યુસીસીમાં 400 જોગવાઈ : છોકરીઓની લગ્નની વય 21 થશે
- સમિતિએ સીએમને યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ સોંપ્યો, મંગળવારે બિલ રજૂ થશે
- યુસીસીનો સંપૂર્ણ ડ્રાફ્ટ મહિલાઓને લગતી જોગવાઈઓ પર કેન્દ્રીત હોવાની તેમજ આદિવાસીઓને છૂટ મળવાની સંભાવના
દેહરાદુન : ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની તૈયારી પૂરી કરી લીધી છે. યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રચાયેલી નિષ્ણાત સમિતિએ શુક્રવારે ડ્રાફ્ટ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને સોંપી દીધો છે. સીએમ ધામી શનિવારે આ ડ્રાફ્ટને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપ્યા પછી મંગળવારને ૬ઠ્ઠીએ વિધાનસભા સત્રમાં બિલ રજૂ કરશે. આ બિલ વિધાનસભામાં પાસ થઈ જશે તો ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય બની જશે.
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં યુસીસી સમિતિના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈએ યુસીસીનો ડ્રાફ્ટ શુક્રવારે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને સોંપ્યો હતો.
ધામી સરકારે યુસીસી માટે ૨૭ મે ૨૦૨૨ના રોજ પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી. ડ્રાફ્ટ મળ્યા પછી હવે સરકારે શનિવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં તેને મંજૂરી આપશે. ધામી સરકાર પાંચમી ફેબુ્રઆરીથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં ૬ઠ્ઠી ફેબુ્રઆરીને મંગળવારે યુસીસી બિલ રજૂ કરશે તેમ મનાય છે.
દેહરાદૂનમાં યુસીસી કાર્યાલય રિપોર્ટ તૈયાર કરવા માટે છેલ્લા ત્રણ દિવસથી દૈનિક ૧૫ કલાકથી વધુ કામ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રાફ્ટમાં ૪૦૦થી વધુ કલમો હોઈ શકે છે, જેનું લક્ષ્ય પારંપરિક રીત-રિવાજોથી ઉત્પન્ન થતી વિસંગતીઓ ખતમ કરવાનું છે. યુસીસીનો સંપૂર્ણ ડ્રાફ્ટ મહિલા કેન્દ્રીત જોગવાઈઓ પર કેન્દ્રીત હોઈ શકે છે. જોકે, આદિવાસીઓને યુસીસીમાંથી છૂટ મળવાની સંભાવના છે.
આ ડ્રાફ્ટ કાયદો બનીને લાગુ થયા પછી ઉત્તરાખંડમાં બહુવિવાહ પર પ્રતિબંધ મુકાશે, છોકરીઓની લગ્નની કાયદાકીય વય ૧૮ વર્ષથી વધીને ૨૧ થઈ જશે, લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે તેમની માહિતી આપવી ફરજિયાત કરાશે તેમજ તેમના માટે પોલીસ રજિસ્ટ્રેશન જરૂરી કરાશે. આવા સંબંધોમાં રહેતા લોકોએ તેમના માતા-પિતાને આ અંગે માહિતી આપવી પડશે.
દરેક લગ્નો માટે નોંધણી ફરજિયાત કરાશે. પ્રત્યેક લગ્નની નોંધણી સંબંધિત ગામ, કસ્બામાં કરાશે અને નોંધણી વિનાના લગ્ન અમાન્ય ગણાશે. મુસ્લિમ મહિલાઓને પણ બાળક દત્તક લેવાનો અધિકાર મળશે અને તેની પ્રક્રિયા સરળ હશે. મુસ્લિમ સહિત દરેક ધર્મોની છોકરીઓને પિતાની વારસાઈ સંપત્તિમાં સમાન અધિકાર મળશે. મુસ્લિમ સમુદાયમાં ઈદ્દત જેવી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકાશે.
બાળકોની સંખ્યા -વસતી નિયંત્રણ માટે જોગવાઈની સંભાવના
યુસીસીની અન્ય સંભવિત જોગવાઈઓ મુજબ પતિ અને પત્ની બંનેને તલાકની પ્રક્રિયા સુધી સમાન પહોંચ પ્રાપ્ત થશે. નોકરીયાત પુત્રના મૃત્યુની સ્થિતિમાં વૃદ્ધ માતા-પિતાના ભરણ-પોષણની જવાબદારી પત્ની પર આવશે અને તેને વળતર અપાશે. પતિના મૃત્યુના સંજોગોમાં પત્ની પુનર્વિવાહ કરે તો તેને મળેલા વળતર માતા-પિતાને પણ આપવું પડશે. પત્નીનું મોત થઈ જાય અને તેના માતા-પિતાનો કોઈ આધાર ના હોય તો તેમની સારસંભાળની જવાબદારી પતિ પર રહેશે. પતિ-પત્ની વચ્ચે વિવાદના સંજોગોમાં બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને અપાઈ શકે છે. બાળકોની સંખ્યા નિશ્ચિત કરવા સહિત વસતી નિયંત્રણ માટે જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતા છે.
આપ અને ભાજપની ખેંચતાણ વચ્ચે દિલ્હીમાં ટ્રાફિક જામ
દિલ્હીમાં આપ અને ભાજપે ભ્રષ્ટાચાર અને ચંદીગઢ મેયરની ચૂંટણીના મુદ્દાઓ સાથે ડીડીયુ માર્ગ પર એકબીજાથી થોડાક મીટરના અંતરે વિરોધ પ્રદર્શનો કર્યા હતાં. આ દરમિયાન દિલ્હી પોલીસે બેરિકેડ અને જવાનોના કાફલા સાથે મધ્ય દિલ્હીના રસ્તાઓને કિલ્લામાં ફેરવી દીધા હતાં. દિલ્હીની જનતાને તેના પરિણામે ટ્રાફિક જામનો સામનો કરવો પડયો હતો. દિલ્હી પોલીસે હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરહદો પાસે પણ બેરિકેડ લગાવતા વાહનચાલકોની હાલાકીમાં વધારો થયો હતો. આપના ૨૭ કાર્યકર્તાઓ સિંઘુ બોર્ડર પાસેથી દિલ્હીમાં પ્રવેશતા દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી.