Get The App

ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલન બાદ 47 શ્રમિકોને બચાવાયા, 8ની શોધખોળ હજુ યથાવત્

Updated: Mar 1st, 2025


Google NewsGoogle News
ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલન બાદ 47 શ્રમિકોને બચાવાયા, 8ની શોધખોળ હજુ યથાવત્ 1 - image


Image Source: Twitter

Chamoli Avalanche: ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં સતત હિમવર્ષાને કારણે કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમવર્ષાને કારણે ઘણા રૂટ બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર અનેક કિલોમીટર સુધી બરફ ફેલાયેલો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે પણ ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ ત્યારબાદ 3 અને 4 માર્ચે પણ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. ગઈકાલે ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના કારણે 55 શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી 47 શ્રમિકોને બચાવાયા છે. બીજી તરફ આજે ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે અને બીજા 8 શ્રમિકોની શોધખોળ ચાલુ છે. 

હિમસ્ખલનનું ઍલર્ટ

શનિવારે દહેરાદૂન, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌડી, ચમોલી, પિથોરાગઢ, બાગેશ્વર, અલમોડા, નૈનિતાલ અને ચંપાવતમાં વરસાદની શક્યતા છે. 2500 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા સ્થળોએ હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ શકે છે. હિમસ્ખલન અંગે પણ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગ્લેશિયર તૂટવાને કારણે ભારે હિમસ્ખલન

ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ અને બાગેશ્વરમાં હિમસ્ખલન અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આમાં ચમોલી જિલ્લો સૌથી વધુ જોખમમાં છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે ઉત્તરાખંડના માણામાં ગ્લેશિયર તૂટવાને કારણે ભારે હિમસ્ખલન થયું હતું. જેના કારણે BRO કેમ્પને નુકસાન થયું છે.

એવી માહિતી મળી હતી કે, અહીં લગભગ 55 શ્રમિકો હાજર હતા. હિમસ્ખલનને કારણે ઘણા માર્ગો બંધ થઈ ગયા છે. ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે. સરહદી જિલ્લામાં વરસાદ અને હિમવર્ષાને કારણે, ગંગોત્રી હાઇવે પર ગંગાણીથી આગળનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ગંગાણી અને ગંગોત્રી વચ્ચેના હાઇવે પર ડબરાણી ખાતે હિમસ્ખલન થયું છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતાં બરફ નીચે દટાયેલા 32ને બચાવાયા, 25 લાપતા

ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરુ

હાલમાં ચમોલીમાં હવામાન સાફ થઈ ગયું છે. વરસાદ અને હિમવર્ષા બંધ છે. સવારે ફરી રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. બદ્રીનાથ ધામ ખાતે હાજર સેના અને ITBP ગુમ થયેલા શ્રમિકોને શોધી રહ્યા છે. અથાક પ્રયાસો બાદ ભારતીય સેનાએ વધુ 14 શ્રમિકોને બચાવ્યા છે. માણા હિમસ્ખલન સ્થળ પરથી એક શ્રમિક ગંભીર હાલતમાં મળી આવ્યો છે.

47 શ્રમિકોને બચાવાયા

બચાવવામાં આવેલા શ્રમિકોને તબીબી સહાય અને વધુ સારવાર માટે માણા આર્મી કેમ્પમાં લાવવામાં આવ્યા છે. હાલમાં બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. હેલિકોપ્ટર સેવા પણ શરુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બરફ નીચે દટાયેલા 47 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ 8 લોકોની શોધખોળ ચાલુ છે. 

સીએમ ધામીએ આપ્યો નિર્દેશ

બીજી તરફ સીએમ ધામીએ માણા નજીક હિમસ્ખલનમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે કરવામાં આવી રહેલી રાહત અને બચાવ કામગીરી વિશે ફોન પર વિગતવાર માહિતી લીધી છે. ગઈકાલે ખસેડવામાં આવેલા ગંભીર રીતે ઘાયલ કામદારોને ઉચ્ચ કેન્દ્રોમાં એરલિફ્ટ કરવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે.



સીએમ ધામી ઘટનાસ્થળ પર પહોંચ્યા

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હવાઈ સર્વેક્ષણ કર્યું અને ઘટનાસ્થળે પહોંચી બચાવ ટીમ પાસેથી માહિતી મેળવી છે. ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સીએમ ધામીએ રેસ્ક્યુ કરેલા શ્રમિકો સાથે મુલાકાત કરી. 

અનેક હાઇવે બંધ

બરફના કારણે ધૌતીધારથી આગળ ગોપેશ્વર ચોપટા હાઇવે બંધ છે. જ્યારે કાવંડ બંધથી આગળ ચાર કિમી વિસ્તારમાં ઔલી જોશીમઠ મોટર રોડ બંધ છે. ભાપકુંડથી આગળ નીતિ મલારી હાઇવે બંધ છે. જ્યારે બદ્રીનાથ હાઇવે હનુમાન ચટ્ટી હિમવર્ષાના કારણે બંધ છે. ગોપેશ્વરની આસપાસ ભારે કરા પડ્યા છે.


Google NewsGoogle News