ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, 3 માળનું મકાન ધરાશાયી, કાટમાળમાં દટાઈ જતાં 9 લોકોનાં મોત
Houses Collapsed In Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મેરઠમાં મોડી રાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં ત્રણ માળનું એક મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં ઘણાં લોકો દટાયા હોવાની આશંકા હતી. ઈમારત ધરાશાયી થવાના કારણે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. જો કે, લેટેસ્ટ અપડેટ્સ અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કાટમાળમાંથી 9 મૃતદેહો કાઢી શકાયા છે. જેમાં એક બાળકી પણ સામેલ છે. લગભગ 11 લોકોને કાટમાળથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ પોલીસની ટીમ અને અન્ય રાહત ટુકડીઓ ઘટનાસ્થળે હાજર છે. તમામ લોકો બિલ્ડિંગનો કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઈમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે.
ડીએમ દીપક મીણા શું બોલ્યાં?
મેરઠમાં આ ઘર ધરાશાયી થવાની દુર્ઘટના અંગે ડીએમ દીપક મીણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે કાટમાળના ઢગલામાંથી એક મહિલા અને એક બાળક સહિત કુલ 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઈમારતમાં 20ની આસપાસ લોકો ફસાયા હતા. અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 11 લોકોને બહાર કાઢી લઈને હોસ્પિટલ ખસેડાયા છે. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે અનેક પશુઓના મોત પણ થયા છે.
આ પણ વાંચો: ફરિદાબાદમાં વરસાદી પાણી ભરેલા અન્ડરબ્રિજમાં એક્સયુવી ડૂબી, બેનાં મોત
વધુ વરસાદે આફત નોતરી!
માહિતી અનુસાર વધારે પડતાં સતત વરસાદને કારણે લોહિયા નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતી જાકીર કોલોનીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં જર્જરિત હાલતમાં આ મકાન ધરાશાયી થઇ ગયું. કાટમાળમાં લોકોને શોધવા માટે હજુ પ્રયાસો ચાલી રહ્યા છે. માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી.