માતા-પિતા પાસે 40 કરોડની સંપત્તિ, પોતે નોન ક્રીમિલેયર ઉમેદવાર: મહિલા IAS મુદ્દે ઘટસ્ફોટ
Image: Facebook
Probationary IAS Officer Pooja Khedkar: મહારાષ્ટ્રની ચર્ચિત IAS અધિકારી પૂજા ખેડકરે સિવિલ સેવા પરીક્ષા પાસ કરવા માટે પોતાને નોન ક્રીમિલેયર ઓબીસી ઉમેદવાર ગણાવી હતી. જોકે તેના પિતાએ પોતાના ચૂંટણી સોગંદનામામાં 40 કરોડ રૂપિયાની સંપત્તિ જણાવી હતી. દરમિયાન IAS પૂજાના ઓબીસી નોન ક્રીમિલેયર ઉમેદવાર હોવા પર સવાલ ઉઠી રહ્યાં છે કે જો કોઈ ઉમેદવારના પિતાની સંપત્તિ 40 કરોડ રૂપિયા હોય તો તેમની સંતાનને ઓબીસી નોન ક્રીમિલેયર કેવી રીતે માની શકાય છે.
ચૂંટણી સોગંદનામા અનુસાર પૂજા ખેડકરના પેરેન્ટ્સ પાસે 110 એકર કૃષિ જમીન છે, જે કૃષિ જમીન ટોચમર્યાદા કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ સિવાય 6 દુકાનો, સાત ફ્લેટ (એક હીરાનંદાનીમાં), 900 ગ્રામ સોનું, હીરા, 17 લાખની સોનાની ઘડિયાળ, ચાર કાર છે. આ સાથે જ બે પ્રાઈવેટ કંપનીઓ અને એક ઓટોમોબાઈલ ફર્મમાં ભાગીદારી છે. એટલું જ નહીં પોતે IAS પૂજા ખેડકરની પાસે 17 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
એટલું જ નહીં એ પણ સામે આવ્યું છે કે પૂજા ખેડકરે યુપીએસસીને સોંપેલા સોગંદનામામાં પોતે દ્રષ્ટિ ક્ષતિગ્રસ્ત અને માનસિક રીતે બિમાર હોવાનો દાવો કર્યો હતો. ખેડકરે આ દિવ્યાંગતા સર્ટિફિકેટનો ઉપયોગ UPSCમાં સિલેક્શન માટે વિશેષ છૂટછાટો પ્રાપ્ત કરવા માટે કર્યો હતો. સિવિલ સેવા પરીક્ષામાં ઓછા માર્ક્સ પ્રાપ્ત કર્યા બાદ પણ છુટછાટોના કારણે પૂજા ખેડકરે પરીક્ષા પાસ કરી લીધી.
યુપીએસસીમાં 841મો રેન્ક આવ્યો હતો
પૂજા ખેડકરે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં 841મો રેન્ક મેળવ્યો હતો. પૂજાની માતા અહમદનગર જિલ્લાના ભાલગાંવના સરપંચ છે. પૂજાના પરિવારમાં તેમના પિતા અને દાદા બંને વહીવટી સેવાઓમાં રહ્યાં છે. તેમના પિતાએ તો પૂણેમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પણ કામ કર્યું.
પૂણેથી વાશિમ જિલ્લામાં ટ્રાન્સફર થઈ ચૂકી છે
IAS પૂજા ખેડકરની પૂણેથી વાશિમ જિલ્લામાં ટ્રાન્સફર કરી દેવાઈ છે. મહારાષ્ટ્ર સરકારે સત્તાના દુરુપયોગની ફરિયાદોના કારણે ખેડકરની ટ્રાન્સફર કરી છે. પૂણે કલેક્ટર ડો. સુહાસ દિવાસેએ મુખ્ય સચિવને પત્ર લખીને પૂજા ખેડકરની ફરિયાદ કરી હતી. હવે તેમને વાશિમ જિલ્લાના એડિશનલ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂક મળી છે.