નક્સલીઓના સંપૂર્ણ સફાયા માટે છત્તીસગઢમાં 4 હજાર જવાનો તૈનાત
૨૦૨૬ સુધીમાં રાજ્યને નક્સલવાદથી મૂક્ત કરવાનો કેન્દ્રનો સંકલ્પ
જવાનો કોબરા કમાન્ડો સાથે મળીને બસ્તરથી પોતાનું અભિયાન શરૃ કરશે, સુરક્ષિત વાહનોની પણ તૈનાતી થશે
રાયપુર: છત્તીસગઢમાં નક્સલીઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધરવાની તૈયારી શરૃ કરી દેવામાં આવી છે. જેના ભાગરૃપે સીઆરપીએફ ચાર હજારથી વધુ જવાનોને છત્તીસગઢમાં તૈનાત કરવા જઇ રહી છે. આ જવાનોને સૌથી વધુ નક્સલ પ્રભાવીત વિસ્તાર બસ્તરમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. માર્ચ ૨૦૨૬ સુધી નક્સલવાદીઓના ખાતમાના કેન્દ્ર સરકારના સંકલ્પના ભાગરૃપે આ ઓપરેશન શરૃ કરાઇ રહ્યું હોવાના અહેવાલો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગત મહિને છત્તીસગઢની રાજધાની રાયપુરમાં માર્ચ ૨૦૨૬ સુધીની ડેડલાઇન જાહેર કરી હતી. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે દેશને ડાબેરી ઉગ્રવાદથી મુક્ત કરવા માટે એક મજબૂત આયોજનની જરૃર છે. ડાબેરી ઉગ્રવાદને એક સમયે તમામ દેશોની આંતરિક સુરક્ષા માટે સૌથી મોટો ખતરો માનવામાં આવતો હતો. એવા અહેવાલો છે કે સીઆરપીએફએ ઝારખંડથી ત્રણ અને બિહારથી એક બટાલિયનને પરત બોલાવી છે. જેની તૈનાતી છત્તીસગઢની રાજધાની રાયપુરથી આશરે ૪૫૦થી ૫૦૦ કિમી દક્ષિણ સ્થિત બસ્તર ક્ષેત્રમાં કરવામાં આવશે. સીઆરપીએફની એક બટાલિયનમાં આશરે એક હજાર જવાનો હોય છે. હાલ આશરે ચાર હજાર જવાનોને તૈનાત કરવામાં આવી રહ્યા છે.
આ બટાલિયનોને દંતેવાડા, સુકમા અને અન્ય અંતરિયાળ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં દળના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ બટાલિયનો સીઆરપીએફની કોબરા બટાલિયન સાથે મળીને આ સમગ્ર ઓપરેશનને પાર પાડવાનું કામ કરશે. જેથી સમગ્ર વિસ્તારને વધુ સુરક્ષીત બનાવી શકાય. છેલ્લા ત્રણ વર્ષમાં છત્તીસગઢમાં લગભગ ૪૦ એફઓબી બનાવવામાં આવ્યા છે. આવા બેઝ સ્થાપિત કરવામાં અનેક પ્રકારના પડકારો આવે છે. જેમાં જવાનો પર હુમલા સૌથી મોટો ખતરો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ જવાનોને યૂએવી સહિત સંપૂર્ણ સુરક્ષિત વાહનોમાં લઇ જવામાં આવશે. જે બાદ આ ઓપરેશન શરૃ કરવામાં આવશે.