53 મીટર લાંબી પાઇપ વડે ગરમ ખિચડી મોકલાઇ, ઉત્તરકાશીની ટનલમાં 9 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બચાવવાનો પ્રયાસ
વિઝયૂએલ ઇન્ડોસ્કોપિક કેમેરા દ્વારા વીડિયોગ્રાફી પણ કરવામાં આવી
રાહતકાર્ય સાથે જોડાયેલા એક વૈકલ્પિક રસ્તો તૈયાર કરવા પ્રયત્નશીલ
નવી દિલ્હી,21 નવેમ્બર, 2023,મંગળવાર
ઉત્તરકાશીની એક ટનલમાં એક અઠવાડિયા કરતા વધુ સમયથી ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે પ્રયાસો ચાલું છે. આફતના આટલા સમય પછી પ્રથમ વાર એક વીડિયો કલીપ બહાર પાડવામાં આવી છે જેમાં પીળા અને સફેદ હેલમેટ પહેરેલા શ્રમિકો ટનલની અંદર એક બીજા સાથે વાતચિત કરી રહયા છે. મજૂરો રાહત અને બચાવ કામગીરીના અંતે પોતાના ઘરે પાછા ફરવાની આશા રાખી રહયા છે. એક માહિતી અનુસાર વિઝયૂએલ ઇન્ડોસ્કોપિક કેમેરા દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવી છે.
આ કેમેરો ૬ ઇંચની ફૂડ પાઇપલાઇન મારફતે મોકલવામાં આવ્યો હતો. ટનલની અંદર ફસાયેલા શ્રમિકોની હયાત સ્થિતિ જાણીને તેમના પરીવારજનોને પણ રાહત પહોંચી છે. ટનલમાં ફસાયેલા એક શ્રમિકે માતા પિતાને ઉદ્દેશીને કહયું હતું કે મને સારું છે તમે નિયમિત જમી લો અને ચિંતા કરશો નહી. બચાવ કામગીરી સાથે જોડાયેલા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 53 મીટર લાંબી અને 6 ઇંચ પહોંળી પાઇપની મદદથી ટનલમાં ફસાયેલા શ્રમિકોને ખિચડીનો ખોરાક ગોળ બોટલમાં ભરીને પહોંચાડાયો હતો. અગાઉ 4 ઇંચની કમ્પ્રેસર પાઇપની મદદથી ઓકસીજન, ખોરાક તથા દવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
હવે પ્રથમવાર ગરમ ખિચડીનો ખોરાક મોકલવામાં સફળતા મળી છે. રાહતકાર્ય સાથે જોડાયેલા એક વૈકલ્પિક રસ્તો તૈયાર કરવા મથી રહયા છે. કાટમાળની અંદર એક ચટ્ટાન ફસાઇ જવાથી રાહતકામ અટકાવવું પડયું છે. રેસ્કયૂ એજન્સીઓ દ્વારા બચાવ કામગીરીના ભાગરુપે અનેક યોજનાઓ પર વિચાર કરવામાં આવી રહયો છે
સુરંગમાં ફસાયેલી માનવ જીંદગીઓને બચાવવા માટે સુરંગની ઉપરથી એક વર્ટિકલ ખોદકામ માટે મશીન લાવવામાં આવ્યું છે. ગોળાઇવાળા રસ્તા પર 80 થી 90 મીટર સુધી ખોદકામ કરવું સરળ નથી. ડ્રિલિંગ માટે જમીનની ચકાસણી કરવામાં આવી છે. જયાંથી પાણીનો પ્રવાહ બહાર આવવાની શકયતા ના હોય તેવા સ્થળની પસંદગી કરવી જરુરી બને છે આથી રેસ્કયૂ ઓપરેશન હજુ લાંબો સમય સુધી ચાલે તેવી શકયતા છે.