નવા ઇન્કમ ટેક્સ બિલ માટે 31 સભ્યોની પસંદગી સમિતિની રચના, આગામી સત્રના પહેલા દિવસે રજૂ કરશે રિપોર્ટ
Income Tax Bill 2025 : નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે (13 ફેબ્રુઆરી) લોકસભામાં ઇન્કમટેક્સ બિલ 2025 રજૂ કર્યું હતું. બિલ રજૂ કરવાની સાથે જ તેમણે સ્પીકર ઓમ બિરલાને ગૃહની પસંદગી સમિતિને નવા કાયદા માટેનો ખરડો મોકલી આપવા વિનંતી કરી હતી. જે પછી સ્પીકરે આ બિલને ગૃહની પસંદગી સમિતિને મોકલ્યું છે અને હવે આ મામલે 31 સભ્યોની પસંદગી સમિતિ પણ રચવામાં આવી છે. ભાજપ સાંસદ બૈજયંત પાંડાને આ સમિતિના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે.
સમિતિમાં કોણ કોણ છે?
- બૈજયંત પાંડા
- નિશિકાંત દુબે
- જગદીશ શેટ્ટાર
- સુધીર ગુપ્તા
- અનિલ બલુની
- રાજુ બિસ્તા
- એટાલા રાજેન્દ્ર
- વિષ્ણુ દયાલ રામ
- મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ
- પી પી ચૌધરી
- શશાંક મણિ
- ભર્તૃહરિ મહતાબ
- નવીન જિંદાલ
- અનુરાગ શર્મા
- દીપેન્દ્ર સિંહ હુડ્ડા
- બેની બેહનન
- વિજયકુમાર ઉર્ફે વિજય વસંત
- અમર સિંહ
- એડવોકેટ ગોવાલ કાગડા પદવી
- મોહમ્મદ રકીબુલ હુસૈન
- લાલજી વર્મા
- એડવોકેટ પ્રિયા સરોજ
- મહુઆ મોઇત્રા
- કલાનિધિ વીરસ્વામી
- દગ્ગુમલ્લા પ્રસાદ રાવ
- કૌશલેન્દ્ર કુમાર
- અરવિંદ ગણપત સાવંત
- સુપ્રિયા સુલે
- રવિન્દ્ર દત્તારામ વાયકર
- એન કે પ્રેમચંદ્રન
- રિચાર્ડ વાનલાલહામનગાઈહા
વિપક્ષી સાંસદોએ બિલનો વિરોધ કર્યો
નાણામંત્રીએ ગૃહમાં જ્યારે બિલ રજૂ કર્યું ત્યારે વિપક્ષી સાંસદોએ બિલનો ભારે વિરોધ કર્યો હતો. પરંતુ ત્યારબાદ મૌખિક મતદાન લેવાયું ત્યારે બિલ રજૂ કરવાની મૌખિક મંજૂરી મળી હતી. આ બિલને 7 ફેબ્રુઆરીના રોજ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ બિલ છ દાયકા જૂના આવકવેરા કાયદાનું સ્થાન લેશે. હવે જે પસંદગી સમિતિ બનાવવામાં આવી છે તે આગામી સત્રના પહેલા દિવસ સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરશે.
પ્રસ્તાવિત કાયદામાં 536 કલમો
બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવેલા વિરોધ અંગે નાણામંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને આરએસપીના એનકે પ્રેમચંદ્રને ખોટું કહ્યું છે કે નવા બિલમાં હાલના આવકવેરા કાયદા કરતાં વધુ કલમો છે. 1961માં પસાર થયેલા કાયદામાં ફક્ત થોડા જ વિભાગો હતા. વર્ષોથી થયેલા ફેરફારો પછી, હવે 819 વિભાગો છે. જ્યારે પ્રસ્તાવિત કાયદામાં ફક્ત 536 કલમો છે.
આ પણ વાંચોઃ આંદોલનકારી ખેડૂતો અને કેન્દ્ર સરકારની બેઠક નિષ્ફળ, હવે 22 ફેબ્રુઆરીએ યોજાશે આગામી બેઠક
નવા બિલ પર ICAI એ શું કહ્યું?
ICAI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) એ જણાવ્યું હતું કે, નવું બિલ દેશની છ દાયકા જૂની કર પ્રણાલીને સરળ બનાવશે. આ બિલ રોજગારની નવી તકો ઊભી કરવા અને MSME વૃદ્ધિને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આનાથી ભારતીય અર્થતંત્ર મજબૂત થશે. ICAI બિલની જોગવાઈઓની તપાસ કરવા માટે પાંચ સભ્યોની સમિતિ પણ બનાવશે.