Get The App

સૈન્યના 36 વીર જવાનોને મળ્યાં કીર્તિ અને શૌર્ય ચક્ર, રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે સન્માનિત થયા

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
સૈન્યના 36 વીર જવાનોને મળ્યાં કીર્તિ અને શૌર્ય ચક્ર, રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે સન્માનિત થયા 1 - image


Image: X

Defence Investiture Ceremony 2024: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શુક્રવારે સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને અદમ્ય સાહસ અને અસાધારણ વીરતા માટે 10 કીર્તિ ચક્ર એનાયત કર્યા, જેમાં સાત મરણોપરાંત છે. રાષ્ટ્રપતિએ 26 શૌર્ય ચક્ર પણ આપ્યા અને તેમાં પણ સાત મરણોપરાંત છે. અશોક ચક્ર બાદ કીર્તિ ચક્ર દેશમાં શાંતિકાળનું બીજું અને શૌર્ય ચક્ર ત્રીજું સૌથી મોટું વીરતા પુરસ્કાર છે.

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ મૂર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહ દરમિયાન સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય/કેન્દ્રશાસિત પોલીસ કર્મચારીઓને આ ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા.

પુરસ્કાર વિજેતાઓની યાદી અનુસાર, ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સની 55મી બટાલિયનમાં ગ્રેનેડિયર્સના સિપાહી પવન કુમાર, પંજાબ રેજિમેન્ટની 26મી બટાલિયનના આર્મી મેડીકલ કોરના કેપ્ટન અંશુમાન સિંહ, પેરાશૂટ રેજિમેન્ટ (વિશેષ દળ)ની 9મી બટાલિયનના હવાલદાર અબ્દુલ મજીદને મરણોપરાંત કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.

આ વીર જવાનોને સન્માનિત કરવામાં આવ્યા

સીઆરપીએફની 210 કોબ્રા બટાલિયનના ઇન્સ્પેક્ટર દિલીપ કુમાર દાસ, હેડ કોન્સ્ટેબલ રાજ કુમાર યાદવ, કોન્સ્ટેબલ બબલૂ રાભા અને કોન્સ્ટેબલ શંભૂ રાયને પણ મરણોપરાંત કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિવાય મેજર રેન્કના બે અધિકારીઓ અને એક નાયબ સૂબેદારને પણ કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.

છ લશ્કરી કર્મચારીઓ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસના એક કોન્સ્ટેબલને મરણોપરાંત શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ સેના, વાયુસેના, નૌસેના અને ગૃહ મંત્રાલયના આધિન સેવાઓ આપનાર કર્મચારીઓના એક જૂથને પણ શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવને બાદમાં પોતાના એક્સ હેન્ડલ પર સમારોહની તસવીર શેર કરી.

વડાપ્રધાને સમારોહની તસવીર શેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું,- રાષ્ટ્રપતિ ભવનમાં Defence Investiture Ceremony-2024 (Phase-1) માં સામેલ થયો.  જ્યાં રાષ્ટ્રપતિએ વીરતા પુરસ્કાર એનાયત કર્યાં. આપણા રાષ્ટ્રને પોતાના બહાદુર સૈનિકોની વીરતા અને સમર્પણ પર ગર્વ છે. તેઓ સેવા અને બલિદાનના ઉચ્ચ આદર્શોના ઉદાહરણ છે. તેમનું સાહસ હંમેશા લોકોને પ્રેરિત કરશે. વડાપ્રધાને પણ સમારોહની તસવીરો શેર કરી. 


Google NewsGoogle News