બેઝમેન્ટમાં 12 ફૂટ પાણી, UPSCના ત્રણ વિદ્યાર્થીના મોત, રાવ કોચિંગના માલિક સહિત બેની ધરપકડ
Image: IANS |
3 Students Died due To water lodged In Delhi: દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત પ્રચલિત રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતાં ત્રણ વિદ્યાર્થીના મોત નિપજ્યા છે. આ મામલે બે લોકો કોચિંગ સેન્ટરના માલિક અને કો-ઓર્ડિનેટરની ધરપકડ કરી છે. દિલ્હી સરકારે આ ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
દિલ્હી ફાયર વિભાગને શનિવારે સાંજે 7 વાગ્યે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું હોવાની માહિતી મળી હતી. વિભાગને કોલ કરવામાં આવ્યો હતો કે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું છે અને ઘણાં વિદ્યાર્થી ફસાયા છે. મામલાની ગંભીરતા જોતા NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થિતિ એવી હતી કે ડાઇવર્સને પાણીમાં નીચે ઉતારવા પડ્યા હતા.
પોલીસના જણાવ્યાનુસાર, આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ 25 વર્ષીય તાનિયા સોની (વિજય કુમારની પુત્રી), 25 વર્ષીય શ્રેયા યાદવ (રાજેન્દ્ર યાદવની પુત્રી) અને 28 વર્ષીય નેવિન ડાલ્વિન તરીકે થઈ છે. તાનિયા અને શ્રેયા યુપીના હતા જ્યારે નેવિન કેરળનો રહેવાસી હતો. તે દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા જેએનયુમાંથી પીએચડી કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃ આફત તો ક્યારેક જ આવે પણ અહીં તો દર વર્ષે...' 3 સાથીને ગુમાવતાં UPSCના વિદ્યાર્થીઓમાં રોષ
બેઝમેન્ટમાં પાણી કેવી રીતે ભરાયું?
કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં લાઈબ્રેરી બનાવેલી હતી. જેના લીધે અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. ફાયર ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે 30થી 35 વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. જેમાં ત્રણ ફસાઈ ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન ત્રણ વિદ્યાર્થીના મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં બે વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થિની સામેલ હતી.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એક વિદ્યાર્થી નેવિન ડાલ્વિન કેરળનો રહેવાસી હતો. પરંતુ છેલ્લા છ-સાત મહિનાથી દિલ્હીના પટેલ નગરમાં રહેતો હતો. જેએનયુમાંથી અભ્યાસ કરી રહેલ નેવિન કોચિંગ સેન્ટરની લાઈબ્રેરીમાં વાંચવા ગયો હતો. ડીસીપી (સેન્ટ્રલ દિલ્હી) એમ. હર્ષવર્ધને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, શનિવાર સાંજે દિલ્હીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કે, બેઝમેન્ટમાં આટલી ઝડપથી પાણી કેવી રીતે ભરાઈ ગયું.
નાળાઓની સફાઈ ન થતાં પાણી ભરાયા
દિલ્હીમાંથી ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે દાવો કર્યો છે કે, નાળાઓની સફાઈ ન થતાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. સપ્તાહમાં વારંવાર અહીંના લોકોએ ધારાસભ્ય દુર્ગેશ પાઠકને નાળાની સફાઈ કરવા કહ્યું હતું. પરંતુ તેમની વાત અવગણવામાં આવી હતી. ડાઈવર્સને બચાવ કામગીરી માટે ઉતારવામાં આવ્યા હતા, જે સ્થિતિ કેટલી હદે ગંભીર છે તેનો અંદાજ આપે છે.
આ પણ વાંચોઃ બ્રેકઅપની સલાહ આપનારી ગર્લફ્રેન્ડની બહેનપણીનું બોયફ્રેન્ડે મર્ડર કર્યું
બે-ત્રણ મિનિટનો ખેલ, બેઝમેન્ટમાં અચાનક પૂરની જેમ પાણી આવ્યું
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે બેઝમેન્ટમાં સાંજે 7 વાગ્યે લાઈબ્રેરી બંધ થતાં તમામ વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા હતા. ત્યાં જ અચાનક પુરઝડપે પાણી વિદ્યાર્થીઓ તરફ ધસી આવ્યું હોવાનું પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીએ જણાવ્યું હતું. અમે લાઈબ્રેરીમાંથી બહાર જઈ રહ્યા હતા, ત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા હતા.
પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હોવાથી તેઓ સીડી ચઢી શકતા ન હતા. 2-3 મિનિટમાં જ આખા બેઝમેન્ટમાં 10-12 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. ત્યાંથી બહાર નીકળવા દોરડાઓ નાખવામાં આવ્યા હતા. પરંતુ પાણી એટલુ ગંદુ હતું કે, કંઈ જ દેખાતુ ન હતું.
લાઈબ્રેરીનું ફર્નિચર પણ તણાઈ ગયું
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બેઝમેન્ટમાં એટલુ પાણી ભરાઈ ગયું હતું કે, લાઈબ્રેરીના ફર્નિચર પણ તરવા લાગ્યા હતા. જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણો આવી રહી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પણ પાણી હતું. એવામાં બેઝમેન્ટમાં પાણી ભરાયા બાદ તેને બહાર કાઢવા માટે મોટર પંપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચાર મોટર પંપ મારફત પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. બચાવ કામગીરી માટે ડાઈવર્સની મદદ લેવામાં આવી હતી. મોડી રાત્રે ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહો મળી આવ્યા બાદ ડીસીપી એમ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, સાત ફૂટ પાણી હજી પણ ભરાયેલુ છે, જે બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. દિલ્હીના શિક્ષણ મંત્રીએ મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે.