40,000 જનરલ કોચને સ્ટાન્ડર્ડ વંદે ભારત કોચમાં અપગ્રેડ કરાશે

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
40,000 જનરલ કોચને સ્ટાન્ડર્ડ વંદે ભારત કોચમાં અપગ્રેડ કરાશે 1 - image


- ત્રણ નવા રેલ કોરિડોરની જાહેરાત 

અમદાવાદ : મોદી સરકારનું ધ્યાન રેલવેને સમયસારિણી સાથે સુમેળ વધારવા, અકસ્માત ઘટાડવા અને મુસાફરોને મળતી સુવિધાઓ વધારવા પર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં કહ્યું છે કે લગભગ ૪૦,૦૦૦ જનરલ કોચને સ્ટાન્ડર્ડ વંદે ભારત કોચમાં રૂપાંતરિત કરવામાં આવશે. મતલબ કે જે ટ્રેનો હાલમાં જૂની બોગીનો ઉપયોગ કરી રહી છે, તેમની જગ્યાએ વંદે ભારત ટ્રેન માટે ઉપયોગમાં લેવાતી બોગીઓ સમકક્ષ અપગ્રેડ કરાશે. હાલમાં વંદે ભારતમાં માત્ર ચેરકાર ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. સ્લીપર કોચ સાથેની વંદે ભારત ટ્રેન આ વર્ષે શરૂ થવાની ધારણા છે. હાલમાં દેશમાં ૪૪ વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. સરકારનું ધ્યાન વધુ સારી અદ્યતન સુવિધાઓ સાથેના કોચનો ઉપયોગ કરવા અને પેસેન્જર ટ્રેનોની સ્પીડ વધારવા પર છે.

આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારમણે ત્રણ નવા મોટા રેલ કોરિડોરની જાહેરાત કરી છે, જેમાં પોર્ટ કનેક્ટિવિટી, એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોરનો સમાવેશ થશે. આ સિવાય હાઈ ડેન્સિટી કોરિડોર પણ હશે. તેનો હેતુ માલ-સામાનનું ઝડપી પરિવહન રહેશે, જે અંતે આર્થિક વિકાસને વેગ આપશે. નાણામંત્રીએ કહ્યું કે પીએમ ગતિ શક્તિ હેઠળ રેલવે કોરિડોર પ્રોગ્રામની ઓળખ કરવામાં આવી છે. આ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારશે અને ખર્ચમાં ઘટાડો કરશે.

૨૦૨૪ના બજેટમાં મુખ્ય રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટો જેવા કે મેટ્રો રેલ અને નમો ભારતને અન્ય શહેરોમાં વિસ્તૃત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નોંધપાત્ર ધ્યાન વધાર્યું છે. સરકારે દેશમાં લગભગ ૪૦૦ વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. 


Google NewsGoogle News