છત્તીસગઢના બીજાપુરમાં 31 નક્સલ ઠાર, બે જવાન શહીદ
- આ વર્ષે નક્સલોના ગઢ ઇન્દ્રાવતી નેશનલ પાર્કમાં જ ૬૫૦ જવાનોનું સૌથી મોટું અભિયાન
- મૃતક નક્સલોમાં ૧૧ મહિલા સામેલ, એકે ૪૭, એસએલઆર, ઈન્સાસ રાઈફલ, બીજીએલ લોન્ચર હથિયાર અને વિસ્ફોટકો જપ્ત
- છત્તીસગઢમાં ૧૩ મહિનામાં ૨૮૨ નક્સલી ઠાર, ૧૦૩૩ની ધરપકડ અને ૯૨૫નું આત્મસમર્પણ
- છત્તીસગઢમાં આ વર્ષે ૪૦ દિવસમાં જ ૮૦ નક્સલી ઠાર
- માર્ચ ૨૦૨૬ સુધીમાં નક્સલવાદને મૂળથી ખતમ કરાશે : અમીત શાહ
બીજાપુર: દેશમાંથી નક્સલવાદના ખાત્મા માટેના અભિયાનના ભાગરૂપે છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોએ રવિવારે નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બિજાપુરમાં રવિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૧ મહિલા સહિત ૩૧ નક્સલીઓ માર્યા ગયા છે જ્યારે બે જવાન શહીદ થઈ ગયા હતા અને બે જવાનોને ઈજા થઈ હતી. છેલ્લા એક મહિનામાં નક્સલીઓ સામે સુરક્ષાદળોનું આ સૌથી મોટી કાર્યવાહી છે.
બે ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલ ખસેડાયા, અન્ય નક્સલીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન યથાવત્
છત્તીસગઢમાં બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું કે, સુરક્ષાદળોને ઈન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રના જંગલમાં મોટી સંખ્યામાં નક્સલીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી, જેન પગલે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને બસ્ટર ફાઈટર્સ તેમજ રાજ્ય પોલીસ સહિતના સુરક્ષાદળોની ટીમે સંયુક્તપણે તાત્કાલિક કાર્યવાહી કરતાં ઉદ્યાન ક્ષેત્રને ઘેરી લેવાયું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રોએ ઉમેર્યું કે, નક્સલોએ આત્મસમર્પણ કરવાના બદલે સુરક્ષા દળો સામે અંધાધૂંધ ગોળીબાર કરતાં સુરક્ષા દળો અને નક્સલો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ પછી સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી જંગી પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યા હતા, જેમાં એકે ૪૭, એસએલઆર, ઈન્સાસ રાઈફલ, બીજીએલ લોન્ચર હથિયાર અને વિસ્ફોટક પદાર્થનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ જણાવ્યું હતું કે, દેશમાં નક્સલવાદનો અંત નિશ્ચિત છે.
એન્કાઉન્ટર અંગે માહિતી આપતા છત્તીસગઢના ગૃહમંત્રી વિજય શર્માએ કહ્યું કે, જવાનોને ઈન્દ્રાવતી નેશનલ પાર્ક વિસ્તારમાં નક્સલીઓ હોવાની માહિતી મળી હતી. ત્યાર પછી ૬૫૦ જેટલા જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું. જે સ્થળ પર જવાનોએ નક્સલીઓનું એન્કાઉન્ટર કર્યું છે તેને નક્સલીઓનું સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવતું હતું. જવાનોએ નક્સલીઓના ગઢમાં ઘૂસીને હુમલો કર્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, આ અથડામણમાં બે સુરક્ષા જવાન શહીદ થઈ ગયા છે, જેમાંથી એક રાજ્ય પોલીસના જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) હતા અને બીજા સ્પેશિયલ ફોર્સ (એસટીએફ)માંથી હતા. આ સિવાય અન્ય બે જવાનોને ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવાયા હતા. અથડામણ પછી વધારાના સુરક્ષા દળોને ઘટનાસ્થળ પર મોકલાયા છે તથા આ ક્ષેત્રમાં અન્ય નક્સલીઓને શોધવા માટે અભિયાન પણ હાથ ધરાયું છે.
બીજી બાજુ છત્તીસગઢમાં નક્સલવાદ ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં સુરક્ષાદળોને સતત સફળતા મળી રહી છે. આ વર્ષે સુરક્ષા દળોના દબાણમાં નક્સલીઓ સતત તેમના ઠેકાણા બદલી રહ્યા છે અને અથડામણોમાં ઠાર થઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૫ની શરૂઆત થયાને હજુ ૪૦ જ દિવસ થયા છે અને આ સમયમાં સુરક્ષાદળોએ ૮૦ નક્સલોને ઠાર કર્યા છે, જેમાં હાર્ડકોર નક્સલીઓનો પણ સમાવેશ થાય છે. સુરક્ષા દળોએ આ પહેલાં અન્ય એક અથડામણમાં ૪૯ નક્સલીઓને ઠાર કર્યા હતા. આ સિવાય ભાજપ સરકારમાં અત્યાર સુધીમાં ૨૬૮ નક્સલીઓ માર્યા ગયા છે જ્યારે ૭૫૦થી વધુએ આત્મસમર્પણ કરી દીધું છે. બીજીબાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે, માર્ચ ૩૧, ૨૦૨૬ સુધીમાં નક્સલીઓનો સફાયો કરી દેવાશે અને ત્યાર પછી નક્સલી હિંસામાં એક પણ ભારતીય નાગરીકે જીવ ગુમાવવો નહીં પડે.