3000 પંચાયત પદાધિકારી વિરોધ વગર ચૂંટાવા વિચિત્ર ઘટના : સુપ્રીમ
- પંજાબમાં પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ
- ઉમેદવારીપત્ર નકારાયું હોય કે ફાડી નખાયું હોય તેઓ ટ્રિબ્યૂનલમાં અપીલ કરે, છ મહિનામાં નિકાલ લાવો : સુપ્રીમનો આદેશ
નવી દિલ્હી : પંજાબમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૧૩૦૦૦ પંચાયત પદાધિકારીઓમાંથી ૩૦૦૦થી વધુને કોઇ પણ પ્રકારના વિરોધ વગર પસંદ કરવામાં આવ્યા હતા. જેને લઇને સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સાથે જ કહ્યું હતું કે જે પણ ઉમેદવારોના ઉમેદવારીપત્રો નકારવામાં આવ્યા હોય કે ફાડી નખાયા હોય તેઓ પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેંચે અગાઉ આ સમગ્ર મામલે નોટિસ જારી કરી હતી. બેંચે કહ્યું હતું કે પીડિત વ્યક્તિ ઇલેક્શન ટ્રિબ્યૂનલ સમક્ષ અરજી કરી શકે છે. ટ્રિબ્યૂનલે આ મામલાનો નિકાલ છ મહિનામાં કરવાનો રહેશે. જે પણ ઉમેદવારોના ઉમેદવારીપત્રો નકારવામાં આવ્યા હોય કે ફાડી નખાયા હોય તેઓ હાઇકોર્ટમાં જઇ શકે છે. આવા ઉમેદવારોની અરજી માત્ર એ કારણથી રદ નહીં કરી શકાય કે તેઓએ મોડા અરજી કરી છે. અરજીઓનો નિકાલ ગુણ-દોષના આધારે જ કરવાનો રહેશે, જો આ અરજીઓ રદ કરવામાં આવે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં તેને પડકારી શકે છે.
સુનાવણી દરમિયાન જ્યારે સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે પંચાયતના ૧૩૦૦૦થી વધુ પદોમાંથી ૩૦૦૦ પર ઉમેદવારો વિરોધ વગર ચૂંટાઇ આવ્યા છે તો મુખ્ય ન્યાયાધીશે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, તેમણે કહ્યું હતું કે આ બહુ જ વિચિત્ર છે, મે અગાઉ આવા આંકડા ક્યારેય નથી જોયા. આ બહુ જ મોટી સંખ્યા છે, આટલી મોટી સંખ્યામાં લોકો વિરોધ વગર ચૂંટાઇ આવ્યા છે. એક વકીલે દાવો કર્યો હતો કે ચૂંટણી દરમિયાન એક ઉમેદવારનું ચૂંટણી ચિન્હ હટાવી દેવામાં આવ્યું. ૧૫મી ઓક્ટોબરે આ ચૂંટણી યોજાઇ હતી જેમાં અનિયમિતતાના આરોપ લગાવીને ઉમેદવારો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.