છત્તીસગઢના બીજાપુરમાં 30 નક્સલીઓનું આત્મસમર્પણ, નવ પર જાહેર હતું 39 લાખનું ઈનામ

Updated: May 14th, 2024


Google NewsGoogle News
છત્તીસગઢના બીજાપુરમાં 30 નક્સલીઓનું આત્મસમર્પણ, નવ પર જાહેર હતું 39 લાખનું ઈનામ 1 - image


Naxalites Surrender in Bijapur : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીવાદીઓ સાથેની અથડામણની ઘટનાઓ વચ્ચે 30 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલવાદીઓમાંથી નવ પર 39 લાખનું ઈનામ હતું. આ નક્સલીઓ બીજાપુર એસપી, સીઆરપીએફના ડીઆઈજી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારી સમક્ષ કાયદાની મુખ્યધારામાં જોડાયા છે. આ ઉપરાંત તેમને પુનર્વસન હેઠળ 25-25 હજાર રોકડ પણ અપાઈ છે. આ નક્સલીઓમાં જનતાનાર સરકારનો અધ્યક્ષ અને ડીએકેએએમએસનો અધ્યક્ષ પણ સામેલ છે.

બીજાપુરમાં 12 નક્સલવાદીઓ ઠાર

ઉલ્લેખનીય છે કે, બીજાપુરમાં પીડિયાના જંગલોમાં શુક્રવારે (10 મે) સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ ઠાર થયા હતા. ઘટનામાં બે જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને હથિયારો જપ્ત કર્યા હતી. રાબેતા મુજબ સુકમા, બીજાપુર અને દંતેવાડાની ડીઆરજી કોબરાની 210 બટાલિયન અને એસટીએફના જવાનો દ્વારા સર્ચઓપરેશન ચાલી રહ્યું છે. તે દિવસે જવાનોને સૂચના મળી હતી કે, ગંગાલૂર પોલીસ સ્ટેશન ક્ષેત્રના પીડિયા વિસ્તારમાં નક્સલીઓના ટોચના કમાન્ડર લિંગા, પાપારાવ સહિત મોટા લીડર્સો જંગલમાં છે. આ ઉપરાંત નક્સલવાદીઓની ટીમમાં DKSJC, DVCM તેમજ ACM કેડરના મોટા નક્સલવાદીઓ પણ હાજર છે. આ સૂચના મળ્યા બાદ પડોશી જિલ્લાના દંતેવાડા, સુકમા તેમજ બીજાપુરથી STF, DRG, CRPF તેમજ કોબરા બટાલિયનના 1200 જવાનો સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે.

150 નક્સલીઓનું આત્મસમર્પણ

નક્સલવાદનો ખાતમો કરવા માટે રાજ્યમાં સ્પેશિયલ ઓપરેશન ચાલી રહ્યું છે. રિપોર્ટ મુજબ એપ્રિલ-2024 સુધીમાં 80 નક્સલીઓ (Naxalites) માર્યા ગયા છે અને 125થી વધુની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 150 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર, 2004-14ની સરખામણીમાં 2014-23માં દેશમાં ઉગ્રવાદને લગતી હિંસામાં 52 ટકાનો ઘટાડો થયો છે. 

નક્સલીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન

છત્તીસગઢમાં નવી સરકારની રચના સાથે જ નક્સલીઓ સામે સ્પેશિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2023માં નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ચલાવવાનો આદેશ આપ્યો હતો. એક વિશેષ સમિતિ પણ બનાવવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બીએસએફ, ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર જનરલ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

નક્સલવાદી હિંસામાં ઘટાડો

સુરક્ષા દળોએ 2014થી નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં કેમ્પ બનાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2019 પછી 250થી વધુ કેમ્પ બનાવવા આવ્યા હતા. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર, વર્ષ 2014-23ની સરખામણીમાં વર્ષ 2004-14માં નક્સલવાદી હિંસાની ઘટનાઓ 14862થી ઘટીને 7128 થઈ ગઈ છે. વર્ષ 2004-14ની સરખામણીમાં 2014-23માં સુરક્ષા કર્મચારીઓના મૃત્યુની સંખ્યામાં 72 ટકાનો ઘટાડો થયો છે. આ સંખ્યા 1750 થી ઘટીને 485 થઈ ગઈ છે. આ ઉપરાંત સામાન્ય લોકોના મૃત્યુની સંખ્યા 4285થી 68 ટકા ઘટીને 1383 થઈ ગઈ છે. વર્ષ 2010માં હિંસાગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 96 હતી. વર્ષ 2022માં તે 53 ટકા ઘટીને 45 થઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં 90 જિલ્લાઓમાં 5000થી વધુ પોસ્ટ ઓફિસની સ્થાપના કરવામાં આવી છે,જ્યા નક્સલીઓ સક્રિય હતા.


Google NewsGoogle News