ધીરજ સાહુ પાસેથી 300 કરોડની રોકડ જપ્ત : 7 રૂમ, 9 લોકરની તપાસ બાકી
- કોંગ્રેસ સાંસદના ઘરે આઈટી દરોડામાં ઈતિહાસની સૌથી મોટી જપ્તી
- 8-10 તિજોરીમાંથી રોકડની ગણતરી માટે 40 મશીનો કામે લગાવાયા : હજુ 136 બેગની ગણતરી બાકી
- સાહુ પરિવારની 300 કરોડની કેશ, કોંગ્રેસ-નવીન શંકાના ઘેરામાં
નવી દિલ્હી : રાજ્યસભામાં ઝારખંડમાંથી કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ સાથે સંકળાયેલી કંપનીઓ પર ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ત્રણ દિવસથી ચાલી રહી છે. આ દરોડામાં આઈટીના એક જ ઓપરેશનમાં કાળા નાણાંની અત્યાર સુધીમાં ઈતિહાસની સૌથી મોટી જપ્તી કરાઈ છે. ઓડિશાની કંપનીના સંકુલમાંથી અત્યાર સુધીમાં રૂ. ૩૦૦ કરોડની રોકડની ગણતરી કરવામાં આવી છે. હજુ ૭ રૂમ અને ૯ લોકરની તપાસ કરવાની બાકી હોવાથી આ કાર્યવાહી ક્યારે અટકશે તે અંગે માત્ર અટકળો જ થઈ શકે તેમ છે.
આવકવેરા વિભાગના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના સ્થળો અને તેમની સાથે સંકળાયેલી કંપનીના સંકુલો પર પાડવામાં આવેલા દરોડામાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાળુ નાણું પકડાયું છે. ઓડિશામાં ધિરજ શાહુની કંપનીના સંકુલમાંથી મળેલી રોકડ ગણવા માટે ૪૦ મશીનો સતત કામ કરી રહી છે, છતાં ત્રણ દિવસથી ગણતરી પૂરી થઈ શકી નથી. આ સંકુલમાં તિજોરીઓમાં રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦ની નોટોના બંડલો ભરેલા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
આઈટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, કોઈ એક જૂથ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર દરોડામાં દેશમાં અત્યાર સુધીમાં જપ્ત કરાયેલી આ સૌથી મોટી રોકડ જપ્તી છે. આ પહેલાં ક્યારેય આટલી જંગી રોકડની જપ્તી થઈ નથી. ઓડિશાના બોલાંગીર જિલ્લામાં દારૂની કંપની બલદેવ સાહુ એન્ડ ગૂ્રપ ઓફ કંપનીસના સંકુલમાં ૮થી ૧૦ તિજોરીઓમાં રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦ની નોટોના બંડલો પડયા છે. આ રોકડ ગણવા માટે નાની-મોટી ૪૦ મશીનો કામે લગાવાઈ છે. આ સિવાય આ રોકડ લઈ જવા માટે અનેક ગાડીઓ તૈનાત કરવામાં આવી છે. હજુ ૧૩૬ બેગની ગણતરી બાકી હોવાનું કહેવામાં આવે છે. સાહુ પાસેથી અંદાજે રૂ. ૫૦૦ કરોડની રોકડ જપ્ત થશે તેવો અંદાજ અધિકારીઓ લગાવી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે, બોલાંગીર જિલ્લાના સંકુલમાંથી અંદાજે રૂ. ૨૨૦ કરોડ જપ્ત કરાયા છે. બાકીના નાણાં અન્ય સ્થળો પરથી જપ્ત કરાયા છે. આઈટી વિભાગની ટીમે રાંચીમાં ધીરજ સાહુના ઘરેથી શુક્રવારે ત્રણ સૂટકેસ બહાર કાઢી હતી, જેમાં ઘરેણાં ભરેલા હોવાનું માનવામાં આવે છે. જોકે, હજુ સુધી તેની પુષ્ટી થઈ શકી નથી. સૂત્રોએ ઉમેર્યું કે હજુ તો ત્રણ સ્થળોના સાત રૂમ અને નવ લોકરની તપાસ કરવાની બાકી છે. અહીંથી પણ રોકડ અને ઘરેણાં મળી શકે છે.
ધિરજ સાહુના સ્થળો પરથી ત્રણ દિવસમાં અંદાજે રોકડા ૩૦૦ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે અને હજુ પણ નોટોની ગણતરી ચાલુ છે. આવકવેરા વિભાગની ટીમોએ બૌધ ડિસ્ટિલરીઝ પ્રા. લિ. કંપની અને તેના સંકુલો, બૌધ ડિસ્ટિલરીઝની ભાગીદાર કંપની બલદેવ સાહુ એન્ડ ગૂ્રપ ઓફ કંપનીસના સંકુલો, બૌધ ડિસ્ટિલરીની ભૂવનેશ્વર સ્થિત કોર્પોરેટ ઓફિસ અને મકાનો, આ કંપનીની બૌધ રામચિકાતા અને રાણીસતિ રાઈસ મીલ પર, બોલાંગીરના સુદાપાડા અને તિતિલાગઢમાં દારૂના બે વેપારીઓના ઘર પર અને રાંચીના રેડિયમ રોડ તથા લોહરદગા સ્થિત સાંસદ ધીરજ સાહુના આવાસ પર ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.