બેરોજગારી ઘટયાના દાવા પોકળ, ઉત્તરપ્રદેશના 60 હજાર કોન્સ્ટેબલ માટે 48 લાખ લોકોએ અરજી કરી

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
બેરોજગારી ઘટયાના દાવા પોકળ, ઉત્તરપ્રદેશના 60 હજાર કોન્સ્ટેબલ માટે 48 લાખ લોકોએ અરજી કરી 1 - image


- એક પદ સામે 80 ઉમેદવારો, સંખ્યા પાંચ વર્ષમાં બમણી

- વિવિધ કેન્દ્રીય વિભાગોમાં 17 હજાર ખાલી પદો માટે 36.73 લાખ લોકોએ અરજી કરી, સાત વર્ષમાં સૌથી વધુ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલના ૬૦,૨૪૪ પદો પર ભરતી માટે પરીક્ષા યોજવામાં આવી રહી છે, જે માટે અધધધ ૪૮.૨ લાખ લોકોએ અરજી કરી છે. એટલે કે એક કોન્સ્ટેબલના પદની સામે ૮૦ ઉમેદવારો મેદાનમાં છે. આ પહેલા જાન્યુઆરી ૨૦૧૯માં જ્યારે કોન્સ્ટેબલની ભરતી થઇ હતી ત્યારે ૪૯,૫૬૮ પદો પર ૧૯.૩૮ લાખ ઉમેદવાર હતા, એટલે કે એક પદની સામે ૩૯ લોકોએ અરજી કરી હતી.

એક તરફ યોગી સરકાર દાવા કરી રહી છે કે ઉત્તર પ્રદેશમાં બેરોજગારી દર દેશની સરખામણીએ ઓછો છે જ્યારે બીજી તરફ માત્ર ૬૦ હજાર પદો માટે ૪૮ લાખ લોકોએ અરજી કરી છે જે આ દાવાની પોલ ખોલી રહી છે. 

પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ)ની તાજેતરની રિપોર્ટ અનુસાર દેશભરમાં બેરોજગારી દર ૩.૨ ટકા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આ ટકાવારી ૨.૪ ટકા હોવાનો દાવો કરાયો છે.

૨૦૧૯માં યોગી સરકારે ૬૯ હજાર શિક્ષકોની ભરતી બહાર પાડી હતી જેમાં ટેટ પાસ ૪.૧૦ લાખે અરજી કરી હતી, ૨૦૧૮માં ગ્રામ વિકાસ અધિકારી માટે ૧૯૧૮ પદો પર ભરતી માટે ૧૪ લાખે અરજી કરી હતી. 

 બીજી તરફ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો વિભાગ અને ઓફિસો માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ૧૭ હજાર પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં ૩૬ લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી છે. જે છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ માનવામાં આવે છે. આ પદોમાં અસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, આઇટી ઇન્સ્પેક્ટર, એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, ઓડિટર, સબ ઇન્સ્પેક્ટર સીબીઆઇ, જુનિયર અકાઉંટન્ટ વગેરેનો સમાવેશ થાય છે. ગત વર્ષની સરખામણીએ આ પદો માટે અરજી કરનારાની સંખ્યામાં ૧૨ લાખનો વધારો થયો છે. 

મીઠા અને ખાંડમાં માઇક્રો પ્લાસ્ટિક : એનજીટીની સંબધિત ઓથોરિટીઓને નોટીસ

નવી દિલ્હી : દેશમાં વેચવામાં આવતા તમામ બ્રાન્ડના મીઠા અને ખાંડમાં માઇક્રો પ્લાસ્ટિક હોવાના અહેવાલના સંદર્ભમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર), ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) અને અન્યને નોટીસ જારી કરી છે. ઉલ્લેખનીય છે કે થોડાક જ દિવસ પહેલા મીડિયામાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં વેચાતા તમામ પ્રકારના મીઠા(નમક) અને ખાંડમા ફાઇબર, છરા, ફિલ્મ અને ફ્રેગમેન્ટના સુક્ષ્મ કણો હાજર હોય છે. આ માઇક્રો પ્લાસ્ટિકના સુક્ષ્મ કણોનું કદ ૦.૧ મિમી થી ૦૫ મિમીની વચ્ચે હોય છે. સૌથી વધારે માઇક્રોપ્લાસ્ટિક આયોડાઇઝ મીઠામાંથી મળી આવ્યું હતું. આ પ્રકારના મીઠામાં વિવિધ રંગનું પાતળું ફાઇબર અને ફિલ્મના સુક્ષ્મ કણો મળી આવ્યા હતાં.


Google NewsGoogle News