CAA લાગુ થાય તે પહેલાં જ સત્યાગ્રહ, અનશન, દેખાવની તૈયારી, આસામમાં 30 સંગઠન એકજૂટ થયા
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 01 માર્ચ 2024 શુક્રવાર
આસામમાં નાગરિકતા સુધારો કાયદા (સીએએ) વિરુદ્ધ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસૂ) સહિત 30થી વધુ સંગઠનોએ પ્રદર્શન કરવાનું એલાન કરી દીધુ છે. AASU ના અધ્યક્ષ ઉત્પલ શર્માએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આસામ પ્રવાસ દરમિયાન 9 માર્ચે તમામ જિલ્લામાં 12 કલાકની ભૂખ હડતાળ સહિત આંદોલન કરવામાં આવશે. ઉત્પલ શર્માએ કહ્યુ કે સીએએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણા કેસ ચાલી રહ્યા છે.
30 સ્વદેશી સંગઠનોના પ્રતિનિધિઓની સાથે બેઠક બાદ AASU ના અધ્યક્ષ ઉત્પલ શર્માએ કહ્યુ કે સીએએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણા કેસ ચાલી રહ્યા છે અને દરમિયાન તેને લાગુ કરવાની જાહેરાત કરવી લોકોની સાથે ઘોર અન્યાય છે. તેમણે કહ્યુ, આસામના લોકોએ ક્યારેય પણ સીએએનો સ્વીકાર કર્યો નથી અને જો તેને લાગુ કરવામાં આવે છે તો તે તરફ આગળ વધારવામાં આવેલા દરેક પગલાનો વિરોધ કરીશુ. તેમણે કહ્યુ કે કાયદાકીય લડતની સાથે-સાથે આપણે કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ આંદોલન ચાલુ રાખીશુ.
મશાલ જુલૂસ કાઢવામાં આવશે
ઉત્પલ શર્માએ કહ્યુ કે સીએએ વિરોધી આંદોલન 4 માર્ચે દરેક જિલ્લા કાર્યાલયમાં મોટરસાઈકલ રેલીઓની સાથે શરૂ થશે અને એક મશાલ જુલૂસ પણ કાઢવામાં આવશે. તેમણે કહ્યુ, અમે તેના વિરુદ્ધ દરેક જિલ્લા મુખ્યાલયમાં મશાલ જુલૂસ કાઢીશુ અને રાજ્યભરમાં આંદોલન પણ કરીશુ. શર્માએ કહ્યુ, જ્યારે વડાપ્રધાન 8 માર્ચે આસામ આવશે તો AASU અને 30 અન્ય સંગઠન તે પાંચ યુવકોની તસવીરોની સમક્ષ દીવો પ્રગટાવશે જે 2019માં સીએએ વિરોધી પ્રદર્શનો દરમિયાન પોલીસની ફાયરિંગમાં મૃત્યુ પામ્યા હતા.
પીએમ મોદી 8 માર્ચે આસામના પ્રવાસે
વડાપ્રધાન 8 માર્ચથી આસામના બે દિવસીય પ્રવાસ પર હશે. આ દરમિયાન તેઓ કાઝીરંગા નેશનલ પાર્કમાં જંગલ સફારી કરશે. 17મી સદીના અહોમ સેના કમાન્ડર લાચિત બોરફુકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે અને શિવસાગર મેડીકલ કોલેજનો શિલાન્યાસ કરશે અને 5.5 લાખ વડાપ્રધાન આવાસ યોજનાથી બનેલા ઘરોનું ઉદ્ધાટન કરશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલા જ પોતાના ભાષણોમાં CAAના એલાનની વાત કહી ચૂક્યા છે. તેમણે CAA અંગે કહ્યુ કે 2019માં કાયદો પસાર થયો હતો. આ અંગે નિયમ જાહેર કર્યા બાદ લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે. સીએએ દેશનો કાયદો છે. તેનું નોટિફિકેશન નક્કી રીતે થઈ જશે. ચૂંટણી પહેલા જ સીએએ અમલમાં આવવાનું છે જેમાં કોઈએ કન્ફ્યૂઝન રાખવુ જોઈએ નહીં.
અમિત શાહ કરી ચૂક્યા છે જાહેરાત
અમિત શાહની આ જાહેરાત બાદથી ઘણા રાજ્યોમાં હલચલ છે તો આસામે સીએએ વિરુદ્ધ ફરીથી પ્રોટેસ્ટ કરવાનું એલાન કરી દીધુ છે. વર્ષ 2019માં જ્યારે CAA વિરોધી પ્રોટેસ્ટ થયા હતા ત્યારે આ દરમિયાન દેશભરમાં હિંસાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને જાનહાનિ પણ થઈ હતી. આસામમાં ખૂબ ઉગ્ર પ્રદર્શન થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પાંચ યુવકોના મોત થઈ ગયા હતા. હવે એકવાર ફરી આસામના સંગઠનોએ CAA ના વિરોધમાં પ્રોટેસ્ટનું એલાન કર્યું છે.