ઉ. ભારતમાં ભારે વરસાદ વાદળ ફાટવા સહિતની ઘટનાઓમાં 43નાં મોત
- ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદના કારણે અનેક નદીઓએ ભયજનક સપાટી વટાવી
- બિહારમાં વીજળી પડવાને કારણે 12નાં મોત : નીતીશકુમારે મૃતકોના પરિવારજનોને રૂ. ચાર લાખ આપવાની જાહેરાત કરી
- રાજસ્થાનમાં કુલ 6નાં મોત
- હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની અનેક ઘટનાઓમાં પાંચ લોકોનાં મોત થયા અને 50 લોકો લાપતા
નવી દિલ્હી : ઉત્તર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં કુલ ૪૩ લોકોનાં મોત થયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે એક જ પરિવારના ત્રણ સહિત કુલ ૧૨ લોકોનાં મોત થયા છે અને ૬ લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યો હતો. કેટલીક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
ઉત્તરાખંડના હરિદ્વારમાં ૬, ટિહરીમાં ૩, દેહરાદૂનમાં ૨ અને ચમોલીમાં ૧ વ્યકિતનું મોત થયું છે. ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર નૈનીતાલ જિલ્લાના હલદ્વાનીમાં ડૂબી ગયેલ સાત વર્ષનું બાળક હજુ પણ લાપતા છે.
દેહરાદૂનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૨ મિમી વરસાદ પડયો છે. હરિદ્વારના રોશનાબાદમાં ૨૧૦ મિમી, રાયનવાલામાં ૧૬૩ મિમી, હલદ્વાનીમાં ૧૪૦ મિમી, રૂરકીમાં ૧૧૨ મિમી, નરેન્દ્ર નગરમાં ૧૦૭ મિમી, ધનોલ્ટીમાં ૯૮ મિમી વરસાદ નોંધવામાં આવ્યો હતો.
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની અનેક ઘટનાઓમાં પાંચ લોકોનાં મોત થયા છે અને ૫૦ લોકો લાપતા થયા છે. ભારે વરસાદને કારણે અનેક મકાન, પુલ અને સડકોનું ધોવાણ થયું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર કુલ્લુમાં નિરમંડ, સૈંજ અને મલાના વિસ્તારો, મંડીમાં પઘર અને શિમલાના રામપુરમાં વાદળ ફાટયા હતાં.
બિહારમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે ૧૨ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. મુખ્યપ્રધાનના કાર્યાલયના જણાવ્યા અનુસાર ગયામાં પાંચ, જેહાનાબાદમાં ત્રણ, નાલંદામાં બે અને રોહતસમાં બે લોકોનાં મોત થયા છે.
મુખ્યપ્રધાન નીતીશકુમારે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. તેમણે લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની એડવાઇઝરીનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.
દિલ્હીમાં ગઇકાલે ધોધમાર વરસાદ પડયા પછી આજે પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હતાં. છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં કુલ આઠ લોકોનાં મોત થયા છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક જ દિવસમાં છ સ્ટેશનોમાં ૧૦૦ મિમી વધારે વરસાદ પડયો હતો. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરગંજમાં ૧૦૭ મિમી વરસાદ પડયો હતો.
રાજસ્થાનમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૬ લોેકોનાં મોત થયા છે. ઝાલાવાડ જિલ્લાની કાલિસિંધ નદીમાં ડૂબી જવાથી એક મહિલા સહિત ત્રણ લોકોનાં મોત થયા છે.
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધારે વરસાદની સંભાવના
ભારતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધારે વરસાદ પડવાની સંભાવના છે અને ઓગસ્ટના અંત સુધી અલ નીનાની અનુકુળ સ્થિતિ જોવા મળી શકે છે તેમ ભારતીય હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ખેતી માટે વરસાદ ખૂબ જ જરૂરી છે. કુલ ખેતી પૈકી ૫૨ ટકા ખેતી વરસાદના પાણી પર નિર્ભર છે. આઇએમડીના જણાવ્યા અનુસાર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લાંબા ગાળાના સરેરાશ વરસાદ ૪૨૨.૮ મિમીના ૧૦૬ ટકા વરસાદ પડવાની સંભાવના છે.