3000 મૃત્યુ, 8.5 લાખ કેસ... ભારત જ નહીં પણ દુનિયાભરના દેશોને કોરોનાએ ડરાવ્યાં, WHO ચિંતિત

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
3000 મૃત્યુ, 8.5 લાખ કેસ... ભારત જ નહીં પણ દુનિયાભરના દેશોને કોરોનાએ ડરાવ્યાં, WHO ચિંતિત 1 - image


Image Source: Twitter

-  વિશ્વભરમાં અત્યાર સુધીમાં 77 કરોડથી વધુ કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે

નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે. કોરોનાએ ફરી એક વખત વિશ્વને ડરાવવાનું શરૂ કરી દીધુ છે. વિશ્વભરમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના 8.5 લાખ નવા કેસ નોંધાયા છે. WHOએ જણાવ્યું કે, છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાના 52% કેસ વધ્યા છે. WHOએ જણાવ્યું કે, વિશ્વભરમાં કોરોનાના કારણે ચાર અઠવાડિયામાં 3,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 28 દિવસની તુલનામાં આ ચાર અઠવાડિયામાં મૃત્યુમાં પણ 8%નો વધારો નોંધાયો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં 77 કરોડથી વધુ કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે.

WHOએ જણાવ્યું કે છેલ્લા 28 દિવસમાં વિશ્વભરમાં 118000 લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યારે 1600 લોકો ICUમાં છે. છેલ્લા દિવસોની તુલનામાં હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં 23%નો વધારો થયો છે. WHOએ જણાવ્યું કે ઓમિક્રોનનો વેરિએન્ટ JN.1ના કારણે કોરોનાના કેસોમાં વધારો થયો છે. તે ખૂબ જ સંક્રામક હોય છે.

શું જૂની રસી JN.1 પર અસરકારક છે?

કોરોનાનો નવો વેરિએન્ટ JN.1 ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે જેના કારણે એ સવાલ થઈ રહ્યો છે કે, શું જૂની વેક્સિન તેનાથી સુરક્ષા કરી શકશે અને તે JN.1 પર અસરકારક છે? આ મુદ્દે WHOએ જણાવ્યું કે, વર્તમાન વેક્સિન JN.1 અને SARS-CoV-2 દ્વારા થતી ગંભીર બીમારી અને મેતથી સુરક્ષા કરવામાં સક્ષમ છે. WHOએ કહ્યું કે, તે સતત JN.1 વેરિએન્ટ પર નજર રાખી રહ્યું છે. 

WHOએ લોકોને વેક્સિન લેવા, માસ્ક પહેરવા અને સુરક્ષિત અંતર જાળવવા જેવા નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે જેથી કોરોના સંક્રમણથી બચી શકાય. WHOએ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવા પર ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી છે.

ભારતમાં કોરોનાના 752 કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા છે. 21 મે પછી એક દિવસમાં આ સૌથી વધુ કેસ છે. બીજી તરફ એક્ટિવ કેસ પણ વધીને 3,420 થઈ ગયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4 લોકોના મોત થયા છે. જીવ ગુમાવનાર લોકોમાંથી 2 કેરળ, 1-1 રાજસ્થાન અને કર્ણાટકથી છે. 


Google NewsGoogle News