Get The App

30 લાખ સરકારી નોકરી, કોલેજ પછી બધાને 1 લાખ! લોકસભા પહેલાં રાહુલ ગાંધીના 5 મોટા વાયદા

રાહુલ ગાંધીએ રાજસ્થાનના બાંસવાડામાં જનસભાને સંબોધી હતી

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
30 લાખ સરકારી નોકરી, કોલેજ પછી બધાને 1 લાખ! લોકસભા પહેલાં રાહુલ ગાંધીના 5 મોટા વાયદા 1 - image

Rahul Gandhi : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પહેલા એક મોટું પગલું ભર્યું છે. યુવા મતદારોને આકર્ષવા માટે તેમણે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવાઓ માટે મોટા વાયદા કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કોલેજ પૂર્ણ કર્યા બાદ 1 લાખ રૂપિયાવાળી એપ્રેન્ટિસશિપ આપવાની પણ જાહેરાત કરી છે. તેમણે 'યુવા ન્યાય'ની જાહેરાત કરવાની સાથે પાંચ વચનો આપ્યા હતા.

ભારત જોડો યાત્રામાં રેલીને સંબોધન 

મણિપુરથી મુંબઈ સુધી 'ભારત જોડો ન્યાય યાત્રા' યોજી રહેલાં રાહુલ ગાંધીએ ગુરુવારે રાજસ્થાનના બાંસવાડામાં જનસભાને સંબોધતાં કહ્યું કે ભારતમાં 30 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે. પીએમ મોદીનું તેના પર ધ્યાન જ નથી. ભાજપને તેમાં કોઈ રસ નથી. સરકારમાં આવ્યા બાદ અમારું પહેલું કામ 30 લાખ નોકરીઓ આપવાનું રહેશે. 

કોલેજ પછી દરેકને એક લાખની એપ્રેન્ટિસશીપ 

બીજા વચન તરીકે રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના દરેક સ્નાતકને 1 લાખ રૂપિયાનો હક આપવામાં આવશે. તેમણે દરેક યુવાનોને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું, 'અમે મનરેગા લાવ્યા હતા જેનો લાખો લોકોને ફાયદો થયો હતો, અમે રોજગારનો અધિકાર આપ્યો હતો. તેવી જ રીતે, અમે ભારતના તમામ યુવાનોને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપવા જઈ રહ્યા છીએ. દરેક સ્નાતક અને ડિપ્લોમા ધારકને આ મળશે. દરેક યુવકને કોલેજ પછી તરત જ 1 વર્ષ માટે એપ્રેન્ટિસશિપ આપવામાં આવશે અને તેને 1 લાખ રૂપિયા આપવામાં આવશે અને આ તેમનો અધિકાર હશે.

પેપર લીકથી મુક્ત કરીશું 

રાહુલ ગાંધીએ પેપર લીક થવાની વધતી જતી ઘટનાઓ બાદ વચન આપ્યું કે પેપર લીકની ઘટનાઓથી છુટકારો મેળવવા કડક કાયદો બનાવીકરોડો યુવાનોનું ભવિષ્ય બગડતું અટકાવવામાં આવશે. અમે પેપર લીક સામે નવો કાયદો લાવીશું જેમાં અમે પરીક્ષા યોજવાની રીત બદલીશું. ખાનગી કંપનીઓને આઉટસોર્સ કરી યોજવામાં આવતી પરીક્ષાઓ બંધ થશે. પરીક્ષા સરકારી સંસ્થા દ્વારા લેવામાં આવશે. જો પેપર લીક થશે તો એવી કાયદેસરની કાર્યવાહી થશે કે ફરી આવું ન થાય.

રાજસ્થાન જેવો કાયદો દેશભરમાં લાગુ કરીશું 

રાહુલ ગાંધીએ કહ્યું કે ઘણા યુવાનો ઓલા-ઉબેર અને ડિલિવરીનું કામ કરે છે અને તેમને ગીગ વર્કર કહેવામાં આવે છે. અમે તેમની સામાજિક સુરક્ષા માટે રાજસ્થાનમાં કાયદો બનાવ્યો હતો, અમે તે કાયદો સમગ્ર ભારતમાં લાગુ કરવાના છીએ. જેઓ ડ્રાઈવર, સિક્યોરિટી ગાર્ડ, ઉબેર-ઓલા, પિત્ઝા ડિલિવરી બોય તરીકે કામ કરે છે તેમને પણ સુરક્ષા મળવી જોઈએ, તેમના માટે પેન્શન અને સામાજિક સુરક્ષા હોવી જોઈએ, તેમને એકઝાટકે નોકરીમાંથી ન કાઢી નાખવા જોઈએ. અમે તેના માટે કાયદો બનાવીશું.

40 વર્ષથી ઓછી વયના યુવાઓ માટે સ્ટાર્ટઅપ ફંડ

રાહુલ ગાંધીએ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે ફંડ આપવાનું પણ વચન આપતાં કહ્યું કે પીએમ મોદીએ સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા કર્યું પણ તેનાથી કોઈ ફેર પડ્યો નથી. બે-ત્રણ અબજોપતિઓએ બધું છીનવી લીધું. યુવાનોને ન તો સ્ટાર્ટઅપ મળ્યું કે ન તો મેક ઇન ઇન્ડિયા. અમે સ્ટાર્ટઅપ્સ માટે 5 હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવ્યું છે. આ ફંડ દરેક જિલ્લામાં હશે. 40 વર્ષથી નીચેના યુવાનો તેનો લાભ લઈ શકશે.

30 લાખ સરકારી નોકરી, કોલેજ પછી બધાને 1 લાખ! લોકસભા પહેલાં રાહુલ ગાંધીના 5 મોટા વાયદા 2 - image


Google NewsGoogle News