લક્ષદ્વીપના સર્ચમાં 3400 ટકાનો વધારો પ્રવાસ માટે લોકોએ રસ બતાવ્યો
- માલદીવને બોટકોટ કરવા માટે ચાલતી ઝુંબેશની અસર
- પીએમ મોદીએ લક્ષદ્વીપના ફોટો શેર કર્યા તે પછીના ત્રણ દિવસમાં દેશભરમાંથી 7000 લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપનો પ્રવાસ કર્યો અને તેના ફોટો શેર કર્યા તે પછી લક્ષદ્વીપ અંગે જાણવાની લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી. માત્ર ત્રણ જ દિવસમાં દેશભરમાંથી ૭૦૦૦ લોકોએ લક્ષદ્વીપનો પ્રવાસ બૂક કરાવ્યો. એટલું જ નહીં, ઓનલાઈન સર્ચિંગમાં પણ ૩૪૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. કેટલાક લોકોએ નાના શહેરોમાંથી સીધી ફ્લાઈટ શરૂ કરવાની પણ માગણી કરી છે.
લક્ષદ્વીપના સૌંદર્ય અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુભવો અને તસવીરો શેર કર્યા બાદ દેશભરનું લક્ષદ્વીપ તરફ ધ્યાન ખેંચાયું હતું. બીજી તરફ માલદીવની સરખામણી લક્ષદ્વીપ સાથે થતાં માલદીવના કેટલાય મંત્રીઓએ લક્ષદ્વીપની ટીખળ કરી હતી અને માલદીવની સ્વચ્છતાના વખાણ કરીને લક્ષદ્વીપને ઉતરતું ગણવાની કોશિશ કરી હતી. એ મુદ્દે વિવાદ થયો તે પછી બોયકોટ માલદીવની ઓનલાઈન ઝુંબેશ ચાલી હતી. આ સ્થિતિ વચ્ચે લક્ષદ્વીપના ટૂરિઝમને વેગ મળ્યો છે.
ઓનલાઈન ટ્રાવેલ કંપનીઓના કહેવા પ્રમાણે ઓનલાઈન લક્ષદ્વીપના સર્ચિંગમાં ૩૪૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. આ અભૂતપૂર્વ છે. દેશભરમાંથી લોકોએ લક્ષદ્વીપ અંગે કંઈકનું કંઈ સર્ચ કર્યું હતું અને એના પ્રવાસમાં રસ બતાવ્યો હતો. બીજી તરફ માત્ર ત્રણ જ દિવસમાં ૭૦૦૦ લોકોએ લક્ષદ્વીપ જવા માટે ઓનલાઈન બુકિંગ કર્યું હતું. ઓનલાઈન અને ઓફલાઈન ટ્રાવેલ એજન્સીઓના સંચાલકોએ સ્વીકાર્યું હતું કે પીએમની વિઝિટ બાદ દરરોજ સેંકડો ફોન આવે છે કે લક્ષદ્વીપનું ટૂર પેકેજ કેટલા રૂપિયામાં ઓફર કરો છો અને કેટલા દિવસમાં બધું જોઈ શકાય છે. તે ઉપરાંત લોકોએ તો દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરો ઉપરાંત નાના શહેરોમાંથી પણ સપ્તાહમાં સીધી લક્ષદ્વીપની ફ્લાઈટ શરૂ કરવાનો ઓપિનિયન રજૂ કર્યો હતો. લોકોએ કહ્યું હતું કે સીધી ફ્લાઈટ શરૂ થશે તો લક્ષદ્વીપ જનારાની સંખ્યા વધશે.
લક્ષદ્વીપ ટૂરિઝમ વિભાગના આંકડાં પ્રમાણે ગયા વર્ષે લગભગ ૨૫ હજાર લોકો ફરવા આવ્યા હતા. દેશના અન્ય ટૂરિસ્ટ પ્લેસની સરખામણીએ લક્ષદ્વીપમાં બહુ જ ઓછા પ્રવાસીઓ ગત વર્ષે પહોંચ્યા હતા, પરંતુ આ વર્ષની શરૂઆતથી જ લોકો એટલો રસ લઈ રહ્યા હોવાથી આ આંકડો ચારથી પાંચ ગણો વધે એવી શક્યતા છે.
ભારત-માલદીવ્સના વિવાદ વચ્ચે ચીનનો બળતામાં ઘી હોમવાનો પ્રયાસ
ભારત-માલદીવનો વિવાદ તાજો છે ત્યારે જ માલદીવના પ્રમુખ મોહમ્મદ મોઈઝ્ઝુ ચીનના પ્રવાસે છે. ભારત-માલદીવના વિવાદમાં ચીને ચંચુપાત કર્યો હતો. ચીને એવું કહ્યું હતું કે દક્ષિણ એશિયાના વિવાદો ઉકેલવામાં ચીન હંમેશા સહયોગ આપવા તૈયાર છે. જરૂર પડશે તો ભારત-માલદીવ-ચીન સહયોગ કરીને વિવાદ ઉકલશે. ચીને ભારત અને માલદીવ બંને સાથે મૈત્રીપૂર્ણ સંબંધોની વાત કરી હતી. ચીને એવું પણ કહ્યું કે ક્યારેય માલદીવને ભારતની વિરૂદ્ધ ઉશ્કેર્યું નથી. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સમાં આ અંગે ઓપિનિયન રજૂ થયો હતો. મોઈઝ્ઝુ ચીન તરફી હોવાથી ભારત-માલદીવના સંબંધોમાં તેમના ચૂંટાયા પછી તણાવ આવ્યો છે. સૈનિકોને પાછા બોલાવવાના મુદ્દે પણ મોઈઝ્ઝુ વારંવાર નિવેદનો આપે છે.