Get The App

આંધ્ર-તેલંગાણામાં વરસાદથી અત્યાર સુધી 31 મોત, 432 ટ્રેન રદ, જનજીવન ઠપ

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
Flood Crisis In Andhra Pradesh and Telangana


Flood Crisis In Andhra Pradesh and Telangana: તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં અતિભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત રોડ અને રેલવે ટ્રેક જેવા વાહનવ્યવહારના સાધનોને પણ નુકસાન થયું છે. હજારો એકર ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં તેલંગાણામાં 16 અને પડોશી આંધ્ર પ્રદેશમાં 15 લોકોના મોત થયા છે. તેલંગાણામાં દરિયાકાંઠા નજીક રેલવે ટ્રેક પૂરના પાણીને કારણે ધોવાઈ ગયા છે. જેના કારણે 432 ટ્રેનો રદ કરવામાં આવી હતી. જ્યારે 139 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. 

આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તેલંગાણાના અદિલાબાદ, જગિત્યાલ, કામરેડ્ડી, કોમારામ ભીમ આસિફાબાદ, મેડક, મેડચલ મલકજગીરી, નિઝામાબાદ, પેદ્દાપલ્લી, સંગારેડ્ડી સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, આંધ્રપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ અને પૂરના કારણે 4.5 લાખ લોકો પ્રભાવિત થયા છે. 31,238 લોકોને 166 રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં NTR, ગુંટુર, કૃષ્ણા, એલુરુ, પલાનાડુ, બાપટલા અને પ્રકાશમનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: એલર્ટ! અસના વાવાઝોડાના કારણે હવે અહીં થશે મેઘતાંડવ, 22 જિલ્લામાં ભારે વરસાદની આગાહી


NDRF અને SDRFની ટીમ તહેનાત

આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનટીઆર, ગુંટુર, કૃષ્ણા, એલુરુ, પલાનાડુ, બાપટલા અને પ્રકાશમનો સમાવેશ થાય છે. SDRFની 20 ટીમો અને NDRFની 19 ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ અને ઘણા ભાગોમાં 24 કલાકથી વધુ સમય માટે વીજ કાપને કારણે વિજયવાડામાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. પૂરના કારણે ઇન્ટરનેટ અને મોબાઇલ ટેલિફોન સેવાઓ ખોરવાઈ ગઈ છે. હૈદરાબાદની કનેક્ટિવિટી પ્રભાવિત થઈ હતી.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને કરી અપીલ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં શક્ય તમામ મદદ પૂરી પાડવા હાકલ કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર અને આંધ્ર પ્રદેશ સરકારને પૂરગ્રસ્ત લોકો માટે શક્ય તેટલી વહેલી તકે પુનર્વસન પેકેજ પ્રદાન કરવાની માંગ કરી હતી.

તેલંગાણામાં રૂ. 5,000 કરોડનું નુકસાન

તેલંગાણામાં મુશળધાર વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકારે 5,000 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવ્યો છે. જેને લઈને કેન્દ્ર સરકાર પાસેથી 2,000 કરોડ રૂપિયાની તાત્કાલિક સહાયની માંગ કરી હતી. તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

આંધ્ર-તેલંગાણામાં વરસાદથી અત્યાર સુધી 31 મોત, 432 ટ્રેન રદ, જનજીવન ઠપ 2 - image


Google NewsGoogle News