Get The App

યુપીમાં મોટું એન્કાઉન્ટર: પોલીસે શામલીમાં એક લાખના ઈનામી અરશદ સહિત 4 બદમાશોને ઠાર કર્યા

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
યુપીમાં મોટું એન્કાઉન્ટર: પોલીસે શામલીમાં એક લાખના ઈનામી અરશદ સહિત 4 બદમાશોને ઠાર કર્યા 1 - image


Shamli Encounter: ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં મોડી રાત્રે મોટું એન્કાઉન્ટર થયું હતું. સોમવારે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ યુપી એસટીએફની મેરઠ ટીમે શામલીના ઝીંઝાના વિસ્તારમાં મુસ્તફા કગ્ગા ગેંગના બદમાશોની ઘેરાબંધી કરી લીધી હતી. આ દરમિયાન સામ-સામે ફાયરિંગમાં એક લાખના ઈનામી અશરદ સહિત 4 બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ STFના ઈન્સ્પેક્ટર સુનીલ કુમારને ઘણી ગોળીઓ વાગી છે. સુનીલ કુમારને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બદમાશો પાસેથી મોટી માત્રામાં હથિયારો રિકવર કરવામાં આવ્યા છે. 

ડોક્ટરે ચારેય બદમાશોને મૃત જાહેર કર્યા

એસટીએફ મેરઠ ટીમે શામલીના ઝિંઝાના ક્ષેત્રમાં મુસ્તફા કગ્ગા ગેંગના સભ્ય અરશદ અને તેના ત્રણ સાથીઓ, મનજીત, સતીશ અને એક અન્યને શામલીના ઝીંઝાના વિસ્તારમાં ઘેરી લીધા હતા. બધા બદમાશો કારમાં સવાર હતા. આ દરમિયાન અરશદ અને તેના સાથીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. એસટીએફની ટીમે પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું હતું. એએસપી બ્રિજેશ કુમારે જણાવ્યું કે, 'ગોળીબારમાં ચાર બદમાશોને ગોળી વાગી હતી, જ્યારે એસટીએફ ઈન્સ્પેક્ટર સુનીલ કુમાર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ચારેય બદમાશોને મૃત જાહેર કર્યા છે.'


ઈન્સ્પેક્ટર સુનીલ કુમારને સારવાર માટે ખસેડાયા

મૃતક બદમાશોની ઓળખ એક લાખના ઈનામી અરશદ અને તેના ત્રણ સાથીઓ મનજીત, સતીશ અને એક અજાણ્યો વ્યક્તિ તરીકે થઈ છે. અરશદ વિરુદ્ધ લૂંટ અને હત્યાના એક ડઝન કેસ નોંધાયેલા છે. ઈન્સ્પેક્ટર સુનીલને પહેલા કરનાલની અમૃતધારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી ડોક્ટરોએ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં રીફર કર્યા છે. મોટી એન્કાઉન્ટરની માહિતી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બદમાશો પાસેથી દેશી બનાવટની કાર્બાઇન સહિત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. 

આ પણ વાંચો: શેરબજારમાં મોટી ઉથલપાથલ, સેન્સેક્સ 849 પોઈન્ટ તૂટ્યો, રિયાલ્ટી-પીએસયુ શેરોમાં ગાબડું

યુપી પોલીસે સાત વર્ષમાં 217 બદમાશોને ઠાર કર્યા

યુપી પોલીસે સાત વર્ષમાં 217 બદમાશોને ઠાર માર્યા છે. યુપી પોલીસના વાર્ષિક રિપોર્ટમાં વર્ષ 2017થી ડિસેમ્બર 2024 સુધીના ઘણા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડા પ્રમાણે યુપી પોલીસે ગેંગસ્ટર એક્ટ હેઠળ માફિયા અને અન્ય બદમાશોની 140 અબજ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી લીધી છે.


Google NewsGoogle News