ગેમિંગ એપ દ્વારા ચીને ભારતમાંથી ટ્રાન્સફર કર્યા ૪૦૦ કરોડ, દેશની ઇકોનોમી નબળી પાડવાના ખેલનો ખુલાસો
ગેમિંગ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા ૩ ચીનીઓના ક્રિપ્ટો કરન્સી એકાઉન્ટ ફ્રિજ
ઇડીએ પહેલા પણ ગેમિંગ એપ્લીકેશન વિરુધ દેશભરમાં છાપા માર્યા હતા.
નવી દિલ્હી,૨૬ સપ્ટેમ્બર,૨૦૨૪,ગુરુવાર
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્વારા એક ઓનલાઇન ગેમિંગ એપ્લીકેશન વિરુધ મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ આ કાર્યવાહીમાં ૨૫ કરોડ રુપિયા ફ્રિઝ કર્યા છે.એટલું જ નહી ગેમિંગ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા ૩ ચીની નાગરિકોના ક્રિપ્ટો કરન્સી એકાઉન્ટ પણ ફ્રિજ કરવામાં આવ્યા છે. આ ગેમિંગ એપ પર ભારત વિરોધી ગતિવિધીઓમાં સામેલ છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે ચીને અંદાજે ૪૦૦ કરોડ રુપિયા ટ્રાન્સફર કર્યા છે. હાલમાં ઇડી આ મામલે જોડાયેલી મની લોન્ડ્રિંગ ટ્રેલનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી છે. આ મામલે ૪ ભારતીય નાગરિકોની પણ અટકાયત કરવામાં આવી છે.
ઇડીને શંકા છે કે ચીન આ ગેમિંગ એપના માધ્યમથી ભારતની અર્થ વ્યવસ્થાને નુકસાન કરવાની સાજિસ રચી રહયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇડીએ પહેલા પણ ગેમિંગ એપ્લીકેશન વિરુધ દેશભરમાં છાપા માર્યા હતા.આ દરમિયાન ભારતીય નાગરિકોની પણ ધરપકડ થઇ હતી. ગિરફતાર કરવામાં આવેલા લોકોની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ ગેમિંગ એપ્લીકેશન દ્વારા ભારતમાંથી કરોડો રુપિયા ચીન મોકલાયા છે. ૧૬ મે ૨૦૨૩ના રોજ ઓનલાઇન એપ્લીકેશન પર છેતરપિંડીને લગતી ફરિયાદ કોલકાતા કોશીપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.