અધિકારીઓના માથા ફૂટયા બંગાળમાં ઈડીની ટીમ પર 300નું ટોળું ત્રાટક્યું
- ઈડીની ટીમે રાશન કૌભાંડની તપાસમાં શાહજહાં શેખ અને આદ્યા શંકરના ઘરે દરોડો પાડયો
- શાહજહાં શેખની ધરપકડ માટે ઈડી કોર્ટમાં જશે, બંધારણીય વિકલ્પો તપાસવાના રાજ્યપાલ આનંદ બોસના સંકેત : ભાજપની રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માગ, ટોળું અધિકારીઓના મોબાઈલ-લેપટોપ સહિતની ચીજો લૂંટી ગયું
- સીઆરપીએફના જવાનોએ ભાગવું પડયું, પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી
- તૃણમૂલના કાર્યકરોએ ઇડીના અધિકારીઓની ગાડી પર પથ્થરમારો કર્યો : એફઆઈઆર દાખલ
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડના આરોપી તૃણમૂલ નેતા શાહજહાંના સંદેશખાલી સ્થિત નિવાસ પર દરોડો પાડવા ગયેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર શુક્રવારે ૨૫૦થી ૩૦૦ લોકોના સ્થાનિક ટોળાએ હુમલો કરી બે અધિકારીઓના માથા ફોડી નાંખ્યા હતા અને તેમની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. ઈજાગ્રસ્ત અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હવે આ મામરે બંગાળમાં રાજકારણ ગરમાયું છે. ઈડીના અધિકારીઓ પર હુમલા બદલ એકબાજુ વિપક્ષ ભાજપે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી છે. બીજીબાજુ રાજ્યપાલ સીવી આનંદે આ ઘટનાને ભયાનક ગણાવી બંધારણીય વિકલ્પો ચકાસવા તથા યોગ્ય પગલાં લેવાની ચેતવણી આપી છે. વધુમાં હવે ઈડીએ તૃણમૂલ નેતાની ધરપકડ માટે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળમાં રાશન વિતરણ કૌભાંડની તપાસના સંદર્ભમાં તૃણમૂલ નેતા શાહજહાં શેખ અને આધ્યા શંકરના ઘરે દરોડો પાડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ સંદેશખાલી પહોંચી હતી.
આ સમયે ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ઈડીની ટીમ પર ૨૦૦થી ૩૦૦ સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. તેમણે ઈડીની ટીમ સાથે આવેલા સીઆરપીએફના જવાનોને પણ ધક્કે ચઢાવ્યા હતા. રિપોર્ટ મુજબ સ્થાનિક લોકોએ ઈડીની ટીમ પર ઈંટ-પથ્થરથી હુમલો કર્યો હતો, જેમાં બે અધિકારીઓને માથામાં લાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ઈડીની ટીમ હવે તૃણમૂલ નેતા શાહજહાં શેખ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ માટે કોર્ટમાં જશે. ઈડીના અધિકારીઓનો દાવો છે કે તૃણમૂલના નેતા એટલા પ્રભાવશાળી છે કે તેમની ટીમ અને અધિકારીઓ પર તેમના સમર્થકોએ હુમલો કર્યો છે. લોકોના હુમલાના કારણે ઈડીની ટીમે દરોડો પાડયા વિના જ સ્થળ પરથી ભાગવું પડયું હતું. ઈડીના કેટલાક અધિકારીઓને સામાન્ય ઈજા થઈ છે. પરંતુ બે અધિકારીને ગંભીર ઈજા થઈ છે. તેમને માથામાં ટાંકા લેવા પડયા છે.
ઈડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે આ કેસમાં શાહજહાં શેખની અટકાયત વિના કેસની તપાસ કરવી ખૂબ જ મુશ્કેલ છે. અમારે દરોડો પાડવા અને તપાસ કરવા માટે વહેલી તકે શેખની અટકાયત કરવી પડશે. અમે આજે અમારી સાથે થયેલી બધી જ ઘટનાઓનો ઉલ્લેખ કોર્ટમાં કરીશું. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ હુમલા દરમિયાન સ્થાનિક પોલીસ સદંતર નિષ્ક્રિય રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે આ કેસમાં પુરાવાઓનો નાશ રોકવા માટે તેઓ આ વિસ્તારમાં સીઆરપીએફની નિયુક્તિ માટે કોર્ટમાં અરજી કરશે.
