લખનૌમાં 42 બૅંક લોકર તોડ્યા, 48 કલાકમાં બે બદમાશોનું એન્કાઉન્ટર
Image Source: Twitter
Lucknow Encounter: લખનૌના ગોમતીનગરમાં સ્થિત ઇન્ડિયન ઓવરસીઝ બૅંકમાં થયેલી ચોરી મામલે બે બદમાશોનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. એક બદમાશનું ગાઝીપુરમાં તો બીજાનું લખનૌમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ બંને બદમાશોનું એન્કાઉન્ટરમાં મોત થઈ ગયું છે. ગાઝીપુરમાં બિહારના નિવાસી બદમાશ સન્નીદયાળનું મંગળવારે સવારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. બીજા બદમાશ સોબિંદ કુમારનું મોડી રાત્રે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તે રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પરંતુ આજે સવારે તેનું પણ મૃત્યુ થઈ ગયું છે.
આ બંને બદમાશો પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ચોરીની આ ઘટનાને 7 ચોરોએ અંજામ આપ્યો હતો. તેમાંથી હવે બે ના મોત થઈ ગયા છે. પોલીસની આગળની કાર્યવાહી ચાલું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બારા ચોકીના ઇન્ચાર્જે ચેકિંગ દરમિયાન બે મોટરસાઇકલ સવાર શંકાસ્પદોને અટકાવ્યા હતા. બંને ગભરાઈને બિહાર બૉર્ડર તરફ ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ તેનું પોલીસ સાથે એન્કાઉન્ટર થઈ ગયું હતું. જ્યારે પોલીસે તેમનો પીછો કર્યો તો બદમાશોએ ફાયરિંગ શરુ કરી દીધું.
પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું
પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં એક બદમાશને ગોળી લાગી, જેના કારણે તે ઢળી પડ્યો હતો. બીજો બદમાશ અંધારાનો ફાયદો ઉઠાવી ભાગી ગયો હતો. ઘાયલ બદમાશની ઓળખ સન્નીદયાલ તરીકે થઈ છે. તેની પાસેથી એક પિસ્તોલ, જીવતા કારતૂસ, બૅંકમાંથી ચોરી કરાયેલા કેટલાક દાગીના અને 35500 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ઘાયલ બદમાશને CHC ભદૌરા લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેની ગંભીર હાલતને જોતાં તેને ગાઝીપુર જિલ્લા હૉસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. અહીં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બદમાશ બિહારના મુંગેરનો રહેવાસી હતો.
બદમાશોએ કર્યું ફાયરિંગ
DCP શશાંક સિંહે જણાવ્યું કે DCPની ક્રાઇમ ટીમ મંગળવારે સવારે કોમ્બિંગ કરી રહી હતી. આ દરમિયાન એક સ્વિફ્ટ કાર ઝડપથી આવી રહી હતી. જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમાંથી એકે પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે જવાબી ગોળીબાર કર્યો હતો, જેમાં એક ગુનેગાર ઘાયલ થયો હતો. જ્યારે અન્ય એક સ્થળ પરથી ભાગી ગયો હતો. પકડાયેલા આરોપીની ઓળખ સોબિંદ કુમાર તરીકે થઈ હતી. તેની પાસેથી સફેદ અને પીળી ધાતુનો જંગી જથ્થો મળી આવ્યો હતો. ઘાયલને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. ગુનેગારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
2 કલાક સુધી કરી ચોરી
22 ડિસેમ્બરના રોજ ઇન્ડિયન ઓવરસીઝ બૅંકની ચિનહટ બ્રાન્ચમાંથી ચોરો કરોડોની કિંમતના ઘરેણાં અને અન્ય વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોર 2 કલાક સુધી બૅંકમાં રહ્યા હતા. ચાર ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે ત્રણ બહાર ઊભા રહીને દેખરેખ રાખી રહ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન ઓવરસીઝ બૅંકમાં ચાર ચોર દિવાલ તોડીને બૅંકના લોકર સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ઈલેક્ટ્રિક કટરથી 42 લોકર તોડીને કરોડો રૂપિયાના દાગીના અને દસ્તાવેજો લૂંટી લીધા હતા. ચોરોએ રવિવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. કારણ કે રવિવારે બૅંક બંધ રહે છે. આવી સ્થિતિમાં બૅંક પાસે ખાલી પડેલા પ્લોટ તરફથી ચોરોએ દિવાલ તોડી હતી.
આ પણ વાંચો: હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની પૂછપરછ, પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ઉમટ્યા ચાહકો
42 લોકર તોડ્યા હતા
રવિવારે જ્યારે એક દુકાનદાર પ્લોટ તરફ ગયો ત્યારે તેણે દિવાલ તોડેલી જોઈ. ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જ્યારે બૅંકની અંદર તપાસ કરી તો 90માંથી 42 લોકર તૂટેલા પડ્યા હતા. આ લોકરમાં કરોડો રૂપિયાના દાગીના અને દસ્તાવેજો હતા. ત્યારબાદ જ્યારે પોલીસે તપાસ શરુ કરી તો જાણવા મળ્યું કે આખી બૅંકમાં એક જ સીસીટીવી કેમેરો લાગેલો હતો. ડીસીપી શશાંક સિંહે જણાવ્યું કે, ચોરોને પકડવા માટે પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સહિત 8 ટીમો બનાવવામાં આવી હતી.