ચૂંટણી બોન્ડ દ્વારા કરોડોની ઉઘાડી લૂંટ, તપાસમાં ફસાયેલી 41 કંપનીએ ભાજપને 2471 કરોડ આપ્યા
Electoral Bonds: બેંગલુરુની વિશેષ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ મારફતે ખંડણી ઉઘરાવવાનાં આક્ષેપને મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપતાં ખળભળાટ મચ્યો છે. કોર્ટમાં નિર્મલા સીતારામન સહિતના નેતાઓ સામે પોલીસ ફરિયાદ લેવાની માગણી કરતી અરજીમાં આક્ષેપ કરાયો છે કે, કેન્દ્રીય એજન્સીઓ મારફતે દરોડા પાડીને કંપનીઓ તથા ધનિકોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા નાણાં આપવાની ફરજ પાડીને ખંડણી ઉઘરાવાઈ છે. કોંગ્રેસે ઈલેક્ટોરલ બોન્ડને PayPM સ્કેમ ગણાવીને 4 લાખ કરોડ રૂપિયાની લૂટ ચલાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભાજપને 2471 કરોડ રૂપિયા ઈલેક્ટોરલ બોન્ડ મારફતે દાનમાં આપ્યા
સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી પણ કરાઈ છે. આ અરજીમાં આક્ષેપ કરાયો છે કે, સીબીઆઈ, ઈડી અને આવકવેરા વિભાગની તપાસનો સામનો કરતી 41 કંપનીઓએ ભાજપને કુલ 2471 કરોડ રૂપિયા ઈલેક્ટોરલ બોન્ડ મારફતે દાનમાં આપ્યા છે. આ પૈકી 1698 કરોડના બોન્ડ તો કેન્દ્રીય એજન્સીઓના દરોડા પછી ખરીદીને દાનમાં અપાયા હતા. એવો દાવો ઈલેક્ટોરલ બોન્ડને પડકારનારા સિવિલ સોસાયટીના સભ્યોએ સુપ્રીમ કોર્ટમાં કર્યો છે. આ ઉપરાંત 30 શેલ કંપનીઓએ 143 કરોડના બોન્ડ ખરીદીને ભાજપને દાન આપ્યું હોવાનો દાવો પણ અરજદારો વતી જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં કર્યો હતો.
ઈલેક્ટોરલ બોન્ડના સ્વરૂપમાં 5.5 કરોડ જમા કરાવ્યા
ભૂષણે આક્ષેપ કર્યો હતો કે ઓછામાં ઓછા 49 કેસોમાં ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઈલેક્ટોરલ બોન્ડના સ્વરૂપમાં પાર્ટીને 580 કરોડ આપવામાં આવ્યા પછીના ત્રણ મહિનામાં કંપનીઓને શેર 62,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અપાયા હતા. ભૂષણનો દાવો હતો કે કલ્પતરુ જૂથે આવકવેરા વિભાગના દરોડા પાડ્યાના ત્રણ મહિનામાં ઈલેક્ટોરલ બોન્ડના સ્વરૂપમાં 5.5 કરોડ જમા કરાવ્યા હતા.
કોંગ્રેસે ઈલેક્ટોરલ બોન્ડને PayPM સ્કેમ ગણાવીને ગણાવીને 4 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે X પર લખ્યું હતું કે, 'અમે જાણીએ છીએ કે ભાજપે PayPM કૌભાંડથી 4 લાખ કરોડ રૂપિયા લૂંટ્યા છે. હજુ તેઓ લૂંટ ચાલુ રાખવા માંગે છે.
રમેશે કટાક્ષ કર્યો હતો કે, PayPM સ્કેમ હેઠળ અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવાઈ છે. 'પહેલે ચંદા દો, ધંધા લો'.
બીજી પોસ્ટપેઈડ લાંચ મોડસ ઓપરેન્ડીમાં કોન્ટ્રાક્ટ આપો, લાંચ લો. પ્રી-પેઈડ અને પોસ્ટપેડ માટે લાંચ રૂ. 3.8 લાખ કરોડ.
પોસ્ટ-રેડ લાંચ- હપ્તા વસૂલી- પોસ્ટ-રેડ લાંચની કિંમત રૂ. 1853.