દરમિયાન ઈડીની ટીમ પર હુમલા મુદ્દે રાજ્યપાલ આનંદ બોસ સ્થાનિક પોલીસ અધિકારીઓ પર ભડકી ઊઠયા હતા. તેમણે મમતા બેનરજી સરકારને કહ્યું હતું કે આ હુમલો કરનારા આરોપીઓ સામે પગલાં લેવા જ જોઈએ. આ રીતે બંગાળને બનાના રિપબ્લિક રાજ્ય બનવા દઈ શકાય નહીં. બીજીબાજુ વિપક્ષ ભાજપે ઈડીના અધિકારીઓ પર હુમલાને સમવાયી માળખા પર સીધા હુમલા સમાન ગણાવ્યો હતો. આ સાથે તેમણે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માગ કરી હતી. જોકે, શાસક તૃણમૂલે કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓ પર સ્થાનિક લોકોને ઊશ્કેરવાનો આરોપ મૂક્યો હતો.
રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી નિશિથ પ્રમાણિકે ભારપૂર્વક નોંધ્યું હતું કે, ઈડીના અધિકારીઓ પરનો હુમલો દેશના સમવાય તંત્ર પર હુમલા સમાન છે. રાજ્ય સરકાર ઈડીના અધિકારીઓને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. બંગાળ ભાજપ પ્રમુખ સુકાન્તા મજુમદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ આ ઘટનાની એનઆઈએ દ્વારા તપાસ કરાવવા અને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માગ કરી છે.
તૃણમૂલ નેતાઓ વર્ષોથી રાશન કૌભાંડ કરતા હોવાનો આક્ષેપ
ચોખાના મીલ માલિકોએ ખેડૂતોના એમએસપીના નાણાં ખિસ્સામાં નાંખ્યા
- કૌભાંડ બદલ પૂર્વ ખાદ્ય પૂરવઠા મંત્રી જ્યોતિ પ્રિયા મલિક, ચોખાના મીલ માલિક રહેમાન જેલમાં છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ છેલ્લા કેટલાક મહિનાથી પશ્ચિમ બંગાળમાં રાશન વિતરણ કૌભાંડની તપાસ કરી રહી છે. કરોડો રૂપિયાના આ કૌભાંડમાં રાજ્ય મંત્રી જ્યોતિપ્રિયો મલ્લિકની ધરપકડ કરાયેલી છે. ઈડીએ શુક્રવારે જ્યોતિપ્રિયાના વિશ્વાસુ શાહજહાં અને શંકર આદ્યાના ઘરે દરોડા પાડયા હતા.
ઈડીએ થોડાક દિવસ પહેલા ખુલાસો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ)નું લગભગ ૩૦ ટકા રાશન ખુલ્લા બજારમાં વેચી દેવાય છે. આ રાશન વેચ્યા પછી જે રૂપિયા મળતા હતા તે મિલના માલિકો અને પીડીએસ ડિસ્ટ્રિબ્યુટર્સને વહેંચી દેવાતા હતા. હકીકતમાં ચોખા મિલ માલિકોએ કેટલીક સહકારી સમિતિઓ સાથે મિલીભગતથી ખેડૂતોના નકલી બેન્ક ખાતા ખોલાવ્યા અને તેમને અપાતા ટેકાના ભાવની રકમ તેમના ખિસ્સામાં નાંખી દીધી હતી. આ કૌભાંડમાં મુખ્ય શકમંદોમાંથી એકે કબૂલ્યું છે કે ચોખા મિલ માલિકોએ પ્રતિ ક્વિન્ટલ અંદાજે રૂ. ૨૦૦ની કમાણી કરી હતી. આ અનાજ સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી ખરીદવાની હતી. ઈડીએ કહ્યું હતું કે, ચોખાની મિલના અનેક માલિકો વર્ષોથી આ કૌભાંડ કરી રહ્યા છે.
ઈડીએ ગયા વર્ષે આ કૌભાંડમાં લોટ અને ચોખા મિલના માલિક બકીબુર રહેમાનની ધરપકડ કરી હતી, જેમને ન્યાયિક અટકાયતમાં મોકલાયેલા છે. આ સિવાય ઈડીએ આ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જ્યોતિપ્રિયા મલિકની પણ ધરપકડ કરી હતી. જ્યોતિ વર્ષ ૨૦૧૧થી ૨૧ સુધી ખાદ્ય પુરવઠા મંત્રી હતા. તેમના કાર્યકાળમાં કથિત રીતે રાશન વિતરણમાં ભારે અનિયમિતતા જોવા મળી હતી.