અમરનાથ યાત્રાના મહિના અગાઉ દરરોજ 4-5 કિલોમીટર ચાલવું જરૂરી, નિષ્ણાતની મહત્ત્વપૂર્ણ સલાહ
Amarnath Yatra News | અમરનાથ યાત્રાનો 29 જૂનથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શન માટે ગુજરાતમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ આગામી દિવસોમાં અમરનાથ પહોંચશે. અમરનાથ યાત્રાએ જતાં અગાઉ શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવવું ફરજીયાત છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી 900થી વધુ શ્રધ્ધાળુઓને ફિટનેસ સર્ટિફિટેટ અપાયા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમરનાથ યાત્રા માટે ગુજરાતમાંથી 99 થી વધુ હોસ્પિટલ, મેડિકલ કોલેજ પાસે શ્રધ્ધાળુને હેલ્થ સર્ટિફિકેટ આપવાની સત્તા છે. જેમાં અમદાવાદની અસારવા અને સોલા એમ બંને સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ પૈકી સોલા સિવિલમાંથી 495 અને અસારવા સિવિલમાંથી 405 શ્રધ્ધાળુને તેમની ફિટનેસ ચકાસીને અમરનાથ યાત્રા માટે મંજૂરી આપવામાં આવેલી છે. જેમાં શ્રધ્ધાળુના બ્લડ પ્રેશર, કાર્ડિયો સહિતના ટેસ્ટ કરીને તેઓ અમરનાથ યાત્રા માટે ફિટ છે કે કેમ તે ચકાસવામાં આવે છે. આ પૈકી ફિટનેસ સર્ટિફિકેટ રદ થવાનું પ્રમાણ અંદાજે બે થી ત્રણ ટકા હોય છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, “અમરનાથ યાત્રાએ જતાં અગાઉ શ્રદ્ધાળુઓએ તેના માટે શારીરિક રીતે પૂર્વ તૈયારી કરી લેવી હિતાવહ છે. જેના ભાગરૂપે યાત્રાના મહિના અગાઉ શ્રધ્ધાળુઓએ દરરોજ સરેરાશ 4-5 કિલોમીટર ચાલવું જોઈએ. નિયમિત પ્રાણાયમ અને ઉંડા શ્વાસ લેવાની ટેવ પાડવી પણ જરૂરી છે. ઊંચાઈ પર અનેક શ્રધ્ધાળુઓને હાયપોરથેમિયા થાય છે. ધ્રુજારી-શ્વાસ લેવામાં સમસ્યા- પલ્સ રેટ ઓછી થવી તેના કેટલાક લક્ષણો છે. તેનાથી બચવા પૌષ્ટિક ખોરાક લેવો, સતત પાણી પીતા રહેવું, ઉંઘતી વખતે પણ ગરમ વસ્ત્રો પહેરવા જરૂરી છે.’