નકલી કંપનીઓ- મની લોન્ડરિંગ- નકલી કંપનીઓની કિંમત - રૂ. 419 કરોડ
ભાજપ જીતીને ફરીથી ઈલેક્ટોરલ બોન્ડ લાવશે તો આ વખતે તેઓ કેટલું લુંટશે? ચુંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશથી સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા (SBI) તરફથી મળેલા ડેટાને વેબસાઈટ પર જાહેર કર્યો હતો. આ ડેટા પ્રમાણે રાજકીય પક્ષોએ પાંચ વર્ષમાં કુલ 20,421 ઈલેક્ટોરલ બીન રીડીમ કર્યા કે જેમાંથી તેમને 12,207 કરોડ રૂપિયા મળ્યા.
બ્લેક મની બહાર લાવવા બોન્ડ લવાયા, વિપક્ષો ભવિષ્યમાં પસ્તાશે: નરેન્દ્ર મોદી
દેશના કાળા ધનને બહાર લાવવા માટે જ અમે ઈલેક્ટોરલ બોન્ડ લાવ્યા હતા પણ વિપક્ષોએ વિરોધ કર્યો. કોંગ્રેસ સહિતના વિષયો પ્રમાણિકતાથી વિચારશે તો ઈલેક્ટોરલ બોન્ડ રદ થયાં તેનો ભવિષ્યમાં તેમને પસ્તાવો થશે. ઈલેક્ટોરલ બોન્ડથી કોણે, કયાં અને કેવી રીતે રાજકીય પક્ષોને દાન કે નાણા આપ્યા તેનો જવાબ મળી જાય છે તેથી આ એકદમ પારદર્શક પ્રક્રિયા છે. કોંગ્રેસ કહે છે કે, સરકારે દબાણ કરીને ફંડ લીધું પણ આ વાત ખોટી છે. 3 હજાર કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીધ્યા તેમાંથી 16 કંપની દરોડા સમયે ફસાઈ હતી. આ 16 કંપનીઓએ ભાજપને માત્ર 37 ટકા ફંડ આપ્યું હતું જયારે 63 ટકા ફંડ વિપક્ષી પાર્ટી પાસે ગયુ છે.
ઈલેક્ટોરલ બોન્ડ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ: રાહુલ ગાંધી
ઈલેક્ટોરલ બોન્ડ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ છે. આ નાણાનો ઉપયોગ રાજકીય પક્ષોને તોડવા તથા વિપક્ષી સરકારોને ઉથલાવવા માટે થયો છે. થોડાં વર્ષો પહેલાં વડાપ્રધાને કહેલું કે રાજકીય પક્ષોને મળતા દાનની સિસ્ટમને સ્વચ્છ કરવા માટે ઈલેક્ટોરલ બોન્ડ લવાયા છે પણ હવે એવું પુરવાર થયું છે કે, આ યોજના વાસ્તવમાં ભારતનાં મોટા બિઝનેસ હાઉસ પાસેથી ખંડણી વસૂલવાની એક સ્કિમ હતી. નરેન્દ્ર મોદી ઈલેક્ટોરલ બોન્ડ કૌભાંડના માસ્ટરમાઈન્ડ છે. મોદી ચોખ્ખા હોય તો કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડારમાં આવ્યા પછી તરત જ કેટલીક કંપનીઓએ ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને કેવી રીતે દાન આપ્યું તેની વિગતો જાહેર કરે.
પીએમ મોદીએ 10,000 કરોડના બોન્ડ છાપવા આદેશ આપી દીધેલો પણ સુપ્રીમે જમીન પર લાવી દીધા
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ દેશના ચીફ જસ્ટિસ બન્યા પછી તેમણે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણાવીને ઐતિહાસિક ચુકાદો આપ્યો. જસ્ટિસ ચંદ્રચૂડે આ ચુકાદા દ્વારા મોદી સરકારને જોરદાર લપડાય મારી હતી કેમ કે મોદી સરકાર એવા વહેમમાં જ હતી કે, ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કીમને કોઈ રોકી શકશે નહીં. આ કારણે મોદીના આદેશથી નાણાં મંત્રાલયે 10 હજાર કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ છાપવાનો આદેશ પણ આપી દીધો હતો. આ આદેશના ત્રણ દિવસ પછી જ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતાં મોદી સહિતના મંત્રીઓ હતપ્રભ થઈ ગયા હતા.
