ટનલમાં ફસાયેલા 41 મજૂરોનું 9માં દિવસે પણ બચાવ અભિયાન જારી, હવે વર્ટિકલ ડ્રીલિંગની તૈયારી
ફસાયેલા 41 મજૂરો હજુ પણ જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે
મજૂરોને બચાવવા માટે હજુ બે થી અઢી દિવસનો સમય લાગી શકે
Uttarkashi Tunnel Collapse Rescue : ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 8 દિવસથી ફસાયેલા 41 મજૂરો હજુ પણ જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે અને જુદા-જુદા છ વિકલ્પો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે ત્યારે મજૂરોને બચાવવા માટે હજુ બે થી અઢી દિવસનો સમય લાગી શકે તેવી સંભાવના છે.
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે
ઉત્તરકાશીમાં ટનલની અંદર 41 મજૂરો ફસાયાને આજે 9મો દિવસ છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગઈકાલે ડ્રિલિંગ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. ફસાયેલા મજૂરોને આવશક્ય ચીજવસ્તુઓ પહોંચાડવા માટે કાટમાળમાં બીજી મોટી પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગઈકાલે બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે હવે 6 વિકલ્પો પર કામ ચાલી રહ્યું છે અને આ સમગ્ર કામગીરીમાં હજુ બેથી અઢી દિવસનો સમય લાગી શકે છે.
'વર્ટિકલ' ડ્રિલિંગ માટે તૈયારી
ટનલમાં ફસાયેલ 41 મજૂરોને બચાવવા માટે હવે ટનલની ઉપરથી 'વર્ટિકલ' ડ્રિલિંગની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મજૂરો ટનલની અંદર એવી જગ્યાએ ફસાયેલા છે જ્યાં ખુલ્લી જગ્યા, લાઈટ, ખોરાક, પાણી અને ઓક્સિજન ઉપલબ્ધ છે. જોકે આજે 9મો દિવસ થતા ખતરો સતત વધી રહ્યો છે તેમજ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કેટલાક મજૂરો બીમાર હોવાની ફરિયાદ પણ કરી છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન સચિવ રણજીત કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે ટનલને ડ્રિલ કરવા અને તેમાં પાઈપ નાખવા માટે અગર મશીનને ફરીથી શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.