ભાજપનું સોશિયલ એન્જિનિયરિંગ ફેલ, મોદી પર વધુ પડતી નિર્ભરતા, આ છે ભાજપ માટે પાંચ બોધપાઠ
Lok Sabha Elections Results 2024 : ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવી શકી નથી, પરંતુ તે 240 બેઠકો જીતી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપે પોતાના સહયોગી પક્ષો સાથે મળીને ફરી સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા તરફ આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ચૂંટણી પ્રચાર દરમિયાન ‘અબકી બાર 400 પાર’નું સુત્ર આપ્યું હતું, જોકે તેઓ સફળ થયા નથી. તેથી ભાજપ માટે આ ચૂંટણી બોધપાઠ સમાન છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે, ‘1984 બાદ ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે, જે ત્રીજી ટર્મમાં સરકાર બનાવી રહી છે.’ બીજીતરફ વિપક્ષે પણ દમદાર પ્રદર્શન કર્યું છે અને તેઓ મોદી સરકારને સંપૂર્ણ બહુમતી મેળવવાથી અટકાવવામાં સફળ થયા બાદ ઉજવણી કરી રહ્યા છે.
1... ચૂંટણી પ્રચારમાં પ્રજાના ‘મુદ્દાઓ’ ભુલાયા
ભાજપે વર્ષ 2019ની ચૂંટણીમાં 303, જ્યારે આ વખતે તેને 240 બેઠક જીતી છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે, ભાજપની તાકાતમાં ઘટાડો થયો છે. લોકસભા ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે, ભાજપને અન્ય પછાત વર્ગ તરફથી આંશિક સમર્થન મળ્યું છે. આ ઉપરાંત પાર્ટીએ જાતિ આધારિત ક્વોટાને સમાપ્ત કરવાના તેના ઇરાદા વિશે વિપક્ષના નિવેદનોને નિયંત્રિત કરવામાં અસમર્થ રહી હોય તેવું લાગે છે. બીજી તરફ ચૂંટણી પ્રચાર વખતે આક્ષેપ-પ્રતિઆક્ષેપના નિવેદનો જોવા મળ્યા, પરતું મોંઘવારી, બેરોજગારી, વિકાસ સહિતના મુદ્દાઓની ક્યાં ચર્ચા ન થઈ, તેથી ભાજપને આ કારણો પણ નડ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. તેથી ભાજપે પ્રજાના મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. મોદી પર પાર્ટીની વધુ પડતી નિર્ભરતા અને સોશિયલ એન્જિનિયરિંગ પર ભાજપની ઢીલી પકડ પણ પરિણામોમાં દેખાઈ રહી છે.
2... ભાજપે કેટલાક રાજ્યોમાં ‘જાતિગત ગઠબંધન’ના આભાવ પર ધ્યાન આપવું પડશે
ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓબીસીએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. વર્ષ 2014 અને 2019માં ભાજપની જીતમાં સૌથી મોટું યોગદાન ઓબીસી વર્ગનું હતું. જોકે આ વખતે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં કેટલાક મુદ્દાઓને લઈ ઓબીસીનો વિરોધ જોવા મળ્યો. જ્યારે હરિયાણામાં જાટ જ્ઞાતિને શાંત કરી શકી નથી. આ ત્રણેય રાજ્યોમાં જાતિગત ગઠબંધનનો અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ વારંવાર એવું કહેતી હતી કે, ભાજપ બંધારણમાં ફેરફાર કરશે અને જાતિ-આધારિત ક્વોટાને ખતમ કરી નાખશે. વિપક્ષના આ મુદ્દાને કારણે પણ ભાજપને નુકસાન ભોગવવું પડ્યું છે. ભાજપે સામાજિક કલ્યાણ યોજનાઓથી દલિતોને લલચાવવાનો પ્રયાસ કર્યો અને તેમાં પણ તે નિષ્ફળ ગઈ છે. આ તમામ પરિબળોને જોઈ એવું લાગી રહ્યું છે કે, હવે ભાજપે આગામી સમયમાં એસસી અને ઓબીસી સમાજના લોકોને પોતાના તરફ ખેંચવા માટે નવા પ્રયાસો શરૂ કરવા પડશે અને જ્ઞાતિઓના ગઠબંધનને એક સાથે લાવી પોતાનું ‘સામાજિક એન્જિનિયરિંગ મૉડલ’ જાળવી રાખવું પડશે.