મોદીને ઈલેક્ટોરલ બોન્ડને કંઈ નહીં થાય તેનો ભરોસો હતો તેનું કારણ સુપ્રીમ કોર્ટનું વલણ હતું. સુપ્રીમ કોર્ટે પહેલા ખુલ્લેઆમ મોદી સરકારની તરફેણ કરીને બંધારણની ઉપેક્ષા કરી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટલી બોન્ડના વેચાણ પર વચગાળાનો સ્ટે આપવાની માગ કરતી અરજીને 2022ના એપ્રિલમાં પણ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ પર પ્રતિબંધ લાદવાનો ઇનકાર કર્યો હતો.
તત્કાલીન વડા ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેના વડપણ હેઠળની ખંડપીઠે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે આ યોજના 2018માં શરૂ કરવામાં આવી હતી. અને 2019 તથા 2020માં કોઈ અડચણ વિના ચાલી રહી છે. આ સંજોગોમાં અદાલતને ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ રોકવાનું કોઈ કારણ દેખાયું નથી. એ પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડના વેચાણ પર વચગાળાનો સ્ટે આપવાની માગ કરતી અરજીને 2021ના એપ્રિલમાં પણ ફગાવી દીધી હતી. સુપ્રીમના વલણના કારણે હવામાં ઉડતા મોદીને સુપ્રીમ કોર્ટે ધરતી પર લાવી દીધા હતા.
આ પણ વાંચો: 'દિવાળી પહેલા ખાડામુક્ત શહેર' ના ટારગેટ સાથે રસ્તા પર ઊતર્યા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી
ઈલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય રીતે લવાયેલા, ચૂંટણી પંચ-રીઝર્વ બેંકે વિરોધ કરેલો
ઈલેક્ટોરલ બોન્ડની યોજનાને સંસદમાં ગેરબંધારણીય રીતે મંજૂરી આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સરકારે ઈલેક્ટોરલ બોન્ડની જાહેરાત બજેટમાં કરી હતી.
બજેટ નાણા ખરડો હોવાથી રાજ્યસભા તેમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. બજેટ લોકસભામાં પસાર થાય છે અને રાજ્યસભામાં માત્ર તેના વિશે ચર્ચા કરવામાં આવે છે. બજેટને રોકવાનો કે તેમાં ફેરફારનો કોઈ અધિકાર રાજ્યસભાને નથી. સરકાર પાસે રાજ્યસભામાં બહુમતી ન હતી એટલે તેમણે ઇલેક્ટોરલ બોન્ડને નાણા ખરડામાં ખપાવી દીધો પણ બંધારણ અનુસાર કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની તિજોરીમાંથી રકમ ખર્ચ થવાની હોય તેને જ નાણા ખરડો કહી શકાય અથવા એ બાબત નાણા ખરડાનો હિસ્સો બની શકે. ઈલેક્ટોરલ બોન્ડને કન્સોલિડેટેડ ફંડ ઑફ ઈન્ડિયા સાથે કોઈ સંબંધ ના હોવા છતાં લોકસભામાં બહુમતી હતી તેનો દુરૂપયોગ કરીને બોન્ડને નાણા ખરડા તરીકે પસાર કરી દેવાયો હતો.
રિઝર્વ બૅન્ક અને ચૂંટણીપચે ઈલેક્ટોરલ બોન્ડ વિરોધ કર્યો હતો પણ મોદી સરકાર આ વિરોધને ધોળીને પી ગઈ હતી અને તેમના વિરોધને ધ્યાનમાં લેવાયો ન હતો. રિઝર્વ બેન્ક અને ચૂંટણીપંચે કહ્યું હતું કે, ઈલેક્ટોરલ બોન્ડને કારણે કાળાં નાણા રાજકીય પક્ષમાં આવવાનો માર્ગ ખુલી જશે. ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવા માટે વપરાયેલા નાણામાં વિદેશીધન અને શંકાસ્પદ સ્રોતમાંથી આવેલા નાણા પણ સામેલ હોઈ શકે છે એવી સ્પષ્ટ ચેતવણીને મોદી સરકારે ગણકારી નહોતી અને ઈલેક્ટોરલ બોન્ડને મંજૂરી આપી દીધી હતી.
