દાના વાવાઝોડું 'દાનવ'ની જેમ ત્રાટક્યું, 120 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ, 7 રાજ્યોને અસર
15 લાખથી વધુનું સ્થળાંતર : બંગાળમાં ત્રણ હોડી ડૂબતા 16 માછીમાર લાપતા
પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડયો : ઓડિશામાં સ્કૂલ-કોલેજો, જગન્નાથ, કોણાર્ક મંદિર બંધ કરાયા
Dana Cyclone News | ચક્રવાતી તોફાન દાના 'દાનવ' બનીને ગુરુવારે મોડી રાત પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું. વાવાઝોડું ત્રાટકે તે પહેલાં તકેદારીના ભાગરૂપે ગુરુવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 300થી વધુ ફ્લાઈટ્સ અને 552 ટ્રેનો રદ કરી દેવાઈ હતી. આ સિવાય ઓડિશામાં 10લાખથી વધુ જ્યારે બંગાળમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્યો પર વાવાઝોડાંની અસર થઈ હતી. વાવાઝોડાના કારણે ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય-પ્રદેશમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પણ જોરદાર પડી રહ્યું છે.
વાવાઝોડું દાના ઓડિશામાં પ્રતિ કલાક 120 કિ.મી.ની ઝડપે ભિતરકનિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટના દરિયા કિનારાના વિસ્તારમાં ટકરાયું હતું. આ સમયે સમુદ્રના મોજા બે મીટર ઊંચા ઉછળ્યા હતા. વાવાઝોડના કારણે ઓડિશામાં ભારે વરસાદ પડયો હતો. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ ક્હયું હતું કે, તેમની સરકાર 'ઝીરો કેઝ્યુલિટી' માટે કટિબદ્ધ છે. આ માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરી દેવાઈ છે. પીએમ મોદી સતત વાવાઝોડા દાના અંગે માહિતી મેળવી રહ્યા છે.
#WATCH | Odisha: Gusty winds and heavy downpour cause destruction in Dhamra, Bhadrak
— ANI (@ANI) October 25, 2024
The landfall process of #CycloneDana underway pic.twitter.com/1tILknoZyK
ઓડિશામાં 14 જિલ્લામાં 10 લાખથી વધુ, પશ્ચિમ બંગાળમાં 3.50 લાખથી વધુ અને અન્ય રાજ્યોમાંથી પણ હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. વાવાઝોડાના પગલે સર્જાનારી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફની 19 ટીમો, ઓડિશા આરએએફની 51, ફાયર સર્વિસની 220 અને વન વિભાગની 95 ટીમો સહિત 385 રેસ્ક્યુ ટીમો તૈનાત કરાઈ છે. આ સિવાય ઓડિશા પોલીસના જવાનોની 150 પ્લાટૂન્સને પણ બચાવ કામગીરી માટે તૈનાત રખાઈ છે.
ભુવેશ્વર એરપોર્ટ ગુરુવારે સાંજથી આગામી 16 કલાક માટે બંધ કરી દેવાયું હતું, જેને પગલે 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી. ઓડિશામાં સ્કૂલ અને કોલેજો બે દિવસ માટે બંધ કરી દેવાયા છે. ભારતીય રેલવેએ પણ ઓડિશા અને બંગાળમાં ૫૫૨થી વધુ ટ્રેનોનું સંચાલન રદ કર્યું હતું. પુરી જગન્નાથ મંદિર પરિસરમાંથી બધા જ અસ્થાયી ટેન્ટ હટાવી દેવાયા છે જ્યારે વિશ્વવિખ્યાત કોણાર્ક મંદિર બે દિવસ માટે બંધ કરી દેવાયું છે.
વાવાઝોડા દાનાની અસરના પગલે માત્ર ઓડિશા જ નહીં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તિસગઢ સહિત પૂર્વોત્તરના રાજ્યો પર અસર જોવા મળી હતી. દાના ઓડિશામાં ત્રાટકે તે પહેલાં પશ્ચિમ બંગાળમાં શમશેરગંજ અને ફરક્કા વિસ્તારમાં આંધી-તોફાન જોવા મળ્યા હતા. તેની ઝપેટમાં આવતા ત્રણ હોડી ડૂબી ગઈ હતી અને 16 માછીમાર લાપતા થઈ ગયા હતા. તેમની શોધ ચાલુ છે. માછીમારો સાથે 10થી 12 વર્ષના અનેક બાળકો પણ હોડીઓમાં સવાર હતા.
ઝારખંડમાં પણ વાવાઝોડાની અસરના કારણે ગુરુવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે પશ્ચિમી સિંહભૂમ, સરાયકેલા-ખરસાવાં અને પૂર્વીય સિંહભૂમ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ હતી.