કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP-કોંગ્રેસનું એલાન, દિલ્હીમાં 31 માર્ચે 'I.N.D.I.A' ની મેગા રેલી
India Alliance Rally : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં 'I.N.D.I.A.' ગઠબંધને દિલ્હીમાં એક મેગા રેલીનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં તેનું એલાન કર્યું છે. રેલી રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત કરાશે. તેના માટે 31 માર્ચની તારીખ નક્કી કરાઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'દેશમાં જે રીતે વડાપ્રધાન તાનાશાહી વલણ અપનાવતા દેશમાં લોકશાહીની હત્યા કરીને દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરી છે, તેનાથી દેશમાં બંધારણ અને લોકશાહીના પ્રેમીઓના દિલોમાં આક્રોશ છે. આ માત્ર અરવિંદ કેજરીવાલની વાત નથી.'
'વિપક્ષી પાર્ટીના નેતાઓ પર થઈ રહ્યા છે કેસ'
વિપક્ષી પાર્ટીના નેતાઓએ કહ્યું કે, 'દેશમાં એક-એક કરીને આખા વિપક્ષને ખતમ કરવા માટે વડાપ્રધાન એજન્સીનો ઉપયોગ કરીને ધારાસભ્યો ખરીદીને, વિપક્ષને ખરીદીને, ખોટા કેસ કરીને ધરપકડનું ષડયંત્ર થઈ રહ્યું છે. ઝારખંડના મુખ્યમંત્રીની ધરપકડ કરી. પશ્ચિમ બંગાળથી લઈને બિહાર સુધી 'I.N.D.I.A.' ગઠબંધનના નેતાઓ પર નકલી કેસ કરીને ચુપ કરાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. દિલ્હી અને દેશમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં પ્રદર્શન ચાલુ રહેશે.'
'આચાર સંહિતા વચ્ચે AAPની ઓફિસ સીલ'
વિપક્ષી નેતાઓએ કહ્યું કે, 'દિલ્હીને છાવણીમાં ફેરવી દેવાઈ છે. ચૂંટણી પંચ મૉડલ કોડ ઑફ કંડક્ટ લાગૂ થવા છતા આમ આદમી પાર્ટીનું હેડક્વાર્ટર સીલ કરી દેવાયું. ભાજપ કહી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ અને વિપક્ષના નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યું છે પરંતુ આરોપના ધજાગરા સુપ્રીમ કોર્ટે ઉડાડી દીધા છે.'
"31 માર્ચે 'I.N.D.I.A.' બ્લોકની મેગા રેલી"
ચૂંટણી પંચની વેબસાઈટમાં જાહેર યાદીમાં 60 કરોડનું મની ટ્રેલ સામે આવ્યું છે. શરત રેડ્ડીની કંપનીથી 60 કરોડના બૉન્ડ લીધા. આમ આદમી પાર્ટીના નેતાએ પૂછ્યું કે, 'ભાજપ વાળા ચૂપ શા માટે છે? આજે દેશ જો ચુપ રહેશે તો અવાજ કોણ ઉઠાવશે. તાનાશાહી વિરૂદ્ધ 31 માર્ચે 10 વાગ્યે આખું દિલ્હી રામલીલા મેદાનમાં આવશે.'
'ચૂંટણી પહેલા મુખ્યમંત્રીની શા માટે ધરપકડ થઈ?'
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું કે, ''I.N.D.I.A.' ગઠબંધનથી જોડાયેલી પાર્ટીના તમામ મોટા નેતા રામલીલા મેદાનમાં 31 માર્ચે મહારેલીમાં સામેલ થશે.' ત્યારે કોંગ્રેસ નેતા અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે, 'રાહુલ ગાંધીએ દેશભરમાં લોકશાહીને બચાવવાની લડાઈ શરૂ કરી છે તો કોંગ્રેસ પાર્ટી પાછળ કેવી રીતે રહેશે. મજબૂતી સાથે આ લડાઈમાં ઉભા છે. ભારતવાસીઓ માટે તકલીફની વાત છે. દેશના યુવાનોને અપીલ છે કે આ લડાઈમાં જોડાઓ. ચૂંટણી પહેલા મુખ્યમંત્રીને કેદ શા માટે કરાઈ રહ્યા છે.'