લોકસભાની ચૂંટણીમાં જીતીશું તો ફરી ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ લાવીશું- નિર્મલા સીતારમણ
લોકસભાની ચુંટણી પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે હુંકાર કરેલો કે, અમે સત્તામાં ફરી આવીશું તો ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પાછી લાવીશું. આ વખતે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ લાવતાં પહેલા પહેલા મોટા પાયા પર સૂચનો લેવામાં આવશે પણ આ સ્કીમ પાછી લાગવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરી, 2024ના રોજ રાજકીય ફંડિંગ માટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ યોજના ગેરબંધારણીય છે કેમ કે બોન્ડની ગુપ્તતા જાળવવી એ માહિતીના અધિકારનું ઉલ્લંથન છે. નિર્મલાએ સુપ્રીમ કોર્ટની કોઈ હૈસિયત ન હોય એવું વલણ અપનાવીને ભારોભાર અહંકાર અને તુમાખી બતાવી હતી.
સુપ્રીમ કોર્ટે જે સ્કીમને ગેરબંધારણીય ગણાવી તેને ફરી લાવવાનો હુંકાર કર્યો તેના પરથી નિર્મલા સહિતના ભાજપના નેતા અત્યંત તોરમાં હતા એ સ્પષ્ટ છે. એ લોકોને એવું જ લાગતું હતું કે, કેન્દ્રમાં ભાજપ ફરી સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવશે અને તેમને કોઈ રોકી શકશે નહી.
નિર્મલા સીતારમણે દાવો કરેલો કે, ઈલેક્ટોરલ બોન્ડમાં દાન આપનારનું નામ જાહેર કરવામાં આવતું નથી અને અધિકૃત બેન્કો પણ દાતાની ઓળખ ગુપ્ત રાખે છે પણ અદાલતમાં કે ક્રિમીનલ કેસ નોંધાયો હોય એવા સંજોગોમાં દાતાની ઓળખ જાહેર થઈ શકે છે. જો કે છેલ્લાં છ વર્ષમાં કોઈ પણ કંપની કે વ્યક્તિ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવા માટેનાં નાણા ક્યાંથી લાવી એ અંગે કોઈ કેન્દ્રીય એજન્સી દ્વારા પુછપરછ કે તપાસ કરાઈ નથી કે કેસ પણ થયો નથી.
આ પણ વાંચો: 'સરકાર વિષકન્યા જેવી, જેની સાથે જાય એને ડૂબાડી દે...', ગડકરીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન
ઈલેક્ટોરલ બોન્ડ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ, જનતા મોદી સરકારને સજા કરશે- નિર્મલાના પતિ પરાકલા પ્રભાકર
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરાકલા પ્રભાકર જાણીતા અર્થશાસ્ત્રી છે. પ્રભાકરે ઈલેક્ટોરલ બોન્ડને વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું. પ્રભાકરે દાવો કર્યો હતો કે, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી પણ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે અને દેશના લોકો મોદી સરકારને તેની સજા કરશે. પ્રભાકરની આગાહી સાચી પડી કેમ કે ભાજપને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ના મળી.
લોકસભાની ચૂંટણી પહેલાં એક ન્યૂઝ ચેનલ રિપોર્ટર ટીવી સાથેની વાતચીતમાં કહેલું કે, આ ચૂંટણીમાં ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ખુબ જ મહત્વપૂર્ણ મુદ્દો બની જશે એવું મને લાગે છે. આ ચૂંટણીમાં ભાજપની લડાઈ વિરોધ પક્ષો સાથે નહીં હોય પણ ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે.
પ્રભાકરે કહેલું કે, મને લાગે છે કે ચૂંટલી બોન્ડ દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ઝડપથી સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યોં છે. હવે બધા ધીમે-ધીમે સમજી રહ્યા છે કે આ ભારતનું જ નહીં પણ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આ મુદ્દાને કારણે આ સરકારને મતદારો દ્વારા સખત સજા કરવામાં આવશે.
પરાકલા પ્રભાકર જાણીતા અર્થશાસ્ત્રી છે. 2014 થી 2018 સુધી આંધ્રપ્રદેશ સરકારમાં સેવા આપી ચૂકેલા પ્રભાકરે લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો છે. તેમણે ઈકોનોમિક્સ પર ઘણા પુસ્તકો પણ લખ્યાં છે.