હિમપ્રપાતથી બનેલું તળાવ ઓચિંતુ ફાટતા ઉ. સિક્કીમમાં 30 લાપત્તા, 6 પુલો ધરાશાયી

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
હિમપ્રપાતથી બનેલું તળાવ ઓચિંતુ ફાટતા ઉ. સિક્કીમમાં 30 લાપત્તા, 6 પુલો ધરાશાયી 1 - image


- પ. બંગાળ અને પૂર્વોત્તર ભારતમાં પણ ભારે વર્ષા

- લેહનાક તળાવ ઓચિંતુ ફાટયું : વાસ્તવમાં કેટલા લોકો તણાયા તે જાણી શકાયું નથી : સેનાના ૨૩ જવાનો તણાઈ ગયા તે નિશ્ચિત છે

કોલકત્તા : ઉત્તર સિક્કિમમાં મંગળવારે મોડી રાત્રે હીમપ્રપાતથી બનેલું તળાવ ફાટતા અચાનક આવેલા પુરને લીધે પ્રાથમિક માહિતી પ્રમાણે ૩૦ લોકો તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી આપતા સેન્ટ્રલ વોટર કમિશન (સીડબલ્યુસી)ના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે વાસ્તવમાં કેટલા લોકો તણાઈ ગયા છે તે હજી સુધી નિશ્ચિત થઈ શક્યું નથી. અમે માહિતી એકત્રિત કરી રહ્યા છેીએ તેમ સીડીબલ્યુસીના સિક્કીમ રાજ્યના ડીરેક્ટર પ્રભાકર રાયે જણાવ્યું હતું.

દરમિયાન સેના તરફથી પ્રસિદ્ધ કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સેનાના ૨૩ જવાનો પૂરમાં તણાઈ ગયા છે તેમજ લાચેન ખીણમાં આવેલા કેટલાક લશ્કરી સ્થાનો પણ પુરમાં તણાઈ ગયા છે તે ઉપરાંત સિંગતામ પાસેના બારદંગમાં રહેલા સેનાના કેટલાક વાહનો પણ તણાઈ ગયા છે તો કેટલાક મોટા વાહનો ઉપર કાદવ- કીચડ છવાઈ ગયો છે.

અધિકારીઓ વધુમાં જણાવે છે કે ઉત્તર સિક્કિમમાં આવેલા માનગાંવ, પૂર્વ સિક્કિમમાં પાકીયયોંગ અને ગંગટોક પૂરથી ઘણા જ અસરગ્રસ્ત થયા છે. આ સાથે વરસાદ પણ પડતો હોવાથી થોડા કલાકોમાં જ નિસ્તા નદીનું જળસ્તર વધી જવાની શક્યતા છે તેથી પ. બંગાળ અને બાંગ્લાદેશના ઉત્તરના વિસ્તારો માટે 'ફ્લડ એલર્ટ' જાહેર કરાયો છે.

પ્રભાકર રાયે વધુમાં જણાવ્યું હતું કે, આશરે રાત્રે ૧૦ વાગે અમને માહિતી મળી હતી કે લાચેન તળાવમાં જળસ્તર ઝડપભેર વધી રહ્યું છે. આ વિસ્તારમાં સેનાનું પણ એક મથક હતું.

ગંગટોક સ્થિત ઇન્ડિયા મીટીઓરોલોજીકલ ડીપાર્ટમેન્ટ (આઇએમડી)ની ઑફિસ જણાવે છે કે વાદળ ફાટવાને લીધે આ પુર આવ્યા નથી વાદળ ફાટયું ત્યારે જ કહેવાય જ્યારે એક કલાકમાં ૧૦૦ મી.મી. જેટલો વરસાદ થયો હોય. છેલ્લા ૨૪ કલાકમાં સિક્કીમમાં ૩૯ મી.મી.જેટલો વરસાદ થયો છે. તેથી ક્લાઉડ બર્સ્ટ (વાદળ ફાટયું) થયું છે તેમ ન કહી શકાય.

આ પૂરને લીધે નેશનલ હાઇવે ૧૦માં ઠેર ઠેર મોટા ગાબડા પડતા તે લગભગ ધોવાઈ ગયો છે. આ હાઇવે સિક્કીમની લાઇફ લાઇન છે તે નિસ્તાને કાંઠે કાંઠે આગળ વધે છે. તે તૂટતા સિક્કીમના ઘણાં વિસ્તારોમાં સંપર્ક તૂટયો છે.

દરમિયાન ઝારખંડમાં 'લૉ પ્રેશર' ઉપસ્થિત થયું છે. તેથી ચક્રવાત ઉભો થતા પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં ગુરૂવાર સુધી વરસાદી માહોલ રહેવાનો છે. આથી પશ્ચિમ બંગાળના બિરભૂમ, બાંકુરા, પશ્ચિમ બર્દવાન, પૂર્વ બર્દવાન, પશ્ચિમ મિદનાપોર, હુગલી અને હાવરામાં પૂર જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે.

બાંકુરા જિલ્લામાં ૧૦૦૦ લોકોને સલામત સ્થળે પહોંચાડયા છે. ૩૫ રીલીફ કેમ્પ સ્થાપવામાં આવ્યા છે. જે બાંકુરા અને પ્રકૃતિતયા જિલ્લાઓમાં સ્થાપવામાં આવ્યા છે. રાહત સાધનો જેવાં કે તાડપત્રી, બગડે નહી તેવા ખાદ્યના પદાર્થો, પીવાનું પાણી અને દવાઓ તૈયાર રખાયા છે. અમે પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ તેમ પશ્ચિમ બંગાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સિવિલ ડિફેન્સ વિભાગે જણાવ્યું છે.


Google NewsGoogle News