કુંભમાં હોટેલ, કોટેજ, રિસોર્ટ, ટેન્ટ સહિતનું ફેક વેબથી બૂકિંગ, ચાર ઝડપાયા
- સોફ્ટવેર કંપનીઓમાં કામ કરી ચુકેલા ટેક એક્સપર્ટનું કારસ્તાન
- આરોપીઓએ નવ વેબસાઇટો બનાવી લોકો પાસેથી લાખો પડાવ્યા, કોઇ જ હોટેલ કે કોટેજ સાથે સંપર્ક નહોતો
પ્રયાગરાજ : કુંભ મેળામાં જનારા લોકોને ઓનલાઇન ઠગવાનું મોટુ રેકેટ ઝડપાયું છે. પ્રયાગરાજ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ બનાવટી બૂકિંગ વેબસાઇટ ચલાવતા હતા, જેમાં કુંભ મેળાના નામે હોટેલ, રિસોર્ટ, કોટેજ, ટેન્ટ સહિતની સુવિધાની લોકોને લાલચ આપતા હતા અને બદલામાં રૂપિયા પડાવી લેતા હતા. છેલ્લા કેટલાક મહિનાથી આ વેબસાઇટો સક્રીય હતી. જેના દ્વારા અનેક લોકોને લૂંટવામાં આવ્યા છે.
પ્રયાગરાજ પોલીસે ત્રણ લેપટોપ, છ સ્માર્ટફોન, છ એટીએમ કાર્ડ સહિતનો સામાન જપ્ત કર્યો છે. સાથે જ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમના નામ પંકજ કુમાર, યશ ચૌબે, અંકિત ગુપ્તા અને અમન કુમાર છે. આરોપીઓ બિહાર, ઉત્તર પ્રદેશના વારાણસી અને આઝમગઢના રહેવાસી છે. શ્રદ્ધાળુઓને ઠગવા માટે એક કે બે નહીં પણ નવ વેબસાઇટ ખોલી રાખી હતી. આ વેબસાઇટો ઓરિજિનલ હોય તે રીતે તેના લેઆઉટ તૈયાર કરાયા હતા.
ડીસીપી અભિષેક ભારતીએ જણાવ્યું હતું કે તમામ આરોપીઓ જુદી જુદી સોફ્ટવેર કંપનીમાં કામ કરી ચુક્યા છે સારી એવી ટેક્નીકલ માહિતી ધરાવે છે. ચારમાંથી ત્રણ પાસે બી. કોમ અને કમ્પ્યુટરનું શિક્ષણ છે. અમને ફેક વેબસાઇટના અનેક ફોન સાઇબર સેલમાં આવ્યા જે બાદ અમે તપાસ કરતા આ ચારેય આરોપીઓ ઝડપાયા હતા. ચકાસણી કરતા સામે આવ્યું હતું કે આરોપીઓનું કુંભ મેળાનું આયોજન થયું છે તે પ્રયાગરાજમાં કોઇ જ હોટેલમાં સંપર્ક નથી, ના તો તેમણે કોઇ ટેન્ટ સિટી માટે કે કોટેજ માટે કોઇ સાથે ટાયઅપ કરેલું છે. તમામ આરોપીઓએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે.