યુઝર્સ યુપીઆઇ 123પે દ્વારા 10,000 રૂપિયા સુધીનો ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. પહેલા આ લિમિટ માત્ર પાંચ હજાર રૂપિયા સુધી જ હતી.
ચોથો ફેરફાર- શેર માર્કેટ સાથે જોડાયેલો નિયમ
સેન્સેક્સ, સેન્સેક્સ-50 અને બેન્કેક્સની મન્થલી એક્સપાયરીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ દર અઠવાડિયે શુક્રવારે નહીં, પરંતુ મંગળવારે થશે. તેમજ ત્રિમાસિક અને છમાસિક કોનટ્રાક્ટ્સની એક્સપાયરી છેલ્લા મંગળવારે થશે. બીજી બાજુ NSE ઇન્ડેક્સે NIFTY 50 મંથલી કોન્ટ્રાક્સ માટે ગુરુવારનો દિવસ નક્કી કર્યો છે.
આ પણ વાંચોઃ દેશમાં નાણાકીય બજારોમાં મહિલા રોકાણકારોની ભાગીદારીમાં વધારો
પાંચમો ફેરફાર- ખેડૂતોને લોન
પહેલી જાન્યુઆરી 2025થી ખેડૂતો સાથે જોડાયેલો એક મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. વર્ષના પહેલા દિવસથી RBI દ્વારા ખેડૂતોને વગર ગેરંટીએ રૂપિયા 2 લાખ સુધીની લોન આપવામાં આવશે. પાછલા દિવસોમાં આરબીઆઇએ ખેડૂતો માટે વગર ગેરંટીએ લોનની લિમિટમાં વધારો કરવાનો એલાન કર્યો હતો. જે અંતર્ગત હવે ખેડૂતોને 1.6 લાખ રૂપિયા નહીં, પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે.