Get The App

ટનલમાં ફસાયેલા 41 મજૂરો હાથવેંત દૂર, આજે રેસ્ક્યૂની આશા

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
ટનલમાં ફસાયેલા 41 મજૂરો હાથવેંત દૂર, આજે રેસ્ક્યૂની આશા 1 - image


- ઓગર મશીનથી ડ્રિલિંગ કરીને ઘૂસાડાયેલી પાઇપથી મજૂરો બહાર આવશે

- મજૂરોને તાત્કાલીક સારવાર માટે 15 ડોક્ટરોની ટીમ, એમ્બ્યૂલન્સનો કાફલો તૈનાત, 41 બેડની વિશેષ હોસ્પિટલ તૈયાર

- ડ્રિલિંગ પોઇન્ટથી 57 મિટર દૂર મજૂરો, 31 ઇંચ પહોળી પાઇપની મદદથી દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

- દેશભરમાં નિર્માણાધીન 29 ટનલોની ચકાસણીના આદેશ, સાત દિવસમાં રિપોર્ટ તૈયાર કરાશે

ઉત્તરકાશી : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રા માટે તૈયાર કરાઇ રહેલી એક વિશાળ ટનલનો મોટો હિસ્સો ધસી પડયો હતો. જેને કારણે આ ટનલમાં કામ કરી રહેલા મજૂરો છેલ્લા ૧૧ દિવસથી ફસાયેલા છે. આ મજૂરોને બહાર કાઢવા માટે ઘણા દિવસથી ચાલી રહેલુ રેસ્ક્યૂ ઓપરેશન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ગુરુવાર સુધીમાં આ તમામ મજૂરોને બહાર કાઢી લેવામાં આવે તેવી શક્યતાઓ છે. સરકારે બુધવારે સાંજે ચાર વાગ્યે જણાવ્યું હતું કે મજૂરો હવે માત્ર થોડા જ મિટર દૂર છે. ઓગર મશીનથી મોટી પાઇપ ટનલમાં મજૂરો સુધી પહોંચાડવામાં આવી રહી છે, મજૂરો જે સ્થળે છે ત્યાંથી પાઇપ માત્ર ૧૦ મિટર જ દૂર છે.

મજૂરો હવે થોડા જ સમયમાં બહાર આવવાના હોવાથી ટનલની બહાર મોટી સંખ્યામાં એમ્બ્યૂલંસ અને ૧૫ ડોક્ટરોની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. મજૂરોને બહાર કાઢ્યા બાદ તુરંત જ ઉત્તરાખંડના ચિન્યાલિસોરમાં તૈયાર કરાયેલી ૪૧ બેડની વિશેષ હોસ્પિટલમાં લઇ જવામાં આવશે. આ ઉપરાંત હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. બુધવારે સાંજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી ઘટના સ્થળે જવા માટે રવાના થઇ ગયા હતા. ટનલના ડ્રિલિંગ પોઇન્ટથી મજૂરો ૫૭ મિટર દૂર છે. 

રેસ્ક્યૂ ટીમે બુધવારે સાંજે ચાર વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ મજૂરોને જે પાઇપની મદદથી બહાર કાઢવાના છે તેને  ૪૫ મિટર સુધી પહોંચાડી દેવામાં આવી હતી. તેથી હવે આ પાઇપ અને મજૂરો વચ્ચે બહુ જ ઓછું અંતર બાકી રહ્યું છે. મજૂરોને ક્યારે બહાર કાઢવામાં આવશે તે સવાલના જવાબમાં રેસ્ક્યૂ ટીમમાં સામેલ અધિકારી મેહમૂદ અહમદ અને પીએમઓના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુબ્લેએ જણાવ્યું હતું કે મજૂરોની સાથે ગુરુવારે અમે ઉત્તરાખંડના પ્રખ્યાત તહેવાર બગ્વાલની ઉજવણી કરીશું. મજૂરોને આશરે ૩૧ ઇંચ પહોળી પાઇપની મદદથી બહાર કાઢવામાં આવશે. આ પાઇપને વિશેષ ડ્રિલિંગ માટે જ તૈયાર કરવામાં આવી છે. અગાઉ ચાર અને બાદમાં છ ઇંચની પાઇપની મદદથી મજૂરો સુધી ભોજન, પાણી, ઓક્સિજન અને ઇલેક્ટ્રિક ડિવાઇસ પહોંચતા કરી દેવાયા હતા.

ઉત્તરકાશીની ટનલના આ અકસ્માત બાદ હવે દેશભરની ટનલોનું વિશેષ ઓડિટ કરવામાં આવશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરની મોટી અને મહત્વની ટનલોની સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ઉત્તરકાશીની ટનલમાં ૧૨મી નવેમ્બરના રોજ અકસ્માત સર્જાયો હતો. ટનલમાં કામ કરી રહેલા મજૂરોને અકસ્માત સમયે ઇમર્જન્સીમાં બહાર કાઢવા માટે કોઇ બેકઅપ પ્લાન નહોતો તેવા અહેવાલો પણ સામે આવ્યા હતા. જેથી ટનલોની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. આ સ્થિતિ વચ્ચે હવે દેશભરની ટનલોની તપાસનો નિર્ણય લેવાયો છે. જે ટનલોનું કામ હાલ ચાલી રહ્યું છે તેના માટે વિશેષ નિષ્ણાતોની ટીમ તૈયાર કરાઇ છે. જે સાત દિવસમાં પોતાનો રિપોર્ટ રજુ કરશે. હાલમાં દેશભરમાં આશરે ૨૯ જેટલી ટનલોનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. જેમાં ૧૨ હિમાચલ પ્રદેશ અને છ જમ્મુ કાશ્મીર જ્યારે બે મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં આવેલી છે. મ. પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ એક એક ટનલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે.


Google NewsGoogle News