42,000 કરોડના પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ : બેની ધરપકડ
- અનેક રાજ્યોમાં હજારો લોકોને છેતર્યા
- ગર્વિત ઈનોવેટિવ પ્રમોટર્સ લિ.ના ડિરેક્ટરોએ બાઈક પર આકર્ષક વળતરની લાલચ આપી હતી
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
દિલ્હી પોલીસે પોન્ઝી સ્કીમ મારફત સારૂં વળતર આપવાની લાલચ આપી અનેક રાજ્યોમાં હજારો લોકોને છેતરી અંદાજે રૂ. 42,000 કરોડનું કૌભાંડ કરનારા બે લોકોની શુક્રવારે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, બંને આરોપીની ઉત્તર પ્રદેશ સિૃથત એક ખાનગી કંપની ગર્વિત ઈનોવેટિવ પ્રમોટર્સ લિ.ના ડિરેક્ટર્સ સંજય ભાટી અને રાજેશ ભારદ્વાજ તરીકે ઓળખ કરાઈ છે.
દિલ્હી પોલીસની આિર્થક ગૂના શાખાએ બંનેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેમની કંપની ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં રજિસ્ટર્ડ છે. ભાટીની કંપનીએ તેમની સાથે છેતરપિંડી કરી હોવાની કેટલીક ફરિયાદો મળતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
દિલ્હી પોલીસની આિર્થક ગુના શાખાના સંયુક્ત પોલીસ કમિશનર ડૉ. ઓ. પી. મિશ્રાએ જણાવ્યું હતું કે આરોપીઓએ કેટલાક લોકોને એક બાઈક માટે રૂ. 62,000ના રોકાણ પર માસિક રૂ. 9,500ની નિશ્ચિત આવકની લાલચ આપી હતી.
આરોપીઓનું કહેવું હતું કે બાઈક પર રોકાણ કરવામાં આવતાં તેમને એક વર્ષ સુધી પ્રિન્સિપાલ અને બાઈકના ભાડાંની આવક મળશે. આ ઓફર આકર્ષક લાગતાં અનેક લોકોએ ગર્વિત ઈનોવેટિવ પ્રમોટર્સની આ સ્કીમમાં રોકાણ કર્યું હતું.
જાન્યુઆરી 2019માં કંપનીએ એક ઈલેક્ટ્રિક બાઈકની સ્કીમ લોન્ચ કરી હતી. આ સ્કીમમાં તેમણે ફરીથી એક બાઈક માટે રૂ. 1.24 લાખના રોકાણની આકર્ષક ઓફર રજૂ કરી હતી અને રોકાણકારોને એક વર્ષ સુધી માસિક રૂ. 17,000ના નિશ્ચિત વળતરની ખાતરી આપી હતી.
વધુમાં આરોપીઓએ લોકોને વધુ રોકાણ પર વધુ વળતરની પણ લાલચ આપી હતી. શરૂઆતમાં કંપનીએ રોકાણકારોને નિયમિત વળતર ચૂકવ્યું હતું, પરંતુ પાછળથી તેમનો વિશ્વાસ જીત્યા પછી મોટી રકમનું રોકાણ થતાં તેઓ ભાગી છૂટયા હતા. તપાસ દરમિયાન એકલા દિલ્હીમાંથી જ આવી 8,000 ફરિયાદો થઈ હોવાનું જણાયું હતું.
ઉપરાંત નોઈડા તથા અન્ય રાજ્યોમાં પણ કંપની સામે વિવિધ કેસ નોંધાયા હોવાનું જણાયું હતું. કંપનીની બેન્ક ખાતાની વિગતોના વિશ્લેષણ અને આરબીઆઈ પાસેથી માગવામાં આવેલા પ્રતિભાવના આધારે જણાયું હતું કે, કંપની નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપની તરીકે આરબીઆઈમાં નોંધાયેલ નહોતી અને કંપનીએ ગેરકાયદે રીતે લોકો પાસેથી નાંણાં ઉઘરાવ્યા હતા.