ભાજપને તપાસમાં ઘેરાયેલી 41 કંપનીઓએ 2471 કરોડ આપ્યા, સુપ્રીમકોર્ટમાં ચોંકાવનારો આરોપ
હૈદરાબાદની મેઘા એન્જિ.એ ઝોજિલા પાસનો કોન્ટ્રાક્ટ મેળવ્યો તે વખતે જ બોન્ડ ખરીદ્યા હતા
Electoral bonds: સીબીઆઈ, ઈડી અને આવકવેરા વિભાગની તપાસનો સામનો કરતી 41 કંપનીઓએ ભાજપના કુલ 2,471 કરોડ રુપિયાના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. તેમાના 1,698 કરોડના બોન્ડ તો એજન્સીઓના દરોડા પછી ખરીદ્યા હતા એવો દાવો ઈલેક્ટોરલ બોન્ડને પડકારનારા સિવિલ સોસાયટીના સભ્યોએ સુપ્રીમ કોર્ટમાં કર્યો હતો. 30 શેલ કંપનીઓએ 143 કરોડના બોન્ડ ખરીદ્યા હતા.
પ્રોજેક્ટ મંજૂરી ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા દાન મળ્યા બાદ અપાતી : પ્રશાંત ભૂષણ
અરજદારે વતી કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે 33 ગ્રુપને તો મોટા કોન્ટ્રાક્ટ્સ અને પ્રોજેક્ટ મંજૂરી ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા દાન મળ્યા બાદ આપવામાં આવી હતી. તેઓએ ભાજપના કુલ 1,751 કરોડના બોન્ડ ખરીદ્યા પછી તેમને 3.7 લાખ કરોડના પ્રોજેક્ટ અને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. ભૂષણે આ ઉપરાંત દાવો કર્યો હતો કે સીબીઆઈ, ઈડી અને આવકવેરા વિભાગની તપાસનો સામનો કરતી 41 કંપનીઓએ ભાજપના કુલ 2,471 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે. તેમાના 1,698 કરોડના બોન્ડ તો એજન્સીઓના દરોડા પછી ખરીદ્યા હતા. ભૂષણે આરોપ મૂક્યો હતો કે કમસેકમ 49 કેસોમાં ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઈલેક્ટોરલ બોન્ડના સ્વરુપમાં 580 કરોડ આપવામાં આવ્યા પછીના ત્રણ મહિનામાં તેમને 62,000 કરોડના પ્રોજેક્ટ મળ્યા હતા. ભૂષણનો દાવો હતો કે કલ્પતરુ જૂથે આવકવેરા વિભાગના દરોડા પડ્યાના ત્રણ મહિનામાં ઈલેક્ટોરલ બોન્ડના સ્વરુપમાં 5.5 કરોડ જમા કરાવ્યા હતા.
ફ્યુચર ગેમિંગે 60 કરોડ રુપિયા ઈલેક્ટોરલ બોન્ડ પેટે આપ્યા હતા
ફ્યુચર ગેમિંગે 12 નવેમ્બર 2023 અને પહેલી ડિસેમ્બર 2021ના રોજ આઈટી અને ઈડીના દરોડા પડ્યાના ત્રણ મહિનામાં 60 કરોડ રુપિયા ઈલેક્ટોરલ બોન્ડ પેટે આપ્યા હતા. આ જ રીતે ઓરોબિન્દો ફાર્માએ 10 નવેમ્બર 2022ના રોજ ઈડીના દરોડા પછીના ત્રણ મહિનામાં ભાજપને ઈલેક્ટોરલ બોન્ડ પેટે પાંચ કરોડ આપ્યા હતા. આ ઉપરાંત હૈદરાબાદની મેઘા એન્જિનિયરિંગ 966 કરોડના બોન્ડની ખરીદી સાથે ઈલેક્ટોરલ બોન્ડના સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવી છે. ઉલ્લેખનીય છે કે આ જ કંપનીને જમ્મુ- કાશ્મીરમાં 4,500 કરોડનો જોજિલા ટનલનો અને બાંદ્રાકુર્લના કોમ્પ્લેક્સમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાનો 3,681 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ અનલિસ્ટેડ ફર્મે ભાજપને 585 કરોડ, બીઆરએસને 195 કરોડ અને ડીએમકેને 85 કરોડ રુપિયા આપ્યા હતા.
ભારતી ટેલીમીડિયાએ પણ ઈલેક્ટોરલ બોન્ડ આપ્યા હતા
આ જ રીતે ભારતી એરટેલની પેટા કંપની ભારતી ટેલીમીડિયાએ ભાજપને ઈલેક્ટોરલ બોન્ડ પેટે 234 કરોડ રૂપિયા આપ્યા હતા. આ જ રીતે કોટક ફેમિલીની માલિકીની ઈફિનાએ ભાજપને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 60 કરોડ રુપિયા આપ્યા હતા. દિલ્હી લિકર કૌભાંડમાં પકડાયેલા ઓરોબિન્દો ફાર્માના ડિરેક્ટરોમાં એકે ભાજપને 52 કરોડ ઈલેક્ટોરલ બોન્ડ પેટે આપ્યા હતા.