દિલ્હીમાં 4.9 ડિગ્રી સે. તાપમાન : શિમલા કરતા પણ વધુ ઠંડી
- તમિલનાડુમાં ભારે વરસાદથી જનજીવનને અસર
- શિમલામાં લઘુતમ તાપમાન 6.8 ડિગ્રી : કાશ્મીરના લોકોને ઠંડીથી આંશિક રાહત મળી
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે. આજે દિલ્હીનું લઘુતમ તાપમાન શિમલા કરતા પણ ઓછું હતું. ભારતીય હવામાન વિભાગના આકંડા અનુસાર દિલ્હીના સફદરગંજમાં સવારે લઘુતમ તાપમાન ૪.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જ્યારે શિમલામાં આજે લઘુતમ તાપમાન ૬.૮ ડિગ્રી સેલ્સિયસ હતું.
દિલ્હીમાં આજનું તાપમાન સિઝનનું સૌથી ઓછું હતું. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હાીમાં સામાન્ય કરતા ઓછું તાપમાન નોંધવામાં આવે છે. બીજી તરફ તમિલનાડુમાં ભારે વરસાદ પડયો હતો.
દિલ્હીમાં લઘુતમ તાપમાન સોમવારે ૬.૫ ડિગ્રી, મંગળવારે ૬.૮ ડિગ્રી, બુધવારે ૭.૪ ડિગ્રી અને ગુરૂવારે ૬.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
પંજાબના ચંડીગઢમાં આજે લઘુતમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જો કે જમ્મુ-કાશ્મીરના લોકોને આજે ઠંડીથી આંશિક રાહત મળી હતી. શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઇકાલે શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૫.૪ ડિગ્રી સેલ્સિયસ હતું.