3... ઘણા રાજ્યોમાં ભાજપના ‘નેતૃત્વ’ની ખામીઓ દુર કરવી પડશે
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવ્યા બાદ ભાજપ કેન્દ્રીય સંગઠનમાં મોટા ફેરફાર કરી શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો આ મહિને કાર્યકાળ સમાપ્ત થયા બાદ પાર્ટી નવા અધ્યક્ષની જાહેરાત કરશે. ચૂંટણીમાં મોટી લપડાક મળ્યા બાદ ભાજપ દરેક રાજ્યમાં પાર્ટીના નેતૃત્વની સમીક્ષા કરશે. ભાજપ જે રાજ્યોમાં કેડર અને નેતૃત્વ વચ્ચેના સંબંધોમાં ખટરાગ છે, તેવા રાજ્યોમાં નવા ચહેરાઓનું નિમણૂક કરે તેવી આશા છે. આરએસએસના એક પદાધિકારીનું કહેવું છે કે, પાર્ટી પાસે કલ્યાણકારી યોજનાઓનું એક મજબૂત મૉડલ છે તેમજ યોજનાઓ લાગુ કરવાનો અને તે યોજનાઓને લાભાર્થી પહોંચાડવાનો સારો રેકોર્ડ ધરાવે છે. જોકે આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે, તેમાં કામ કરનારાઓમાં એકથી વધુ લોકોની જરૂર છે. વડાપ્રધાનની પ્રતિબદ્ધતા અને લોકપ્રિયતા નબળા ઉમેદવારોને ચૂંટણી જીતાડી દેશે અથવા તે ઉમેદવારો વિરુદ્ધની સત્તા વિરોધી લહેરને માત આપી શકશે, તેવી આશા ન રાખી શકાય.
4... ભાજપે ‘સહયોગી’ પાર્ટીઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવો પડશે
ચૂંટણી પરિણામો બાદ નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (NDA)ની બે સહયોગી પાર્ટીઓ એક એન.ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશન પાર્ટી (TDP) અને બીજી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની જનતા દળ યુનાઈટેડ (JDU)ની ભૂમિકા વધી ગઈ છે. તેથી ભાજપે સહયોગી પાર્ટીઓ પ્રત્યેના પોતાના દ્રષ્ટિકોણને બદલવો પડશે. સરકારમાં સહયોગીઓની ભાગીદારી વધારવી પડશે. કાયદાઓ બનાવતાપહેલા તેમના વિચારો પર પણ વિચાર કરવો પડશે. છેલ્લાં પાંચ વર્ષોમાં ભાજપે તેના સૌથી જૂના સાથી, શિરોમણી અકાલી દળ (Shiromani Akali Dal) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (હાલ Shiv Sena UBT) સાથે સંબંધો તોડી નાખ્યા છે. બંને પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સાથી પક્ષો પર દબાણ કરે છે. આ ઉપરાંત ભાજપ એવા આક્ષેપો પણ થતા રહ્યા છે કે, તેણે મહારાષ્ટ્રમાં શિવસેના અને NCP વચ્ચે ભાગલા પડાવ્યા છે. ભાજપને 2019 માં સરકાર બનાવવા માટે સાથીઓની જરૂર નહોતી, પરંતુ મોદી સરકારે તમામ સાથી પક્ષો જેડીયુ, RPI(A), LJP, SAD અને શિવસેનાને મોદી કેબિનેટનો ભાગ બનવા આમંત્રણ આપ્યું હતું. જોકે ભાજપે સાથી પક્ષોની ચિંતાઓ પર ધ્યાન ન આપવાના આરોપોને પણ નકારી કાઢ્યા.
5... ભાજપે પ્રજા સંબંધિત ‘એજન્ડા’ પર વધુ ધ્યાન આપવું પડશે
આ પહેલાની બે લોકસભા ચૂંટણીઓમાં ભાજપને વિકાસના એજન્ડા અને રાષ્ટ્રવાદી માહોલ ઉભો કરવાના કારણે સારા પરિણામ મળ્યા હતા. જોકે આ વખતે આવા કોઈપણ મુદ્દા જોવા મળ્યા નથી અને તેની અસર પણ પરિણામો પર થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. પરિણામો પર રાજકારણના એક વર્ગમાં એવી પણ ચર્ચાઓ છે કે, જો આ વખતે વિકાસના એજન્ડા જેવા મુદ્દાઓ પર ટકી રહ્યા હોત, તો વધુ સુરક્ષિત માહોલ ઉભો થાત. નામ ન જણાવાની શરતે પાર્ટીના એક નેતાએ કહ્યું કે, ‘ધ્યાન રાશન અને શાસન પર રાખવું જોઈતું હતું.’ સેનામાં નવી ભરતીની નીતિ, ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી અને વિવાદાસ્પદ નિવેદન કરનારા નેતાઓ વિરુદ્ધ લોકોના મનમાં ગુસ્સાની ભાવનાને સમજવામાં પણ ભાજપ નિષ્ફળ ગઈ છે. 17મી લોકસબા ચૂંટણીમાં અયોધ્યાનું પ્રતિનિધિત્વ કરનારા લલ્લૂ સિંહ અને રાજસ્થાનના નાગૌરીના ઉમેદવાર જ્યોતિ મિર્ધા સહિત ઘણા સાંસદો બંધારણમાં ફેરફાર કરવાની જરૂર હોવાની વાતો કરતા હતા, તો હવે આ બંને નેતાઓએ હાર જોવાની નોબત આવી છે.